Editorial

વ્હાઇટ હાઉસની પરસાળોમાં ભારતીયોનો દબદબો વધ્યો છે

હાલમાં અમેરિકી પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં ભારતીયો માટે એક નોંધપાત્ર કહી શકાય તેવી ઘટના બની. વ્હાઇટ હાઉસના મરીન બેન્ડે પ્રમુખ જો બાઇડન અને ઉપપ્રમુખ કમલા હેરિસની હાજરીવાળા એક સત્કાર સમારંભમાં સંખ્યાબંધ એશિયન અમેરિકનોની હાજરીમાં ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ ગીતની ધૂન વગાડી હતી. હાલ થોડા દિવસ પહેલા વ્હાઇટ હાઉસમાં વાર્ષિક એશિયન અમેરિકન, નેટિવ હવાઇયન અને પેસેફિક આઈલેન્ડર (એએએનએચપીઆઇ) હેરિટેજ મન્થની ઉજવણી કરવા માટે એશિયન અમેરિકનો ભેગા થયા હતા તે પ્રસંગે મહાકવિ ઇકબાલ દ્વારા લખવામાં આવેલ આ દેશપ્રેમી ગીત વગાડવામાં આવ્યું હતું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે ડો. ઇકબાલે લખેલું આ ગીત વ્હાઇટ હાઉસના આ વાર્ષિક સમારંભમાં ત્યાં હાજર ભારતીય અમેરિકનોની વિનંતીને પગલે વ્હાઇટ હાઉસ મરીન બેન્ડે બે વખત વગાડ્યું હતું.

આ બીજો પ્રસંગ છે કે જ્યારે વ્હાઇટ હાઉસમાં આ ગીત વગાડવામાં આવ્યું હોય. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઇટ હાઉસની સત્તાવાર મુલાકાત વખતે વગાડવામાં આવ્યું હતું. અમેરિકા આમ પણ વસાહતીઓનો દેશ કહેવાય છે અને વિશ્વના અનેક ભાગોમાંથી આવીને વસેલા લોકો વડે જ આ દેશ બન્યો છે. આમ તો આ દેશમાં મૂળ યુરોપ ખંડથી આવેલ શ્વેત પ્રજાની બહુમતિ છે જે હવે પોતાને મૂળ અમેરિકન ગણાવે છે! જો કે તેણે વસાહતીઓના દેશ તરીકેની પોતાની છાપ જાળવી રાખી છે. સદીઓ અને દાયકાઓ દરમ્યાન દુનિયાભરમાંથી લાખો લોકો અમેરિકામાં ઠલવાયા છે. ભારત, ચીન, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશોમાંથી આવેલા લોકોની સંખ્યા અહીં નોંધપાત્ર થઇ ગઇ છે.

પેસેફિક ક્ષેત્રના ટાપુઓ પરથી આવીને વસેલા લોકોની સંખ્યા પણ અહીં મોટી છે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં ભારતીયોએ અનેક ક્ષેત્રે મોટું કાઠું કાઢ્યું છે તે એક અવગણી નહીં શકાય તેવી બાબત છે. અમેરિકામાં અને તેને પગલે ત્યાંની સત્તાની પરસાળોમાં અને પ્રમુખ આવાસ વ્હાઇટ હાઉસમાં ભારતીયોનો વટ વધયો છે તે સાથે જ પ્રમુખ આવાસમાં ભારતીય વાનગીઓનો દબદબો પણ વધ્યો છે. ગોલગપ્પા, પાણી પુરી અથવા પુચકાના નામે ઓળખાતી નાસ્તાની વાનગી એ વ્હાઇટ હાઉસના સત્કાર સમારંભોમાં હવે મહેમાનોને વારંવાર પીરસવામાં આવતી વાનગી બની ગઇ છે.

મોઢામાં પાણી લાવતી આ વાની અમેરિકી પ્રમુખના સત્તાવાર આવાસમાં એએએનએચપીઆઇ હેરિટેજ મન્થની ઉજવણીના સમારંભમાં પણ પીરસવામાં આવી હતી. પ્રમુખ જોસેફ બાઇડન દ્વારા આયોજીત આ સમારંભમાં અનેક એશિયનો, હવાઇયનો અને પેસિફિક ટાપુઓના વતનીઓ આમંત્રિત હતા જેમાં આ વાનગી પીરસાઇ હતી. અગાઉ વ્હાઇટ હાઉસમાં સમોસા જ રિસેપ્શન મેનુમાં આવતી ભારતીય વાનગી રહેતી હતી પરંતુ હવે પાણી પુરી તેના કરતા આગળ નીકળી ગઇ લાગે છે. જે સત્કાર સમારંભમાં ભારતીયોની હાજરી હોય તેમાં પાણીપુરી ખાસ પીરસવામાં આવે છે જે ઉત્તર ભારતમાં ગોલગપ્પાના નામે પણ ઓળખાય છે. 

