Business

મહારાષ્ટ્રમાં ભાજપ માટે કપરાં ચઢાણ

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થયું છે અને હવે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણીમાં પડકાર ઊભો થયો છે. અત્યારે તો ભાજપ ૧૦૦થી વધુ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે પણ મુખ્યમંત્રીપદે એકનાથ શિંદે છે અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી છે. ભાજપે શિવસેના શિંદેને સાથે લીધા પછી અજીત પવારને સાથે શા માટે લીધા એ મુદે્ ભાજપમાં જ વિખવાદ છે. બીજી બાજુ , ઉદ્ધવની શિવસેના , શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ મજબૂત બન્યાં છે અને આગામી ચૂંટણી ત્રણેય સાથે મળી લડવાના છે. મહાવિકાસ આઘાડી મજબૂત દેખાઈ રહ્યો છે.

ભાજપને લોકસભાની ચૂંટણીમાં જે નુકસાન થયું એની ભરપાઈ કરવાનું આસાન નથી અને એ માટે શિંદે અને અજીત પવાર જવાબદાર છે. કારણ કે, અજીત પવાર જ્યારથી નાયબ મુખ્યમંત્રી બન્યા અને કેટલાંક ખાતાં એમના સભ્યોને અપાયાં ત્યારથી શિંદે જૂથ જ નહીં, પણ ભાજપનાં નેતાઓ પણ નારાજ છે. સંઘ દ્વારા અજીત પવાર મુદે્ ટીપ્પણીઓ થઇ છે. લોકસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર શિંદે અને અજીત જૂથ વચ્ચે ઘણી બધી સમસ્યા હતી અને એનું નુકસાન થયું છે. અલબત્ત શિંદે જૂથને સાત બેઠક મળી છે, પણ શિંદે કરતાં ઉદ્ધવ ઠાકરેને લોકોની લાગણી મળી છે.

બીજી બાજુ અજીત પવાર અતિ નબળા પડ્યા છે. એમના એક જ સભ્ય ચૂંટાયા છે અને કેબીનેટમાં સ્થાન મુદે્ ખેંચતાણ થઇ છે. બીજું કે, રાજ ઠાકરેની એમએન એસ પણ સાથે છે. એટલે કે બેઠકોની વહેંચણીમાં બહુ બધી સમસ્યા થવાની છે. વિધાનસભાની ૨૮૮ બેઠકોમાંથી કોને કેટલી આપવી એ મુદે્ નિર્ણય લેવાની ભાજપ માટે ઘરુ બનવાનું છે. દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીમાં હાર માટે રાજીનામું આપવાની વાત કરી પણ કેન્દ્રીય નેતાગીરીએ એ ના સ્વીકાર્યું અને આગળ વધવા કહ્યું. પણ ફડણવીસ નારાજ છે. એમને તો નાયબ મુખ્યમંત્રી પણ બનવું નહોતું.

લોકસભામાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની છે. ૧૯૮૦થી ૨૦૧૪ સુધી મહારાષ્ટ્રમાં કોન્ગ્રેસના મુખ્યમંત્રી હતા , શરદ પવાર ૧૯૯૯માં અલગ થયા . પણ ૨૦૧૪થી કોંગ્રેસનું મહારાષ્ટ્રમાં પતન થયું. એટલું જ નહિ, લોકસભાની ચૂંટણી પહેલાં અશોક ચવાણ , મિલિન્દ દેવરા જેવા નેતાઓ પણ પક્ષ છોડી ગયા. કોંગ્રેસ ચોથા નંબરે આવી ગઈ. પણ લોકસભાના પરિણામો પ્રોત્સાહક રહ્યાં છે. પ્રકાશ આંબેડકર અને ઓવૈસીના પક્ષ વચ્ચે સમજુતી ના થઇ એનાથી કોંગ્રેસને ફાયદો થયો. દલિતો અને મુસ્લિમોના મત મળ્યા. મહાવિકાસ આઘાડીમાં સામેલ થવાથી સૌથી વધુ ફાયદો કોંગ્રેસને જ થયો છે અને વિધાનસભાની ચૂંટણીમાં ફરી સત્તા મળે એ માટે આ મોરચો લડી શકે એમ છે. ભાજપ માટે વધુ કપરાં ચઢાણ છે.

