નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલ સાથે મુખ્યમંત્રી આવાસમાં મારપીટની ઘટનામાં હવે દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસની તપાસમાં એવી વિગતો બાહર આવી છે કે મારપીટમાં સ્વાતિ માલીવાલના ચહેરા પર આંતરિક ગંભીર ઈજા થઈ છે. હવે દિલ્હી પોલીસ આગામી દિવસોમાં દિલ્હી પોલીસ સીએમ હાઉસના સીસીટીવી ફૂટેજ ચેક કરશે.
આ ઘટનામાં દિલ્હી પોલીસે 4 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ સ્વાતિ માલીવાલની ફરિયાદ નોંધી હતી. હવે આ કેસમાં દિલ્હી પોલીસ સીએમ હાઉસમાં જઈ સીસીટીવી ફૂટેજ ચેક કરશે. સીએમ હાઉસમાં સીસીટીવી કેમેરા ફીટ કરનાર કંપનીને પત્ર લખી દિલ્હી પોલીસ ફૂટેજ માંગશે. ઘટનાક્રમ સાથે જોડાયેલા દરેક સીસીટીવી ફૂટેજની તપાસ કરી પુરાવા ભેગા કરવામાં આવશે. દિલ્હી પોલીસ અનુસાર જયારે એફઆઈઆર થાય છે ત્યારે તપાસ દરેક રીતે કરવામાં આવે છે. આ ઘટનામાં સંડોવાયેલા દરેક વ્યક્તિની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.
મુખ્યમંત્રી આવાસની બહાર કુલ 8 સીસીટીવી કેમેરા લગાવેલા છે, તે બધાની જ તપાસ કરવામાં આવશે. આ ઘટના બની ત્યારે 13 મેના દિવસે સ્વાતિ કેટલા વાગે સીએમના ઘરે પહોંચી હતી, તેને ગેટ પર કોણ-કોણ મળ્યું હતું તેવા દરેક લોકોના નિવેદન લેવામાં આવશે.
આ અગાઉ ગુરુવારે માલિવાલનું લગભગ ત્રણ કલાક સુધી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના એક્સ-રે અને સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. તેમનો મેડિકલ રિપોર્ટ આજે આવશે. એમએલસીમાં માલિવાલના ચેહરા પર આંતરિક ઇજા થઈ હોવાની નોંધ કરાઈ છે.
ગઈ તા. 13 મેના રોજ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે સીએમ હાઉસમાં મારપીટ થઈ હતી. તે પહેલાં સ્વાતિ ટેક્ષીથી સીએમ હાઉસ પહોંચી હતી. આથી ટેક્સી ડ્રાયવરનું પણ નિવેદન પોલીસ લેશે. તેના સિવાય અત્યારે વિભવ કુમાર ક્યાં છે?, તેની પણ તપાસ કરવામાં આવશે. જાણકારી અનુસાર વિભવ અમૃતસરમાં છે. લગભગ પોલીસની 10 ટીમ આ ઘટનાની તપાસ કરવામાં લાગી છે તેમાંથી 4 ટીમ વિભવ કુમારનું લોકેશન શોધવામાં લાગી છે.
સ્વાતિ માલિવાલના સમર્થનમાં દિલ્હી બીજેપી મહિલા મોરચા કેજરીવાલના આવાસ સામે પ્રદર્શન કરી રહી છે. દરમિયાન બીજેપીની સાંસદ મેનકા ગાંધીએ પણ ઘટના પર પ્રતિક્રિયા આપી છે કે, કોઈ પણ મહિલા સાથે આવું થવું જોઈએ નહીં અને જો આવું થાય તો સહન કરી લેવાય નહીં.