Editorial

કંગના 18 વર્ષમાં જેટલી પ્રસિદ્ધ નથી થઇ તેટલી તો કુલવિંદર કૌર ગણતરીના કલાકોમાં જ થઇ ગઇ

કંગના રાણાવતનો જન્મ 23 માર્ચ 1987ના રોજ થયો હતો. હિમાચલ પ્રદેશના રાજપૂત પરિવારમાં જન્મેલી કંગનાની માતા આશા શિક્ષિકા છે અને પિતા એક વેપારી છે જ્યારે તેમના પરદાદા સરજૂસિંહ વિધાનસભાના સભ્ય હતા જ્યારે દાદા અધિકારી હતાં. કંગના રાણાવતે 2006માં ગેંગસ્ટર નામની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સફળ રહી હતી અને તેના માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. 2006થી અત્યાર સુધીમાં તેમણે 30થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.

આ 18 વર્ષમાં આટલી ફિલ્મમાં કામ કરીને તેમણે જેટલી પ્રસિદ્ધિ મેળવી છે તેના કરતાં પણ વધુ પ્રસિદ્ધિ કુલવિન્દર કૌરને ગણતરીના કલાકોમાં જ મળી ગઇ છે. અત્યારે સોશિયલ મીડિયામાં જેટલા પણ પ્લેટફોર્મ છે અને તે તમામમાં કંગના અને કુલવિન્દર બંનેની સરખામણી કરીને જે પોસ્ટ મૂકવામાં આવી રહી છે તેમાં દુનિયાભરમાંથી લોકો કુલવિન્દરને લાઇક કરી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે સરેરાશ કાઢવામાં આવે તો 100માંથી માત્ર 20 લોકો જ કંગના સાથે જે થયું તે સારુ નથી થયું તેવું કહી રહ્યાં છે. આ બેમાંથી સાચુ કોઇ પણ હોય પરંતુ એક વાત હકીકત થઇ ગઇ છે કે કંગના રાણાને પ્રસિદ્ધ થતાં જેટલા વર્ષ લાગ્યા તેના કરતાં પણ વધુ પ્રસિદ્ધિ સીઆઇએસએફની આ જવાને ગણતરીના કલાકોમાં જ મેળવી લીધી છે.

બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી ચૂંટાયેલી સાંસદ કંગના રનૌતને લાફો મારનાર સીઆઈએસએફની મહિલા ગાર્ડ કુલવિંદર કૌર કહી રહી છે કે, માતા માટે તો હું આવી 100 નોકરીઓને લાત મારી દઉં. સામે પક્ષે બોલીવૂડના સિંગર વિશાલ દદલાનીએ  પણ મહિલા ગાર્ડની બાજુ લઈને તેને નોકરી આપવાની વાત કહી છે. આ મામલે નવો ખુલાસો થઈ રહ્યો છે અને આ ખુલાસા પ્રમાણે કુલવિંદર કૌરે ઘૂમજાવની નીતિ અપનાવી છે અને હવે મહિલા ગાર્ડ કહી રહી છે કે માતા માટે તો હું આવી 100 નોકરીને લાત મારી દઉં.

કંગના રનૌત કહે છે કે કિસાન આંદોલનમાં મહિલાઓ 100-100 રૂપિયા લઈને બેસતી હતી, શું મારી માતા 100 રૂપિયા લઈને કિસાન આંદોલનમાં બેસવા ગઈ હતી? બીજી બાજું કિસાન આંદોલનના કેટલાક નેતાઓએ એવી ચિમકી ઉચ્ચારી છે કે જો આ મહિલા ગાર્ડ સામે કોઈ  પણ કાર્યવાહી કરવામાં આવશે તો ખેડૂતો રસ્તા પર ઉતરશે, આંદોલન કરશે. સીઆઈએસએફની મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવી હોઈ તેની સામે તપાસ હાથ ધરવામાં આવી છે.

