સુરત જિલ્લાના બારડોલી તાલુકા નજીક મઢી રેલવે સ્ટેશન સામે આજે ચાર કાગડાના ભેદી મોતની ઘટનાથી ફફડાટ ફેલાયો છે. કાગડાઓનું આ રીતે અચાનક મોત ક્યાંક બર્ડફ્લુના ચિન્હ તો નથી ને તેવી દહેશત સમગ્ર પંથકમાં વ્યાપી છે. ચાર કાગડાઓના મોતની ઘટનાને પગલે પંખી અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. મોતનું કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ એકસામટા ચાર કાગડાના મોતથી અહીંના લોકોમાં બર્ડ ફ્લુની બીક જન્મી છે.
સુરત જિલ્લાના સ્થાનિક પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા પોલ્ટ્રી ફાર્મ હાઉસો સહિતના વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને આવી રહેલા બડૅ ફ્લુના મામલા અંગે સાવધાની રાખવાની સુચના જારી કરવામાં આવી છે. આજરોજ મઢી રેલ્વે સ્ટેશન સામે સ્ટાફ ક્વાર્ટર્સ સામે એક સામટા ચાર કાગડાના મોત થયા છે. પશુપાલન વિભાગના તબીબોની ટીમ બપોરે ઘટનાસ્થળે ધસી ગઈ હતી. વનવિભાગ અને પશુપાલન વિભાગમાં કાગડાઓના એકસામટા મોતને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ચાર કાગડાના મૃતદેહને ભોપાલ તપાસ માટે રૂબરૂ મોકલી આપવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કાગડાઓના ભેદી મોતના કારણ પરથી પડદો ઉંચકાશે.