ભારતીય સમુદાયના નેતા અજય જૈન ભુટોરિયાએ પૂછતા વ્હાઇટ હાઉસના એક્ઝીક્યુટિવ શેફ ક્રિસ્ટેટા કમ્ફોર્ડે કહ્યું કે બધી વાનગી વ્હાઇટ હાઉસમાં જ બનાવવામાં આવી છે. એટલે સ્વાભાવિક રીતે જ પાણીપુરી પણ વ્હાઇટ હાઉસના રસોડામાં જ તૈયાર કરવામાં આવી હશે. વ્હાઇટ હાઉસમાં આ સમારંભમાં પીરસાયેલી બીજી ભારતીય વાનગી ખોયા નામની મિઠાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશ વિભાગ દ્વારા આયોજીત દિવાળી સમારંભમાં પણ પાણીપુરી પીરસાઇ હતી. વ્હાઇટ હાઉસમાં છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળીની પણ ઉજવણી થાય છે તે પણ ભારતીયોનો વધેલો દબદબો સૂચવે છે.

એશિયન અમેરિકનો, હવાઇયનો અને પેસેફિક આઇલેન્ડરોના આ સત્કાર સમારંભમાં અમેરિકાના સર્જ્યન જનરલ ડો. વિવેક મૂર્થિએ ડ્રમ વગાડીને ત્યાં હાજર લોકોને ડોલાવ્યા હતા. આ ૪૬ વર્ષીય ફિઝિશ્યને માર્ક ટાઇકો કનેકશન ગ્રુપના કલાકારો સાથે મળીને ડ્રમ વગાડ્યું હતું. આ ભારતીય અમેરિકન સર્જ્યન જનરલે થોડી મિનિટો માટે ડ્રમ વગાડ્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાની પણ કેટલીક અંગત વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે મારા દાદા દક્ષિણ ભારતના એક ગામડાના ગરીબ ખેડૂત હતા. તેમણે ક્યારેય સપનું નહીં જોયું હોય કે એક દિવસ તેમના પૌત્રને અમેરિકાના પ્રમુખ દ્વારા સમગ્ર દેશના આરોગ્ય પર દેખરેખ રાખવાનું કહેવામાં આવશે. આ અમેરિકાની શક્તિ અને વચન છે. તેથી આપણે એ ક્યારેય ભૂલીએ નહીં કે આપણે ક્યાંથી આવ્યા છીએ એમ ડો. મૂર્થિએ કહ્યું હતું.

તેમની વાત બિલકુલ સાચી છે. અમેરિકા કોઇ પણ ભેદભાવ વિના તમામ લોકોને પોતાની ક્ષમતાઓ વિકસાવવાની અને દર્શાવવાની તક આપે છે. ડો. વિવેક મૂર્થિ અમેરિકાના સર્જ્યન જનરલ બન્યા છે તો ભારતીય મૂળના કમલા હેરિસ તો છેક ઉપપ્રમુખના હોદ્દા સુધી પહોંચ્યા છે. અનેક ભારતીયો આજે અમેરિકામાં સાંસદ છે. તેમને અમેરિકાની ઉદાર લોકશાહીનો લાભ મળ્યો છે તો બીજી બાજુ અમેરિકાની ઉદાર લોકશાહી અને ઉદાર વાણીસ્વાતંત્ર્યનો ગેરલાભ ઉઠાવીને કેટલાક ભારતીયો ખાલીસ્તાનવાદી ઉધામા પણ કરે છે તે એક જુદી વાત છે. પણ અમેરિકાના ઉદાર અને તકો પૂરી પાડનારા માહોલમાં સ઼ુંદર પિચાઇ જેવા અનેક ભારતીયો મહાકાય અમેરિકી કંપનીઓના વડા પણ બન્યા છે. આમાં અમેરિકાની ઉદારતા ઉપરાંત ભારતીયોની ક્ષમતાના પણ દર્શન થાય છે.

Most Popular

To Top