અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને ગરીબ દેશોને આપવામાં આવતી ખેરાત બાબતમાં સૂચક નિવેદન કર્યું હતું કે ‘‘નો લંચ ઇઝ ફ્રી.’’ શ્રીમંત દેશો ગરીબ દેશોને જે રાહતસામગ્રી મફતમાં આપતા હોય છે તેના બદલામાં તેની બજારો પર અને તેનાં કુદરતી સાધનો પર કબજો જમાવતા હોય છે. આ વાત આજના સમાજ પર નિયંત્રણ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને પણ લાગુ પડે છે. ૨૦૦૯ માં વ્હોટ્સ એપે ભારતમાં મેસેજિંગ સર્વિસ ચાલુ કરી ત્યારે ગ્રાહકોને વચન આપવામાં આવ્યું હતું કે તે કાયમ માટે મફત રહેશે અને તેના દ્વારા ગ્રાહકના ડેટાનું સંરક્ષણ કરવામાં આવશે.
તે સમયે મોબાઇલ કંપનીઓ દ્વારા એક મેસેજનો રૂપિયો વસૂલ કરવામાં આવતો હતો. મફત સેવા મેળવવાના લોભમાં કરોડો લોકો વ્હોટ્સ એપ વાપરતા થયા હતા. તેના દ્વારા શોર્ટ મેસેજ ઉપરાંત ફોટો, વીડિયો, લોકેશન, કોન્ટેક્ટ વગેરે સેવાઓ પણ મફતમાં આપવામાં આવી હતી.
ધીમે ધીમે ભારતમાં વ્હોટ્સ એપના ગ્રાહકોની સંખ્યા ૪૦ કરોડ પર પહોંચી ગઈ હતી. ૨૦૧૪ માં ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે ૧.૩૯ લાખ કરોડ રૂપિયામાં સોદો કરીને વ્હોટ્સ એપ પ્લેટફોર્મ ખરીદી લીધું હતું. ત્યારે કહેવામાં આવતું હતું કે ફેસબુકે બહુ મોટી કિંમત ચૂકવી હતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મો જાહેરખબરોની કમાણી કરવા લાગ્યા હતા; પણ વ્હોટ્સ એપ જાહેરખબરોથી મુક્ત રહ્યું હતું.
હવે તેણે પોતાના તમામ ગ્રાહકોને નોટિસ મોકલી છે કે તા. ૬ ફેબ્રુઆરીથી તેની પ્રાઈવસી પોલિસી બદલાય છે. નવી પોલિસી મુજબ વ્હોટ્સ એપ પોતાના ગ્રાહકોનો બધો ડેટા ફેસબુકને આપી શકશે અને ફેસબુક તેનો ઉપયોગ જાહેરખબરો માટે કરી શકશે. જો વ્હોટ્સ એપના ગ્રાહકો પોતાના ડેટાનું સંરક્ષણ કરવા માગતા હશે તો તેમની સેવા બંધ કરી દેવામાં આવશે. જો તેઓ નવી નીતિમાં સંમતિ આપશે તો તેમનો ડેટા જાહેર કરીને તેમાંથી કમાણી કરવામાં આવશે. આ નીતિ દ્વારા વ્હોટ્સ એપ અબજો ડોલરની કમાણી કરી લેશે.
સોશિયલ મીડિયાના જાણકારો કહે છે કે ડેટા આજના યુગનું ખનિજ તેલ છે. આરબ દેશો ખનિજ તેલના વેચાણ દ્વારા જેટલી કમાણી નથી કરી શકતા તેનાથી વધુ કમાણી ટેક જાયન્ટ કંપનીઓ આપણી અંગત માહિતીઓના વેચાણ દ્વારા કરી શકે છે. ભારતમાં ફેસબુકના ૩૧ કરોડ ગ્રાહકો છે અને વ્હોટ્સ એપના ૪૦ કરોડ ગ્રાહકો છે.
