ખેરગામ: (Khergam) ખેરગામમાં તસ્કરોને ચોરી કરવાની જાણે ગમ્મત પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. પોલીસ હજુ કોઈ ઘટનાનો ભેદ ઉકેલે એ પહેલાં જ તસ્કરો ક્યાંક ને ક્યાંક તો હાથફેરો કરી જ જાય છે. ત્યારે મોડી રાત્રે તસ્કરો બાઈક (Bike) ચોરવા આવ્યા હતા. પરંતુ પેટ્રોલ પૂરું થઈ જતાં બાઈક વાડમાં ફેંકીને જતા રહ્યા હતા. ખેરગામમાં ઠંડીની મોસમ તસ્કરોને બરાબર માફક આવી ગઇ છે. ઉપરાછાપરી ચોરીની બનતી ઘટનાઓ હવે પોલીસ માટે પણ પડકારરૂપ બની ગઈ છે.
અગાઉ 4થી 5 દુકાનનાં શટર તૂટ્યાં હતાં. એ ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી. બીજી તરફ બિનધાસ્ત બનેલા તસ્કરોએ બુલેટ ચોરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘરમાલિક જાગી જતાં બુલેટ ફેંકીને ભાગવું પડ્યું હતું. ત્યારે બુધવારે ખેરગામના ખોડિયાર પાન સેન્ટરની પાછળ રહેતા રાજુભાઈ દુર્લભભાઈ પટેલ પરિવાર સાથે સૂઈ ગયા હતા. બાદ સવારે નોકરીએ જતી વેળા જોયું તો એમનું બાઈક ગાયબ હતું. આથી તેમણે આડોશ-પાડોશમાં તપાસ કરી ત્યારે પડોશીની બાઈક પણ ગાયબ હતી.
બાદ મિત્રો સાથે બાઈક શોધવા નીકળતાં એક મિત્રએ નારણપોર રોડ ઉપર સફેદ કલરની બાઈક નં. (જીજે 4 એ.આર 262) વાડમાં પડી હોવાની જાણ કરી હતી. જેથી રાજુભાઈ તરત જ ઘટના સ્થળે ધસી ગયા હતા. ત્યાં જઈને જોતાં જ આ બાઈક તેમની હોવાની જાણ થઈ હતી. આ બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતાં જ તસ્કરો બાઈક ફેંકી ગયા હોવાની વિગતો જાણવા મળી છે. બાઇકમાલિક રાજુભાઇ પટેલ દ્વારા અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
નિવૃત્ત કર્મચારી પત્ની સાથે મંદિરે ગયા અને દોઢ કલાકમાં રોકડ-દાગીના ચોરાઇ ગયા
બીલીમોરા : બીલીમોરાના ગૌહરબાગની હાઉસિંગ કોલોનીમાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારી અને તેમના પત્ની વહેલી સવારે ઘર બંધ કરીને મંદિરે ગયા હતા, જે બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી રોકડા તથા સોનાના 2 મંગલસૂત્ર મળી 70 હજારની ચોરી માત્ર દોઢ કલાકના ગાળામાં કરી જતા કોઈ જાણભેદુ હોવાની શંકા નકારી શકાતી નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી આરંભી હતી.
13 વર્ષ પહેલા ખેતીવાડી ખાતામાંથી નિવૃત્ત થયેલા સુમન લલ્લુભાઈ પટેલ (ઉં.71) તેમના પત્ની સવિતાબેન ગોહરબાગમાં આવેલા 142 હાઉસિંગ બોર્ડમાં રહે છે. ગુરુવારે સવારે 6 વાગ્યે પતિ-પત્ની ઘર બંધ કરીને સોમનાથ રોડ ઉપર આવેલા બ્રહ્મકુમારી મંદિરે દર્શન કરવા ગયા હતા. જોકે દોઢ કલાકની અંદર તેઓ મંદિરેથી ઘરે પરત ફર્યા હતા. જ્યાં તેમણે તેમના ઘરનો મુખ્ય દરવાજાનું સેન્ટર લોક તૂટેલી હાલતમાં જોયા બાદ ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર પડેલો હતો. ઘરના દીવાલના અને સ્ટીલના કબાટમાં મુકેલા 30 હજાર રોકડા તથા એક નાનું અને બીજું મોટું સોનાનું મંગળસૂત્ર મળી કુલ રૂપિયા 70 હજારની ચોરી થયાનું સામે આવ્યું હતું.