Columns

દુઃખનું કારણ

એક આદિવાસીઓનું ગામ અને ગામમાં એક નાનકડી શાળા.આદિવાસીઓને માંડ બે ટંક ખાવાનું મળે ત્યાં કપડાં,યુનિફોર્મ કે પગમાં ચંપલની તો વાત જ કયાં કરવી.શાળામાં થોડાં બાળકો જે હોય તે ફાટેલાં કપડાં પહેરી આવે,બધા ખુલ્લા પગે જ આવે અને પોતાના ખુલ્લા પગની કે ફાટેલા કપડાની કોઈને શરમ પણ ન આવે કારણ કે બધાના હાલ સરખા જ હોય.

વહેલી સવારે તો રસ્તા ઠંડા હોય એટલે ખુલ્લા પગે ચાલવામાં કોઈ વાંધો ન આવે; પરંતુ ખરી કસોટી થાય બપોરે બે વાગે શાળા છૂટે ત્યારે. રસ્તા સુરજની ગરમીથી તપી ગયા હોય અને વળી માથે પણ તડકો હોય.ત્યારે શાળા છૂટે અને બધાં બાળકો ટોળામાં તડકાથી બચવા પોતાની પાટી કે ચોપડી કે થેલો માથા પર મૂકી તેને પકડી કૂદતાં કૂદતાં ચાલે.કોઈને આ બધું લાંબું ચાલવું, ખુલ્લા પગે ચાલવું,તડકાથી બચવા કૂદતાં કૂદતાં ચાલવું તકલીફદાયક ન લાગે.બધા હસતા હસતા ચાલતા જતા હોય.આ પરિસ્થિતિને દુઃખ કહેવાય તેવું કોઈને લાગે નહિ.

આ આદિવાસી વિસ્તારનો હોશિયાર છોકરો, તડકામાં ખુલ્લા પગે, ફાટેલા કપડામાં ભણીને આગળ વધ્યો,આદિવાસી વિસ્તારમાંથી નજીકના શહેરની કોલેજમાં પહોંચ્યો.કોલેજમાં આવતા છોકરાઓનાં કપડાં,બુટ જોઇને થોડો ઝંખવાયો. પોતાના જૂનાં માંગેલાં,ફાટેલાં કપડાની શરમ આવી.પહેલી વાર જીવનમાં પોતાની પાસે બુટ નથી તેવો અભાવ જાગ્યો.પણ તેણે હિંમત જાળવી રાખી. તે કોલેજમાં ઓછો જતો, પણ સતત હોસ્ટેલમાં રહીને ખૂબ મહેનત કરીને તે એન્જિનિયર બની ગયો અને તેને વિદેશમાં મોટા પગારની નોકરી મળી.હવે તે ગરીબ છોકરામાંથી સુટ બુટમાં શોભતો સાહેબ બન્યો હતો.

તેના ગામની શાળાએ અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે તેનું ખાસ સન્માન રાખ્યું.પોતાના સન્માન સમારોહમાં તેણે જીવનની સમજણ આપતી સરસ વાત કરી. તેણે કહ્યું, ‘હું આજે સુટ બુટ પહેરીને તમારી સામે છું પરંતુ મારા શાળાના દિવસોમાં આ જ શાળામાં હું ફાટેલાં કપડાંમાં અને ખુલ્લા પગે ભણવા આવતો હતો; માત્ર હું નહીં, બધાં વિદ્યાર્થીઓ ફાટેલાં કપડાંમાં અને ખુલ્લા પગે જ આવતાં એટલે અમને કોઈ શરમ કે દુઃખ હતું નહિ.

પરંતુ જયારે આગળ ભણવા હું કોલેજમાં પહોંચ્યો ત્યારે બધાનાં સરસ કપડાં અને પગમાં બુટ ચંપલ જોઇને મને શરમ આવી. જીવનમાં પહેલી વાર અભાવ અને દુઃખનો અનુભવ થયો.તેનું કારણ હતું ‘સરખામણી કે તુલના’ જયારે આપણે આપણી તુલના બીજા સાથે કરીએ છીએ ત્યારે આપણે આપણી પાસે કંઈ ન હોય તેનું દુઃખ અનુભવીએ છીએ અને ઓછપ લાગે છે.મને પણ દુઃખનો પહેલો અનુભવ ત્યારે થયો.

શરમ પણ આવી, પણ મેં તે દુઃખને મારા પર હાવી થવા ન દીધું અને આગળ વધવા વધુ ને વધુ મહેનત કરી અને તે મહેનતનું પરિણામ તમારી સામે છે.તુલના કરવાથી દુઃખ અનુભવાય છે અને જો દુઃખને રડ્યા કરીએ તો આગળ વધી શકાતું નથી પણ દુઃખને સ્વીકારી તેને દૂર કરવા મહેનત કરીએ તો આગળ વધી શકાય છે.’

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top