સુરત અને તાપી જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પશુપાલન વિભાગ અને વનવિભાગે મોટાપાયે તપાસ શરૂ કરી છે. ઉચ્છલમાં ત્રણ મૃત મરઘીઓ મળી આવતાં પોસ્ટમોર્ટમ પણ હાથ ધરાયું હતું.
કોરોનાની મહામારીના ઓછાયા દૂર થયા નથી ત્યાં ફરી એકવખત બર્ડ ફ્લૂનો ખતરો મંડરાઈ રહ્યો છે. તાપી અને સુરત જિલ્લામાં આ દહેશતને પગલે જિલ્લા પશુપાલન વિભાગ અને વનવિભાગ સક્રિય થયો છે. ત્યારે ગુરુવારે ઉચ્છલના હનુમાન ફળિયા સહિતના વિસ્તારમાં મરઘાંના મોતની ઘટનાથી તંત્ર દોડતું થઈ ગયું હતું.
આ બનાવમાં ત્રણ મરઘીનાં સ્થળ ઉપર જ પોસ્ટમોર્ટમ કરાયા હોવાના અહેવાલો છે. વનવિભાગ અને પશુપાલન વિભાગે સંયુક્ત રીતે 16 ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. તાપી જિલ્લામાં અલગ અલગ 70 જેટલાં પોલ્ટ્રીફાર્મમાં તપાસ હાથ ધરી હતી. અને જો કોઈ મરઘી કે કોઈ શંકાસ્પદ ચિન્હો જણાય અથવા તો કોઈ માંદગીનાં લક્ષણ જણાય તો પશુપાલન વિભાગને જાણ કરવા તાકીદ કરાઈ છે.
ઉચ્છલ ખાતે ત્રણ મરઘીનું સવારે જ પીએમ કરાયું હતું. પરંતુ આ મરઘીમાં કોઈ લક્ષણો મળ્યાં ન હતાં. મરઘીનાં મોત રાનીખેત મર્કી ડિસીઝથી થયાં હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન આ મરઘાંના માલિકોએ મરઘાંનું વેક્સિનેશન કરાવ્યું ન હતું. જેના કારણે મરઘામાં આ રોગ દેખાયો હોવાનું બહાર આવ્યું છે.
માંડવી અને ઓલપાડમાં પાંચ પોલ્ટ્રીફાર્મની પણ તપાસ
ગઈકાલે બારડોલી નજીક મઢીમાં ચાર કાગડાનાં મોત બાદ પશુપાલન વિભાગે બર્ડ ફ્લૂને લઈને સતર્કતા દાખવી છે. આજે દિવસ દરમિયાન ઓલપાડ અને માંડવીમાં પાંચ પોલ્ટ્રીફાર્મમાં તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ તપાસમાં કોઈ ચિંતાજનક ચિન્હો, કારણો જાણવા મળ્યાં ન હતાં. જેના પગલે પશુપાલન વિભાગે રાહતનો દમ લીધો હતો. પોલ્ટ્રીફાર્મ સાથે પશુપાલન વિભાગે સંકલન પણ સાધી લીધું છે. અને જો કોઈ મરઘીમાં શંકાસ્પદ માંદગી તે મરણ જણાય તો પશુપાલન વિભાગને રિપોર્ટ કરવા જણાવાયું છે.
બર્ડ ફ્લૂની તપાસ માટે પક્ષીઓના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાય છે
બર્ડ ફ્લૂની તપાસ માટે પક્ષીઓના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે. જે રીતે કોરોનામાં વાયરસ લોડ જાણવા આ ટેસ્ટ કરાય છે, તે જ ટેસ્ટનો પ્રયોગ બર્ડ ફ્લૂમાં કરવામાં આવે છે. એ માટે હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબની મદદ પણ લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છ.
મઢીમાં મૃત મળેલા કાગડાના પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે
ગઈકાલે મઢીમાં કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેનો રિપોર્ટ ભોપાલ મોકલી આપવામાં આવ્યો હતો. અને હવે તેના પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જે સામાન્ય હશે તો 72 કલાકમાં આવી જશે.