સિડની (Sydeny): ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં (Ind Vs Aus) ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને (K L Rahul) પ્રેક્ટિસ મેચ દરમિયાન ડાબા કાંડામાં ઈજા થઈ હતી. જેના કારણે હવે તે બાકીની બંને ટેસ્ટ મેચ રમી શકશે નહીં. મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ દરમિયાન શનિવારે તેના ડાબા કાંડામાં ઈજા પહોંચી હતી. તેમાંથી બહાર આવતાં તેને 3 અઠવાડિયાનો સમય લાગી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે તેની માહિતી આપી.
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન રાહુલના ડાબા હાથના કાંડામાં ઈજા થઈ છે. તેને રિકવર થવા માટે ઓછામાં ઓછાં ત્રણ અઠવાડિયાં લાગશે. તે ટૂંક સમયમાં દેશ પરત ફરશે. BCCIએ હજી સુધી રાહુલના રિપ્લેસમેન્ટ અંગે કોઈ માહિતી આપી નથી.
રાહુલ ઇજાગ્રસ્ત થઈને બહાર થનારો ત્રીજો ખેલાડી છે. તેની પહેલા મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પણ સિરીઝની બહાર થયા છે, જ્યારે ઇશાંત શર્મા ઇજાને કારણે ટીમમાં સિલેક્ટ નહોતો થયો. શમીને પ્રથમ ટેસ્ટ દરમિયાન બેટિંગ કરતી વખતે હાથમાં ઇજા થઇ હતી, જ્યારે ઉમેશને બીજી ટેસ્ટ દરમિયાન હેમસ્ટ્રિન્ગની ઇજાએ મેચ અને સિરીઝની બહાર કર્યો હતો.
BCCIના નિવેદન પ્રમાણે મેલબર્નમાં ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન રાહુલના કાંડામાં ઈજા પહોંચી હતી. તેમાંથી સાજા થતાં અને ફિટનેસ મેળવવામાં રાહુલને લગભગ 3 અઠવાડિયાનો સમય લાગી શકે છે. રાહુલ હવે ભારત પાછો ફરશે અને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ જશે જ્યાં તેનું રિહેબિલિટેશન શરૂ થશે. રાહુલ જોકે ઓસ્ટ્રેલિયા સામેની હાલની ટેસ્ટ સીરિઝમાં એકપણ મેચ રમી શક્યો ન હતો. ચાર મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બંને ટીમ હાલમાં 1-1ની બરોબરી પર છે. સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
જો તપાસમાં સામેલ પાંચ ખેલાડીઓ, જેમાં રોહિતનો સમાવેશ થાય છે, તે પછીની બે ટેસ્ટ નહીં રમે, તો પ્રવાસ રદ પણ કરી શકાય છે. કારણ કે ભારતીય ટીમમાં મયંક અગ્રવાલ સાથે બીજું કોઇ ઓપનર નથી. જો આ પ્રવાસ રદ ન કરવામાં આવે તો વિકેટકીપર બેટ્સમેન વૃદ્ધિમાન સાહા ખોલી શકે છે. તો મિડલ ઓર્ડરમાં ફક્ત ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી જ રહેશે.