National

આગ્રામાં આઈટીના દરોડામાં જૂતાના વેપારીઓ પાસે અધધ આટલી સંપત્તિ મળી

નવી દિલ્હી: યુપીના (U.P) આગ્રામાં જૂતાના વેપારીઓ (Shoe Merchant) પર આવકવેરા વિભાગના દરોડા (Income Tax Department Raid) સતત ત્રીજા દિવસે પણ ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં 50-55 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અંદાજીત ત્રણ જૂતાના ધંધાર્થીઓ પાસેથી વસૂલ કરાયેલી રોકડ રૂપિયા 100 કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધંધાર્થીઓએ પલંગ અને ગાદલાઓમાં પૈસા છુપાવ્યા હતા અને દરોડા બાદ આ પૈસા ગણવા માટે અડધો ડઝન મશીનો કામે લગાવવામાં આવ્યા હતા. આ સાથે જ આવકવેરા વિભાગની કાર્યવાહીમાં સામે આવ્યું હતું કે જે ધંધાર્થીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમની કંપનીઓ મુખ્યત્વે રોકડમાં કામ કરે છે. ખાસ કરીને નાના વિક્રેતાઓ સાથે. આ માટે કંપનીએ ‘પર્ચી સિસ્ટમ’નો ઉપયોગ કર્યો હતો, આખું કામ બ્લેકમાં કરવામાં આવતું હતું. સ્લિપ દ્વારા હિસાબ રખાતો હતો. તેમજ પુષ્ટિ થયેલ રસીદ અથવા બિલ નકામા બની જતા હતા.

આવકવેરા વિભાગે મુખ્યત્વે હરમિલપ ટ્રેડર્સ અને તેની સાથે કારોબારી સંબંધો ધરાવતી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં એમજી રોડ સ્થિત બીકે શૂઝ, ધકરાણ સ્થિત મંશુ ફૂટવેરનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન હરમીલાપ ટ્રેડર્સના માલિકના ઘરેથી મોટી રોકડ રકમ મળી આવી હતી.

દરોડા દરમિયાન આવકવેરા વિભાગે એવી સ્લિપ રિકવર કરી છે જેના દ્વારા આંખના પલકારામાં લાખો કરોડના વ્યવહારો થયા હતા. આ સ્લિપ સામે આવતા શહેરના બાકીના વેપારીઓની ચિંતામાં વધારો થયો હોય તેમ કહી શકાય છે. કારણ કે આ સ્લિપમાં અન્ય વેપારીઓ સાથેના વ્યવહારો વિશેની માહિતી હોય છે. જેના આધારે આવકવેરા વિભાગ બાકીના વેપારીઓના ટર્નઓવરનું આકલન કરી શકે છે.

આ વ્યવસાયમાં સ્લિપ દ્વારા રોકડ ચૂકવણી કરવામાં આવે છે. કાનપુરમાં 7 મેના રોજ મતદાન હોવાથી, સ્લિપ રોકડી કરી શકાઈ ન હતી અને તે આવકવેરા વિભાગના હાથમાં આવી ગઈ હતી. તેમજ ચૂંટણી પછી સ્લિપને રિડેમ્પ કરવાની માહિતી અને ટેક્સ ફ્રોડની ફરિયાદો આવકવેરા સુધી પહોંચી હતી, ત્યારબાદ અધિકારીઓને લાગ્યું કે પગલાં લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. આ દરોડામાં સ્લિપ મારફત ટેક્સની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે.

દરોડા બાદ આવકવેરા વિભાગની ટીમે ટેન્ટ હાઉસમાંથી ગાદલા, બેડશીટ વગેરેનો ઓર્ડર આપ્યો હતો. તેમજ ટીમમાં સામેલ પોલીસકર્મીઓ અને અન્ય લોકોએ ટેન્ટમાંથી લાવવામાં આવેલા પલંગ પર રાત વિતાવી હતી.

હાલ આવકવેરા વિભાગે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પોતાના કબજામાં લીધા હતા. આ સાથે જ દરોડામાં રિયલ એસ્ટેટ અને જમીનના મોટા સોદાઓને લગતા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. તેમજ ઈન્કમટેક્સ વિભાગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓની સાથે અડધા ડઝનથી વધુ નોટ ગણવાના મશીનો મંગાવ્યા હતી. જેના દ્વારા ટીમ રવિવારે આખી રાત નોટો ગણતી હતી.

આવકવેરા વિભાગ દ્વારા જૂતાના વેપારીઓની શોધખોળ પાછળનું કારણ ગેરકાયદેસર કાપલીનો ધંધો હોવાનું સામે આવ્યુ હતું. તેમજ મળેલી વિગતો મુજબ ઘરેલું જૂતાનો વ્યવસાય ક્રેડિટ પર વધુ આધાર રાખે છે. વેપારીઓ અને મોટા ધંધાર્થીઓ તાત્કાલિક પેમેન્ટને બદલે નાના વેપારીઓને સ્લીપ આપે છે, જેમાં તારીખ અને સમયગાળો લખવામાં આવે છે. નિયત તારીખે સ્લિપ સબમિટ કરનારા મોટા વેપારીઓ પાસેથી નાના વેપારીઓને પેમેન્ટ મળે છે. આ આખું કામ નંબર બેમાં થાય છે.

Most Popular

To Top