Columns

બેફામ ગુનાઓ કરનારા ધનકુબેરો રૂપિયા વેરીને કાયદાની ચુંગાલમાંથી છટકી જાય છે

ભારત દેશમાં જઘન્યમાં જઘન્ય અપરાધ કરનારાઓ પણ જો ધનવાન હોય અને છૂટથી રૂપિયા વેરી શકતા હોય તો ગુનાઓ આચરીને પણ તેઓ મોજ કરી શકે છે. રાજકોટની દુર્ઘટનામાં આપણે જોયું કે ટીઆરપી ગેમઝોન કોઈ પણ જાતના લાઈસન્સ વગર ચાલતો હોવા છતાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનરથી માંડીને પોલીસ કમિશનરના તેના માલિકો ઉપર ચાર હાથ હતા અને તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ ગેમઝોન ચાર-ચાર વર્ષથી ચાલતું હોવા છતાં તેને બંધ કરાવવાની તસદી કોઈ સરકારી અમલદારે લીધી નહોતી.

જ્યારે આગ લાગી અને સંખ્યાબંધ લોકો બળીને ભડથું થઈ ગયાં ત્યારે આ ગુનાઇત બેદરકારી દાખવનારા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જેલમાં નાખવાને કે ડિસમિસ કરવાને બદલે તેમની માત્ર બદલી કરીને તેમને માફ કરી દેવામાં આવ્યા છે અને સરકાર દ્વારા લોકોના રોષને શાંત પાડવાની કોશિશ થઈ રહી છે. રાજકોટની જેમ પુણેમાં ગફલતભરી રીતે કાર ચલાવીને બે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઊતારનારા નબીરાને બચાવી લેવા છૂટથી રૂપિયા વેરવામાં આવી રહ્યા છે.

પોર્શ કારને ૨૦૦ પ્રતિ કલાક કિલોમીટરની ઝડપે હંકારનારા કિશોરે પબમાં જઈને દારૂ પીધો હતો તેના પુરાવા હાજર હોવા છતાં જ્યારે તેનું બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી આલ્કોહોલ મળી આવ્યું નહોતું. આ બાબતમાં પોલીસને શંકા જતાં તેણે વધુ તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે કિશોરના બ્લડની તપાસ કરનારા સાસૂન હોસ્પિટલના ડોક્ટરે ત્રણ લાખ રૂપિયાની લાંચ લઈને લોહીના નમૂના બદલી કાઢ્યા હતા, જેથી કિશોરને નિર્દોષ પુરવાર કરી શકાય. પુણેની કાર્યદક્ષ પોલિસે સાસૂન હોસ્પિટલના બે તબીબોની ધરપકડ કરી છે.

આ પહેલાં કાર ચલાવનારા કિશોર ઉપરનો આરોપ પોતાના શિરે ઓઢી લેનારા ડ્રાઇવરની અસલિયત સામે આવતાં પોલીસે કિશોરના દાદાની પણ ધરપકડ કરી હતી, કારણ કે તેમણે રૂપિયાની લાલચ આપીને ડ્રાઈવરને તે માટે તૈયાર કર્યો હતો. જો રાજકોટના પોલીસ કમિશનરે પણ પુણેના પોલીસ કમિશનર જેવી ઇમાનદારી દાખવી ગેમઝોન સામે કડક પગલાં લીધાં હોત તો ઘણાં લોકોને બચાવી શકાયાં હોત.

પુણેમાં બનેલી પોર્શ કાર હિટ એન્ડ રન કેસમાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. આ કેસમાં બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે બંનેએ આરોપી સગીરનો મેડિકલ રિપોર્ટ બદલવા માટે લાંચ લીધી હતી. સગીર આરોપીને બચાવવા બંનેએ સગીર આરોપીના લોહીના સેમ્પલ ગાયબ કરાવ્યા હતા. આ બ્લડ સેમ્પલ પરથી એ જાણવાનું હતું કે સગીર આરોપીએ તે દિવસે દારૂ પીધો હતો કે નહીં.

આ મામલે પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને કૌભાંડની માહિતી આપી હતી. અમિતેશ કુમારે જણાવ્યું હતું કે પુણે પોર્શ કાર અકસ્માતમાં બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. આમાંના એક આરોપી ડૉક્ટરની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમણે ફોરેન્સિક વિભાગના વડા ડૉ. અજય તાવરેની સૂચનાથી લોહીના નમૂના બદલ્યા હતા. આરોપી ડોક્ટરે આ કામ કરવા માટે ૩ લાખ રૂપિયા લીધા હતા.

પુણે પોલીસે આરોપીના સેમ્પલ લોહીની તપાસ માટે સાસૂન હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ બંને તબીબોએ આરોપીના બ્લડ સેમ્પલની જગ્યાએ અન્યના લોહીના સેમ્પલ લીધા હતા. સગીરના લોહીના નમૂના બદલનાર સાસૂન હોસ્પિટલના ડૉક્ટરોની ધરપકડ બાદ મહારાષ્ટ્ર સરકારે હવે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. મેડિકલ એજ્યુકેશન કમિશનર રાજીવ નિવતકરે એક આદેશ જારી કરીને ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને જેજે ગ્રુપ ઑફ હોસ્પિટલ્સના ડીન ડૉ. પલ્લવી સાપલેને સમિતિનાં અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યાં છે.

