ભત્રીજાની જાનમાં ખંભાત ગયા હતા તે દરમિયાન બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા.
બોરસદના નપા તળપદ ગામના એક્તાનગરમાં રહેતા અને ભીક્ષુક તરીકે જીવન ગુજારતા વૃદ્ધના ભત્રીજાના લગ્ન હોવાથી તેઓ સહપરિવાર જાનમાં ગયાં હતાં. આ દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ, દાગીના મળી કુલ રૂ.3.66 લાખનો મુદ્દામાલ ચોરી ગયાં હતાં. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.
બોરસદના નાપા તળપદના એક્તાનગરમાં રહેતા હૈદરશા ઇદ્રીશા દિવાન ભીક્ષુકવૃત્તિ કરી જીવન ગુજારે છે. તેમના ઘર નજીક રહેતા તેમના ભાઇ ઐયુબશાના પુત્ર ફારૂકના નિકાહ હોવાથી 16મી મેના રોજ તેઓ ઘ બંધ કરી ત્યાં ગયાં હતાં. બાદમાં બપોરના એક વાગ્યે જાનમાં ખંભાતના હરિયાણ ગામે જવા નિકળ્યાં હતાં. આ દરમિયાન તેમનું ઘર બંધ હતું. દરમિયાનમાં રાત્રિના આઠેક વાગ્યાના સુમારે તેમના ઘરે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો અડધો ખુલ્લો હતો. આથી, ચોંકી ગયેલા સૌ પરિવારજનોએ અંદર જોતા ઘરની તમામ લાઇટ ચાલુ હતી. દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં સાંકળ સાથે લટકાવેલું હતું. જેથી ઘરમાં રસોડાવાળા રૂમમાં જતા પતરાના ડબ્બાને તાળુ મારેલું હતું, જે પતરાના ડબ્બાનો નકુચો તોડી તાળુ નીચે પડેલું હતું. આ પતરાના ડબ્બામાં મુકેલા રોકડા રૂ.20 હજાર મુકેલાં હતાં. જે જોવા મળ્યાં નહતાં. આ ઉપરાંત ઘઉંના પીપને મારેલા તાળાનો નકુચો તુટેલો હતો અને તાળુ નીચે પડેલું હતું. જે ઘઉંમાં દિકરીના લગ્ન કરવા માટે ભેગા કરેલા રોકડા રૂ.2.80 લાખ ન હતાં. આ ઉપરાંત ચાદીના દાગીના મળી કુલ રૂ.3,66,900નો મુદ્દામાલ જોવા મળ્યો હતો. આ અંગે તપાસ કરતાં અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી સરસામાન અસ્તવ્યસ્ત કરી રોકડ, દાગીના ચોરી કરી ગયાં હતાં. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.