નીતીશકુમારને ઝટકો
નીતીશકુમાર એનડીએમાં ગયા એનાથી એમના પક્ષને બહુ ફાયદો થયો નથી. મોદી ૩.૦ સરકારમાં મહત્ત્વનાં ખાતાં મળ્યાં નથી. સોઈક્ર માટે જેડીયુ આગ્રહી છે પણ ફેંસલો બાકી છે. નીતીશ નબળા તો પડ્યા છે અને હવે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. જાતિ ગણના બિહારમાં થઇ અને પછી નીતીશ સરકારે અનામતની મર્યાદા વધારી ૬૫ ટકા કરી નાખી હતી અને ત્યારથી જ વિવાદ થયો હતો અને ઘણી બધી સંસ્થાઓ હાઈકોર્ટમાં ગઈ હતી. આખરે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે સમાનતાના આધારે આ જોગવાઈ ના થઇ શકે. એ રદ કરવામાં આવે છે.

નીતીશે જાતિ ગણના કરી જ વિવાદ સર્જ્યો હતો અને એના આધારે નીતીશ સરકારે ઓબીસી અનામત ૧૨ ટકાથી વધારી ૧૮ ટકા અને ઈબીસીની અનામત ૧૮ ટકાથી વધારી ૨૫ ટકા ને એસસીની ૧૦ ટકા હતી એ વધારી ૨૦ ટકા અને એસટીની એક તાકાત અહ્તી એ ૨ ટકા કરાઈ. આ ઉપરાંત આર્થિક રીતે નબળા  સવર્ણ માટે ૧૦ ટકાની જોગવાઈ થયેલી.

હાઈકોર્ટે આ નિર્ણયને રદ કર્યો છે. આમે ય સુપ્રીમ કોર્ટે ૧૯૯૨નાં ઇન્દિરા સહાની કેસમાં જ ૫૦ ટકા સુધી જ અનામત રાખવા નિર્દેશ આપ્યો હતો. પણ બિહારમાં અનામત વધારી અને નીતીશ ઇચ્છતા હતા કે આ અનામતને બંધારણની નવમી સૂચિમાં દાખલ કરાય જેથી એને પડકારી ના શકાય પણ એવું થયું નહિ. તામીલનાડુમાં અનામત ૬૯ ટકા છે પણ એ નવમી સૂચિમાં સામેલ છે એથી એને પડકારી શકાતી નથી. હાઈકોર્ટનો નિર્ણય નીતીશ માટે ફટકા સમાન છે. આ મુદે્ રાજકારણ ગરમાવાનું એ નક્કી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં આ મુદો્ નીતીશને ભારે પડી શકે.

ઝારખંડમાં પણ જાતીય ગણતરી થશે
બિહાર પછી ઝારખંડમાં પણ જાતીય ગણતરી કરવાની જાહેરાત થઇ છે. ઝારખંડમાં ઓક્ટોબરમાં ધારાસભાની ચૂંટણી છે અને ચંપઈ સોરેન સરકારે અત્યારથી એની તૈયારી શરૂ કરી દીધી છે. હેમંત સોરેન જેલમાં છે અને હજુ જામીન મળ્યા નથી. જાતીય ગણતરીની વાત છે ત્યાં સુધી ઇંડિયા ગઠબંધન દ્વારા લોકસભાની ચૂંટણીમાં વાયદો પણ કરવામાં આવ્યો હતો. અને સોરેન સરકારે એ વાતને આગળ વધારી છે. હેમંત સોરેનને જેલમાં મોકલ્યા બાદ પણ ભાજપ ત્યાં સત્તા મેળવવામાં સફળ થયો નથી અને ચૂંટણીની તૈયારીરૂપે સોરેન સરકારે કેટલીક બીજી પણ જાહેરાતો કરી છે.

વીજળી બીલમાં વધુ રાહત આપી છે. કિસાનને કરજ માફી કરી છે. મહિલાઓને આર્થિક મદદ અને યુવાનોને નોકરીમા પ વાયદા થયા છે. ઝારખંડમાં ચૂંટણી રસપ્રદ બનવાની છે કારણ કે, હેમંત સોરેનને જેલ એ મુદો રાજકીય બને એ સ્વાભાવિક છે. જો કે, અરવિંદ કેજરીવાલ પણ જેલમાં છે; પ્રચાર માટે બહાર આવવાની છૂટ મળી, પણ દિલ્હીમાં એક પણ બેઠક જીતી ના શક્યા. ઝારખંડમાં કોંગ્રેસ માટે પણ તક છે. આદિવાસી વિસ્તાર અહીં વધુ છે અને સોરેન પરિવાર એ આદિવાસીઓમાંથી જ આવે છે અને ઘણાં વર્ષોથી  એ સત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. ભાજપ માટે અહીં ય સ્થિતિ આસાન નથી.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top