National

મનમોહન સિંહે પંજાબના મતદારોને લખ્યો પત્ર, કહ્યું- મોદી પહેલા એવા PM જેમણે ભાષણોથી પદની ગરિમા ઓછી કરી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે (Manmohan Singh) લોકસભા ચૂંટણી માટે પંજાબના (Punjab) મતદારોને અપીલ કરી છે કે તેઓ પ્રેમ, શાંતિ, ભાઈચારો અને સૌહાર્દને તક આપે. આ અંગે તેમણે મતદારોના નામે પત્ર લખ્યો છે. પૂર્વ PM મનમોહન સિંહે કહ્યું કે મોદીએ નફરતભર્યા ભાષણનું સૌથી ઘૃણાસ્પદ સ્વરૂપ અપનાવ્યું છે. આવા ભાષણ આપી તેમણે તેમની પદની ગરિમા ઓછી કરી છે.

પૂર્વ પીએમે કહ્યું કે માત્ર કોંગ્રેસ જ વિકાસલક્ષી પ્રગતિશીલ ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે જ્યાં લોકશાહી અને બંધારણનું રક્ષણ થશે. મનમોહન સિંહે કહ્યું કે પંજાબીઓએ વિકાસ અને સર્વસમાવેશક પ્રગતિ માટે મત આપવો જોઈએ. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પંજાબના મતદારોને કહ્યું કે માત્ર કોંગ્રેસ જ વિકાસલક્ષી પ્રગતિશીલ ભાવિ સુનિશ્ચિત કરી શકે છે. મનમોહન સિંહે પંજાબના મતદારોને વિકાસ અને સર્વસમાવેશક પ્રગતિ માટે મત આપવા અને પ્રેમ, શાંતિ, ભાઈચારો અને સૌહાર્દને તક આપવા અપીલ કરી હતી.

મોદી પર નિશાન સાધતા પૂર્વ પીએમએ કહ્યું કે નરેન્દ્ર મોદી એવા પહેલા વડાપ્રધાન છે જેમણે જાહેર ચર્ચાની ગરિમા અને વડાપ્રધાન પદની ગંભીરતાને ઓછી કરી છે. પીએમ પદની ગરિમાને નીચી પાડનાર મોદી સતત પોતાના નફરતભર્યા ભાષણોમાં વ્યસ્ત રહે છે. મોદી સરકારે ખેડૂતોને અપમાનિત કર્યા છે. મનમોહન સિંહે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા દેશની જનતાને સંબોધિત કરેલા પત્રમાં ગુરુવારે કહ્યું કે હું આ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય ચર્ચાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છું. મોદીજી ઘૃણાસ્પદ દ્વેષપૂર્ણ ભાષણોમાં વ્યસ્ત છે જે સંપૂર્ણપણે વિભાજનકારી છે. ભૂતકાળમાં કોઈ પણ વડાપ્રધાને સમાજના કોઈ ચોક્કસ વર્ગ અથવા વિપક્ષને નિશાન બનાવવા માટે આવા દ્વેષપૂર્ણ, અસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો નથી.

પોતાના પત્રમાં પૂર્વ પીએમએ લખ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે પંજાબ, પંજાબીઓ અને પંજાબિયતને બદનામ કરવામાં કોઈ કસર છોડી નથી. 750 ખેડૂતો જેમાં મોટાભાગના પંજાબના હતા દિલ્હી સરહદો પર મહિનાઓ સુધી સતત રાહ જોતા શહીદ થયા હતા. જાણે લાઠીચાર્જ અને રબરની ગોળીઓ પૂરતી ન હોય તેમ વડાપ્રધાને સંસદના ફ્લોર પર ખેડૂતો પર મૌખિક હુમલો કર્યો, તેમને આંદોલનકારી અને પરજીવી કહ્યા. તેમની એક જ માંગ હતી કે તેઓની સલાહ લીધા વિના તેમના પર લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવામાં આવે. તેમણે કહ્યું કે ભાજપ સરકારે અગ્નવીર યોજના લાગુ કરી. તેમને લાગે છે કે દેશભક્તિ, દેશ સેવાનું મૂલ્ય ફક્ત ચાર વર્ષ છે. આ તેમનો નકલી રાષ્ટ્રવાદ દર્શાવે છે.

Most Popular

To Top