જો કોઈ કંપનીના હાથમાં આ તમામનાં નામ, સરનામાં, મોબાઇલ નંબર, લોકેશન, બેન્ક અકાઉન્ટ નંબર, આધાર કાર્ડ નંબર વગેરે વિગતો આવી જાય તો તે તેનો ઉપયોગ કરીને જાહેરખબરો દ્વારા અઢળક કમાણી કરી શકે છે. ભારતમાં ડિજિટલ જાહેરખબરોનું બજાર વાર્ષિક ૨૭,૦૦૦ કરોડ રૂપિયાનું છે અને તે નિરંતર વધી રહ્યું છે. ૨૦૧૯-૨૦ માં ફેસબુકે જાહેરખબરો વેચવા દ્વારા ૧,૨૭૭ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. જો ફેસબુકના હાથમાં વ્હોટ્સ એપના ગ્રાહકોનો ડેટા આવી જાય તો તેની કમાણી ઝડપથી વધી શકે છે.
વ્હોટ્સ એપના ગ્રાહકોને સવાલ થશે કે તે ફેસબુકને મારો ક્યો ડેટા આપવા માગે છે? તેનાથી મને શું ફાયદો કે નુકસાન થશે? તેની વિગતો જાણવી જરૂરી છે. વ્હોટ્સ એપના નવા નિયમ મુજબ તે પોતાના ગ્રાહકોના મોબાઇલ નંબર જ નહીં પણ તેની ફોનબુકમાં સ્ટોર કરવામાં આવેલા તમામ મોબાઇલ નંબરો ફેસબુકને આપી શકે છે. ફેસબુક આ મોબાઇલ નંબરો તેને જાહેરખબર આપનારી કોઈ પણ કંપનીને વેચી શકે છે.
ફેસબુક માત્ર મોબાઇલ નંબરો નહીં વેચે, પણ તે ગ્રાહક ક્યા ગ્રુપમાં મેમ્બર છે, તેને કઈ ચીજો ગમે છે, તે ક્યાં સ્થળોની મુલાકાત લે છે, કઈ હોટેલમાં નાસ્તો કરે છે, નેટ ઉપરથી કઈ ચીજો ખરીદે છે? વગેરે વિગતો પણ વેચી શકશે.
હવે વ્હોટ્સ એપ દ્વારા ડિજિટલ પેમેન્ટ સર્વિસ પણ શરૂ થઈ રહી છે. તેનો ઉપયોગ કરીને ફેસબુકના માલિકો વ્હોટ્સ એપના ગ્રાહકનો બેન્ક અકાઉન્ટ નંબર પણ જાણી શકશે. તે રૂપિયા ક્યાં વાપરે છે? તેની જાણકારી પણ રાખશે. વ્હોટ્સ એપ દ્વારા તમારા સ્ટેટસની માહિતી પણ ફેસબુકના સર્વરમાં નિયમિત પહોંચાડી દેવામાં આવશે.
વ્હોટ્સ એપ દ્વારા તમારી અંગત માહિતી ફેસબુક સાથે શેર કરવામાં આવશે તેથી તમારી જિંદગીમાં શું ફરક પડશે? તમારી કોઈ વાત ખાનગી નહીં રહે. તમે ક્યા સ્થળની મુલાકાત લો છો, કોની સાથે વાતો કરો છો,
ક્યા ગ્રુપમાં વધુ સક્રિય છો, ક્યાં તમારા રૂપિયા વાપરો છો? વગેરે માહિતીના આધારે ફેસબુક દ્વારા તમારો પ્રોફાઇલ તૈયાર કરવામાં આવશે અને જાહેરખબર આપતી કંપનીઓને વેચવામાં આવશે. તેના આધારે સોશિયલ મીડિયામાં તમારા પર જાહેરાતોનો મારો ચલાવવામાં આવશે. તમારી અંગત વાતો તેમના માટે કમાણી કરવાનું સાધન બની જશે.
