કુદરતે પ્રત્યેક જીવોનું ભૌગોલિક સ્થાન નિર્ધારિત કરેલું છે, જે મહદંશે જે તે પ્રદેશની આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર હોય છે. માનવ તેનાથી ઉપરવટ જઈને, પોતાના ક્ષુલ્લક સ્વાર્થ ખાતર આ સ્થિતિમાં પરિવર્તન કરવાનો પ્રયાસ કરે ત્યારે તે કુદરતના ચક્રને ખોરવે છે, જેનાં વિપરીત પરિણામ કયા સ્વરૂપે જોવા મળશે એ કહી શકાતું નથી. અત્યારના ઈન્ટરનેટના યુગમાં જોઈતી, વણજોઈતી તમામ માહિતી આંગળીના ટેરવે સુલભ છે. તેને કારણે સૌથી મોટો ભોગ સહજ વિસ્મય અને જિજ્ઞાસાનો લેવાયો છે. પણ એ પહેલાંના યુગમાં કેવળ મુદ્રિત માધ્યમોનો જમાનો હતો ત્યારે માહિતી કેવળ કર્ણોપકર્ણ કે વાંચીને પ્રાપ્ત થતી.
વિવિધ પશુપક્ષીઓ જોવાની આવી જિજ્ઞાસાએ જન્મ આપ્યો પ્રાણી સંગ્રહાલયના વિચારને. બાળકો માટે તેનું ખૂબ આકર્ષણ હતું, જે સ્વાભાવિક હતું. સર્કસમાં પણ વિવિધ પ્રાણીઓ જોવા મળે એ એક આકર્ષણ હતું. આમ છતાં, ઘણાં પ્રાણીઓ વિશે કૌતુક હતું. નવાસવા આઝાદ બનેલા આપણા દેશના વડા પ્રધાન જવાહરલાલ નહેરુની છબિ ‘બાળકોના પ્રિય’ તરીકેની હતી. તેમને જાપાનનાં બાળકોએ પત્ર દ્વારા જણાવ્યું કે પોતે કદી હાથી જોયો નથી, તો તેઓ એ બાબતે કંઈ કરી શકે કે કેમ. હાથી ભારતનું પ્રાણી છે એ જાણીને બાળકોએ આમ લખેલું. નહેરુજીએ મૈસૂરના પ્રાણીબાગમાંથી એક હાથી દરિયાઈ માર્ગે જાપાન મોકલેલો અને લખેલું, ‘હાથી મજબૂત છતાં દયાવાન, શાણું અને ધૈર્યવાળું પ્રાણી છે. આશા રાખું કે આપણા સૌમાં આવા ગુણો વિકસે.
ભાવનાત્મક રીતે આ પગલું પ્રશંસનીય જણાય, પણ દરિયાઈ સફર દરમિયાન અને એ પછી સાવ નવાસવા વાતાવરણમાં અનુકૂલન સાધતાં એ હાથીને કેવી મુશ્કેલી પડી હશે! નહેરુજીના આ પગલા પાછળ કેવળ બાળપ્રેમ નહોતો, બલકે મુત્સદી્ગીરી પણ હતી. રાજદ્વારી સંબંધો બનાવવા કે વિકસાવવા માટે પ્રાણીઓની આપ-લે કરવાની આ પદ્ધતિ ઘણી પ્રચલિત અને હવે તો જૂની કહી શકાય એવી છે. અલબત્ત, એમ કરવાથી ખરેખર રાજદ્વારી સંબંધો બને છે કે ટકે છે એ વિચાર માગી લેતો વિષય છે.
ચીનમાં પાન્ડા નામનું શ્વેતશ્યામ પ્રાણી જોવા મળે છે. દેખાવમાં રૂપકડા અને નિર્દોષ જણાતા આ પ્રાણીનો ઉપયોગ ચીન રાજદ્વારી સંબંધો માટે કરતું આવ્યું છે. આ પ્રથાને ‘પાન્ડા ડિપ્લોમસી’નું નામ અપાયું છે. ટપાલટિકિટના સંગ્રાહકો જેમ પોતાના સંગ્રહની વધારાની ટપાલટિકિટોની આપ-લે કરે એમ ચીન કેટલાક પશ્ચિમી દેશોમાં પાન્ડા મોકલીને રાજદ્વારી સંબંધો જાળવે છે. એટલે કે પાન્ડાના બદલામાં તે કેટલીક બાબતોની તરફદારી ઈચ્છે છે યા મેળવે છે. પ્રાણીઓનો આવો ઉપયોગ નૈસર્ગિક સંતુલનને ખોરવે છે, એમ જે તે પ્રાણીના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર કરે છે.