પુણેના મામલામાં પણ પોલિસ તંત્રનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. અકસ્માત બાદ યરવડા પોલીસ સ્ટેશનના બે અધિકારીઓ સૌથી પહેલાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ તેમણે ન તો અધિકારીઓને જાણ કરી હતી કે ન તો કંટ્રોલ રૂમને તેની જાણ કરવાનું જરૂરી માન્યું હતું. ઝોન-૧ના ડીસીપી ગીલ પણ નાઈટ રાઉન્ડમાં હતા. તેઓને પણ જાણ કરવામાં આવી ન હતી. બાદમાં પોલીસ કમિશનરે બંને અધિકારીઓ સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. બંને અધિકારીઓનાં નામ પોલીસ ઈન્સ્પેક્ટર રાહુલ જગદાલે અને એપીઆઈ વિશ્વનાથ તોડ કરી છે.

તેમના પર આરોપ છે કે સંબંધિત અધિકારીઓએ ગુનાની મોડી જાણ કરી હતી અને તેમની ફરજમાં બેદરકારી દાખવી હતી. આરોપીઓએ સગીરને તબીબી તપાસ માટે પણ મોકલ્યો ન હતો. આ ઘટના બાદ વડગાંવ શેરીના ધારાસભ્ય સુનીલ ટિંગ્રે પણ વહેલી સવારે યરવડા પોલીસ સ્ટેશને જતાં વિવાદ સર્જાયો હતો. તેમના પર આરોપ છે કે તેમણે સગીરની તરફેણમાં તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે તેઓને અકસ્માત કરનારા સગીર આરોપીના પિતા અને રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિશાલ અગ્રવાલની નજીક માનવામાં આવે છે.

શરૂઆતમાં સગીરના મેડિકલ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી નશાની હાલતમાં નહોતો. જ્યારે પબ અને કારના સીસીટીવી ફૂટેજ અલગ જ વાસ્તવિકતા જણાવી રહ્યા હતા. આ ફૂટેજમાં આરોપી તેના મિત્રો સાથે દારૂની મહેફિલ કરતો જોવા મળ્યો હતો. આરોપી સગીર સામે દારૂ ભરેલો ગ્લાસ મૂકવામાં આવ્યો હતો, પરંતુ મેડિકલ રિપોર્ટ ચોંકાવનારો આવતાં લોહીની તપાસ કરનારા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ શંકાના દાયરા હેઠળ આવી ગયા હતા. સગીરને પહેલાં મેડિકલ ટેસ્ટ માટે સાસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ દરમિયાન તેના બ્લડ સેમ્પલને એવી વ્યક્તિના સેમ્પલ સાથે બદલવામાં આવ્યા હતા, જેણે આલ્કોહોલનું સેવન કર્યું ન હતું. આવી સ્થિતિમાં તપાસ રિપોર્ટમાં દારૂની પુષ્ટિ થઈ શકી નથી. આનાથી સાસૂન હોસ્પિટલના રિપોર્ટ બાબતમાં શંકા જન્મી હતી. ફરી બ્લડ રિપોર્ટ આવતાં દારૂની પુષ્ટિ થઈ હતી. બાદમાં સરકારી હોસ્પિટલના તબીબોએ સગીરને બચાવવા લોહીના નમૂના સાથે છેડછાડ કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં ફોરેન્સિક વિભાગના એચઓડી સહિત બે ડોક્ટરોની ધરપકડ કરી છે. આ રીતે પુણેની પોલિસે કડક દાખલો બેસાડ્યો છે.

હિટ એન્ડ રન ગુનાનો આરોપી સગીર હતો, તેથી તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જુવેલાઈન જસ્ટિસ બોર્ડે તેને ૩૦૦ શબ્દોનો નિબંધ લખવા સહિતની નાની શરતો પર જામીન આપ્યા હતા. ગુનો આચર્યાના માત્ર ૧૪ કલાકમાં સગીર આરોપીને જામીન મળી જતાં તંત્ર પર સવાલો ઊઠવા લાગ્યા હતા. જુવેનાઈલ જસ્ટિસ બોર્ડને આ ઘટના એટલી ગંભીર નહોતી લાગી કે તેણે સગીર આરોપીને તાત્કાલિક જામીન આપી દીધા હતા.

સગીરની મુક્તિ માટે શરત કરવામાં આવી હતી કે તેણે ૧૫ દિવસ સુધી ટ્રાફિક પોલીસ સાથે કામ કરવું પડશે અને વ્યસનમુક્તિ કેન્દ્રમાં જવું પડશે. સગીરે ટ્રાફિકના નિયમો વાંચવા પડશે અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ આ નિયમો અંગે પ્રેઝન્ટેશન આપવાનું રહેશે. ભવિષ્યમાં જો તે સગીર કોઈ માર્ગ અકસ્માત જોશે તો તેણે પીડિતોને મદદ કરવી પડશે. આ રીતે ગંભીર ગુનો આચરનારને હળવી શરતે જામીન આપવા સામે ભારે ઉહાપોહ મચ્યો તે પછી જામીન કેન્સલ કરવામાં આવ્યા હતા, પણ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના અધ્યક્ષ સામે પગલાં ભરવામાં આવ્યાં હોય તેવું સાંભળવામાં આવ્યું નથી.

ભારતની વહીવટી અને કાનૂની સિસ્ટમ જ એવી છે કે સામાન્ય નાગરિકને જે ગુનામાં આકરામાં આકરી સજા કરવામાં આવે તે ગુનામાં સરકારી અમલદારોને માત્ર ઠપકો આપવામાં આવે છે કે તેમની માત્ર બદલી કરવામાં આવે છે. જે દિવસે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જેલમાં મોકલવામાં આવશે તે દિવસે ભારતનું તંત્ર સુધરી જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top