ગઈકાલે આ મામલાની તપાસ કરી રહેલાં સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીએ ચંદીગઢ એરપોર્ટ પર થયેલાં આ થપ્પડકાંડના હાઈવોલ્ટેજ ડ્રામા બાબતે પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કંગના રનૌતને લાફો મારનાર સીઆઈએસએફની મહિલા ગાર્ડ કુલવિંદર કૌર હવે માફી માંગી રહી છે અને તેણે ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું હતું. આ સિવાય જે જગ્યાએ તે હાજર હતી ત્યાં તેની ડ્યૂટી નહોતી  પણ પંજાબ પોલીસની એક મહિલા કોન્સ્ટેબલ પાસેથી કંગના રનૌત એરપોર્ટ પર આવી રહી હોવાની માહિતી મળી હતી.

દરમિયાન જ્યાં એક તરફ બોલીવૂડના સેલેબ્સ કંગના રનૌતની ફેવરમાં બોલી રહ્યા છે ત્યાં બોલીવૂડના જ સિંગર વિશાલ દાદલાનીએ કંગના રનૌતને લાફો મારનાર સીઆઈએસએફ મહિલા ગાર્ડને નોકરી ઓફર કરવાની વાત કરી છે. કંગનાએ આ થપ્પડ અંગે જણાવ્યું હતું કે મને ડર છે કે પંજાબમાં ફરી પાછો આતંકવાદ ઊભો થઈ રહ્યો છે. જો એક સાંસદને આ રીતે આવીને કોઈ એક વ્યક્તિ ઠપ્પડ મારી જતી હોય તો પછી પંજાબમાં સામાન્ય લોકો કઈ સ્થિતિમાં જીવતા હશે તેની કલ્પના કરવી રહી. આશ્ચયની વાત તો એ છે કે આ સાંસદને થપ્પડ મારનારી સીઆઇએસએફની કર્મચારી સામે હજી સુધી કેસ સુદ્ધા નોંધાયો નથી.

તેની સામે એફઆઇઆર પણ થઈ નથી.  આ જ મુદ્દા પર સીઆઇએસએફના ટોચના અધિકારી વિનય કાજલાનું કહેવું છે કે કંગનાને થપ્પડ જડવા અંગે કુલવિંદર માફી માંગી રહી છે. હાલમાં તો મોહાલી પોલીસે કુલવિંદર કૌરની સામે સેકશન ૩૨૩ અને ૩૪૧ હેઠળ કેસ નોંધાયો છે. બંને કેસની જોગવાઈ હેઠળ તેને જામીન મળી શકે છે. વિનય કાજલાએ સ્વીકાર્યુ હતું કે સલામતીમાં ભૂલ થઈ છે અને તેની તપાસ શરૂ થઈ ચૂકી છે.  કુલવિંદરને જે રીતે સમગ્ર દુનિયામાંથી સમર્થન મળી રહ્યું છે તે ખૂબ જ નવાઇ પમાડે તેવી બાબત છે.

તેના સમર્થનમાં માત્ર ખેડૂતના પરિવારો જ છે તેવું પણ નથી. તેના સમર્થનમાં માત્ર પંજાબીઓ જ છે તેવું પણ નથી. સમગ્ર દુનિયામાંથી તેને સમર્થન આપતી પોસ્ટ લોકો મૂકી રહ્યાં છે. આ બાબત એવો પણ ઇશારો કરે છે કે, લોકો અલગ અલગ સમસ્યાથી પીડાઇ રહ્યાં છે પરંતુ તેઓ ખૂલીને બહાર આવી શકતા નથી. કુલવિંદર પણ તેના દિલમાં ચાર વર્ષથી એક બોઝ લઇને ફરતી હતી તે તેણે ચંડીગઢ એરપોર્ટ પર ઉતારી નાંખ્યો છે. ભારતમાં કોઇ પણ પ્રકારની હિંસાને સમર્થન આપવું યોગ્ય ગણવામાં આવતું નથી પરંતુ આ એક મહિલા જવાનને લોકો આટલું સમર્થન આપી રહ્યાં છે તે બાબત વિચાર માંગી લે તેવી છે.

Most Popular

To Top