સાપુતારા: (Saputara) સાપુતારા – શામગહાન માર્ગ પર રાત્રિના સમયે દીપડી (Leopard) સાથે બે બચ્ચા દેખાઇ હતી. વાહન ચાલકે દીપડી અને તેના બે બચ્ચાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે વનવિભાગ દ્વારા કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
- રાત્રિના સમયે વાહન ચાલકે દીપડી અને તેના બે બચ્ચાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
- હાલમાં વેકેશન હોવાથી સાપુતારામાં પ્રવાસીઓનો વધારો થયો છે ત્યારે સાવચેત રહેવા વન વિભાગની સૂચના
ડાંગ જિલ્લાના સાપુતારા – શામગહાન વિસ્તારમાં અનેક વાર દીપડો નજરે પડેલો હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફરી એક વાર દીપડી એના બે બચ્ચા સાથે જોવા મળી હતી. રાત્રિના 11:30નાં સમયે વાહન ચાલકો સાપુતારા – શામગહાન માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ એક દીપડી તેના બે બચ્ચા સાથે જોવા મળી હતી. ત્યારે વાહન ચાલકે તેનો વિડીયો બનાવ્યો હતો.
જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. વિડીયો વાયરલ થતા જ વિસ્તારમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વેકેશન હોવાથી સાપુતારા ખાતે પ્રવાસીઓનો વધારો થવા પામ્યો છે, ત્યારે પ્રવાસીઓને સાવચેત રહેવા માટે શામગહાન વન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવેલી છે.