આ પરંપરાનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ મલેશિયાનું છે. ત્યાંના ચીજવસ્તુ મંત્રી જોહરી અબ્દુલ ગનીએ ઘોષણા કરી છે કે પોતાના દેશમાંથી પામ તેલ ખરીદનાર વ્યાપારી હિસ્સેદારોને ઉરાંગઉટાંગ ભેટ તરીકે આપવામાં આવશે. પામનું તેલ મલેશિયાના અર્થતંત્ર માટે અતિ મહત્ત્વનું છે. એ દેશમાં પામના તેલનો વિકાસ અને પ્રસાર ‘મલેશિયન પામ ઑઈલ બૉર્ડ’ નામની સરકારી સંસ્થાને હસ્તક છે. જો કે, છેલ્લાં થોડાં વર્ષોમાં પામના તેલ માટે વૃક્ષોનું આડેધડ છેદન થવા લાગતાં યુરોપિયન કમિશન દ્વારા મલેશિયાને ચેતવણી આપવામાં આવી કે ઈ.સ.2030 સુધીમાં પામ તેલનો ઉપયોગ સદંતર બંધ કરી દેવામાં આવે.
આની સામે મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહાતીર મહમ્મદે આક્ષેપ મૂક્યો કે યુરોપિયન સંગઠન મલેશિયા સાથે સાવ ગેરવાજબી ધોરણે વ્યાપારયુદ્ધ શરૂ કરવા ઈચ્છે છે અને ધનવાન લોકો ગરીબોને વધુ ગરીબ બનાવવા ઈચ્છે એવી આ વાત છે. આ આખી વાતમાં ભોગવવાનું આવશે ઉરાંગઉટાંગને ભાગે. વાનર પ્રજાતિનું આ પશુ મનુષ્યેતર પ્રજાતિઓમાં સૌથી બુદ્ધિમાન ગણાતી પ્રજાતિઓ પૈકીનું એક છે. મલેશિયામાં તેના ત્રણ પ્રકાર છે અને પુષ્કળ વસતિ હતી, પણ મનુષ્યના સ્વાર્થને કારણે તેની સંખ્યા સતત ઘટતી ચાલી છે અને હવે તેનું વર્ગીકરણ ‘જોખમગ્રસ્ત પ્રજાતિ’માં કરવામાં આવ્યું છે.
યોગ્ય રીતે જ વન્ય જીવ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓએ મલેશિયન સરકારને અન્ય વિકલ્પ વિચારવા માટે વિનંતી કરી છે. ‘જસ્ટિસ ફોર વાઈલ્ડલાઈફ મલેશિયા’ નામના પર્યાવરણ સંગઠને જણાવ્યું છે કે પામ તેલના મુદ્દા બાબતે ‘ઉરાંગઉટાંગ ડિપ્લોમસી’ અનેક વિકલ્પો પૈકીનો એક છે એ અમે જાણીએ છીએ, એમ યુરોપ અને મલેશિયા વચ્ચેના સંબંધ સુધારવા માટે પણ આ અગત્યનું પરિબળ છે. આમ છતાં, આનો અન્ય વિકલ્પ વિચારવો જોઈએ. ‘ઉરાંગઉટાંગ ડિપ્લોમસી’નો અમલ અઢળક વૈજ્ઞાનિક અને કાનૂની સંશોધન માગી લે છે. આ જૂથે એમ પણ જણાવ્યું કે ઉરાંગઉટાંગના નૈસર્ગિક આવાસ જેવાં જંગલોનું રક્ષણ કરવું સૌથી મહત્ત્વનું છે. ‘ઉરાંગઉટાંગ ડિપ્લોમસી’ પાછળ ખર્ચ થનારાં નાણાંનો ઉપયોગ તેમના આવાસ જેવાં વનોના સંરક્ષણ માટે વપરાવાં જોઈએ.
ભારત જેવા દેશમાં વન્ય પશુઓને એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં સ્થળાંતરિત કરવામાં આવે તો પણ એ પશુ માટે ઘાતક નીવડી શકે છે. એની સરખામણીએ સાવ અલાયદા હવામાનવાળા દેશમાં ઉરાંગઉટાંગને મોકલવાથી તેના અસ્તિત્વ પર ખતરો પેદા થઈ શકે એ શક્યતા પૂરેપૂરી છે. પણ દેશના ‘વ્યાપારી સંબંધો’ સુધરતા હોય, નાણાંની આવક થતી હોય તો આ જીવને બિચારાને પૂછે કોણ? વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈન્ટરનેટ થકી થયેલા માહિતીના વિસ્ફોટના આ યુગમાં કોઈ દેશ વ્યાપારને ઉત્તેજન આપવા માટે આવી પ્રતિકૂળ અને ક્રૂરતાપૂર્ણ પદ્ધતિ અપનાવે એ કેવી વિચિત્રતા છે! આપણે સમય સાથે આગળ વધી રહ્યાં છીએ કે પાછાં જઈ રહ્યાં છીએ?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.