સુરત: સુરત શહેરમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. અહીં દિવસ કરતાં રાત વધુ ગરમ રહે છે. બફારાના લીધે લોકો અકળામણ અનુભવે છે. હવામાન વિભાગે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ લોકોને ગરમીથી બચાવવા તંત્ર દ્વારા સ્પેશિયલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, પરંતુ આ બધી બાબતોથી વીજકંપનીને જાણે કોઈ નિસ્બત જ નથી.
અકળાવનારી ગરમીમાં વીજ કંપની અવારનવાર પાવર સપ્લાય કાપી નાંખતી હોય લોકો અકળાઈ રહ્યાં છે. મંગળવારે રાત્રે પાલનપોર, પાલ ગૌરવપથ, ઉગત વિસ્તારમાં વીજકંપનીએ રાત્રિના સમયે એકથી દોઢ કલાક સુધી પાવર સપ્લાય કાપી નાંખતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટમાં લોકો ગરમીથી શેકાઈ રહ્યાં છે. તો બીજી તરફ વીજ કંપની દ્વારા અપાતા વીજ સપ્લાયમાં વારંવારના વિક્ષેપના કારણે લોકો ત્રાહિમામ થઈ રહ્યાં છે. સુરતના પાલ-પાલનપોર અને ઉગત સહિત અનેક વિસ્તારમાં વીજ કંપની દ્વારા પાવર સપ્લાય કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારોમાં વારંવારનો પાવર કાપ લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે. લોકો દ્વારા વીજ કંપની પર ફોન કરવામાં આવે છે. પરંતુ, સંતોષકારક જવાબ ન મળતાં લોકોનો પારો સાતમા આસમાન પર પહોંચી રહ્યો છે.
દિવસથી ગરમીથી કંટાળેલા લોકો માંડ રાત્રીના આરામથી ઉંઘ શરૂ કરે ત્યાં વીજ કંપનીના ધાંધીયા શરૂ થઈ જાય છે. અને રાત્રી દરમિયાન થોડો થોડો સમય પાવર કાપ થઈ જાય છે. હાલ કોઈ ભારે પવન કે વરસાદ ન હોવા છતાં પાવર કટ થતાં લોકોને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. લોકો વીજ કંપનીમાં ફોન કરે છે ત્યાંથી સંતોષકારક જવાબ મળતો ન હોવાથી લોકોનો રોષ વધી રહ્યો છે. હાલ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે ત્યારે વીજ કંપની દ્વારા સળંગ પાવર આપવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.
મંગળવારે 42 ડિગ્રી ગરમી હતી
મંગળવારે દિવસ દરમિયાન 42 ડિગ્રી મહત્તમ ગરમી હતી. રાત્રિના સમયે પણ તાપમાન 30 ડિગ્રીથી વધુ હતું. આટલી ભારે ગરમીમાં વીજકંપની દ્વારા પાવર સપ્લાય બંધ કરી દેવાતા લોકો અકળાયા હતા. પંખો ચાલતો હોય તો પણ ગરમીનો અનુભવ થતો હોય ત્યાં દોઢ-બે કલાક સુધી પંખા પણ બંધ થઈ જતા લોકોએ ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી.
ઈચ્છાપોરની 66 કે.વી. લાઈનમાં ફોલ્ટના લીધે પાવરકાપ થયો
ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે, ગઈકાલે રાત્રિના સમયે ઈચ્છાપોરથી આવતી 66 કે.વી.ની લાઈનમાં ફોલ્ટ થયો હતો, જેના લીધે પાલનપોરના વીજતારો પર લોડ વધ્યો હતો. ઓવરલોડના લીધે પાવરકાપ થયો હતો.
25મી મે સુધી ઓરેન્જ એલર્ટની જાહેરાત
આગામી 25 મે સુધીમાં હજી ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે. સુરત પાલિકા અને સરકારે લોકોને ગરમીથી બચવા માટે ગાઈડ લાઈન જાહેર કરી છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે, બાળકો, વડિલો અને સગર્ભા મહિલાઓ બપોરના સમયે ઘરની બહાર ન નિકળે તે હિતાવહ છે. સરકારની આ ગાઈડ લાઈનનો અમલ કરીને મોટાભાગના લોકો દિવસ દરમિયાન ઘરે રહેવાનું જ પસંદ કરે છે. આ ઉપરાંત રાત્રે પણ ઘરે જ રહે છે.
તંત્ર કહે ગરમીથી બચવા ઘરમાં રહો અને વીજ કંપની પાવર કાપી નાંખે, લોકો ક્યાં જાય?
લોકો ગરમીથી બચવા માટે સરકારી તંત્રની ગાઈડ લાઈનનો અમલ કરે છે. તો બીજી તરફ વીજ કંપની રેઢિયાળ કામગીરી લોકોને ગરમીમાં વધુ મુશ્કેલી ઉભી કરી રહી છે. પાલ- પાલનપોર અને ઉગત સહિત અનેક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની પાવર સપ્લાય કરે છે. તેવા વિસ્તારમાં દિવસે અને રાત્રીના સમયે થોડો થોડો સમય વીજળી ગુલ થઈ જાય છે. આકરી ગરમીમાં વીજળી ડૂલ થઈ જતા લોકોની હાલત વધુ કફોડી થઈ રહી છે.