આજકાલ ઘણાં સરકારી ખાતાંઓ પણ અંદરોઅંદર સંદેશાની લેવડદેવડ કરવા માટે વ્હોટ્સ એપ મેસેન્જરનો ઉપયોગ કરતા હોય છે, જેમાં ક્યારેક દેશની સલામતીને લગતી સંવેદનશીલ માહિતી પણ હોય છે. આ માહિતી કોઈ વિદેશી કંપનીના હાથમાં પહોંચી જાય તો તેનો ઉપયોગ દેશના નેતાઓ અને ટોચના અમલદારોની જાસૂસી કરવા માટે પણ થઈ શકે છે.
જો વ્હોટ્સ એપ તેના ગ્રાહકોને ડેટાનો વેપારી ઉપયોગ કરવાનું હોય તો સરકારી ખાતાંઓ દ્વારા તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. વળી ફેસબુક દ્વારા વ્હોટ્સ એપના ડેટાનું રીતસર વેચાણ થવાનું છે, જેમાંથી તેને અઢળક નફો પણ મળવાનો છે. ભારત સરકારે આ નફાની આકારણી કરીને તેના પર જીએસટી વસૂલ કરવો જોઈએ. જો ભારત સરકાર દ્વારા તાત્કાલિક આ બાબતમાં કાયદો નહીં ઘડવામાં આવે તો અગાઉ બન્યું હતું તેમ વિદેશી કંપનીઓ પાછલી તારીખથી ટેક્સ ચૂકવવાનો ઇનકાર કરી દેશે.
વર્તમાનમાં વ્હોટ્સ એપના ગ્રાહકોને કોઈ વણજોઈતી જાહેરખબરોનો સામનો નથી કરવો પડતો, કારણ કે તેના પર જાહેરખબરો આપવામાં આવતી નથી. ફેસબુકના વપરાશકારો જાહેરખબરોનો માર સહન કરી જ રહ્યા છે.
જો કે વ્હોટ્સ એપે હજુ જાહેરખબરોની સેવા શરૂ કરી નથી, પણ તે ભવિષ્યમાં નહીં જ કરે તેની કોઈ ગેરન્ટી નથી. અત્યારે તો વ્હોટ્સ એપના ગ્રાહકોનો ડેટા હાંસલ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમના પર જાહેરખબરોનો મારો ચલાવશે. કદાચ તેઓ જાહેરખબરો શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. નવી નીતિ અમલમાં આવે તેના ટૂંક સમયમાં જ વ્હોટ્સ એપ દ્વારા પણ જાહેરખબરોનો મારો શરૂ થઈ જાય તેવું બની શકે છે.
સોશિયલ મીડિયાના મોટા ભાગના પ્લેટફોર્મ આપણને મફતમાં વાપરવા મળે છે, પણ તેનો ઉપયોગ કરીને ટેક જાયન્ટ કંપનીઓ જાહેરખબરો વેચે છે અને કમાણી કરે છે. આપણે ગુગલની મેપ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ તેનો લાભ ઉઠાવીને ગુગલ આપણી તમામ હિલચાલ પર નજર રાખે છે. આપણે કોઈ હિલ સ્ટેશન પર જઈએ તો તરત ત્યાંની હોટેલોની જાહેરખબરો આપણા માથે મારવામાં આવે છે.
સોશિયલ મીડિયાના પ્લેટફોર્મો દ્વારા દેશના કરોડો લોકોની ખાનગી વાતો લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવે છે, જેમાં દેશના નેતાઓનો અને સુરક્ષા દળોનો પણ સમાવેશ થઈ જાય છે. આ માહિતીનો ઉપયોગ કરીને તેઓ દેશમાં ઉથલપાથલ પણ કરાવી શકે છે. જેમ જેમ આપણે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરતા જઈએ છીએ તેમ આપણે તેના ગુલામ બનતા જઈએ છીએ. આ જોઈને લાગે છે કે સંદેશવ્યવહાર માટે કબૂતરની પદ્ધતિ સૌથી સલામત હતી.