SURAT

પાકિસ્તાનનો આતંકી ડોગર AK-47 બતાવી હિન્દુ નેતાઓને ધમકાવતો, કઠોરના મૌલવીના કેસમાં મોટો ખુલાસો

સુરત: હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદેશ રાણાને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં કઠોરના મૌલવી સોહેલ અબબુકર ટીમોલને ગઈ તા. 4 મેના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં આજે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે મોટો ઘટસ્ફોટ કર્યો છે.

સોહેલ અને તેના સાગરિતોનું સીધું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. પોલીસે આ કેસમાં મહારાષ્ટ્રના નાંદેડ અને બિહારના ઝફરપુરથી એક-એક આરોપીની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં પાકિસ્તાનના હેન્ડલર ડોગર, જસ બાબા, એમ વકાર સાદ્દીકના નામ ખુલ્યાં છે. પાકિસ્તાનના વર્ચ્યુઅલ નંબરથી આ ટોળકી દેશના હિન્દુવાદી નેતાઓને ગ્રુપ કોલ કરી ડોગરનો એ.કે. 47 વાળો ફોટો બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.

કઠોરના મૌલવી સોહેલની ધરપકડ બાદ સુરત પોલીસે હિન્દુ નેતાઓને ધમકી આપવાના પાકિસ્તાનને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ફેલાવેલા વર્ચ્યુઅલ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, આ ખૂબ જ મોટું ષડયંત્ર છે. યુટ્યૂબ, બ્લોગ પર હિન્દુવાદી કોમેન્ટ કરતા હિન્દુ નેતા, યુટ્યૂબર્સને આરોપીઓ પર્સનલ કોન્ટેક્ટ કરી ધમકી આપતા હતા. તેઓ પાકિસ્તાનમાં બેઠેલાં આકાઓ સાથે મળી ગ્રુપ કોલિંગ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આ રીતે આરોપીઓએ અનેક હિન્દુવાદી નેતાઓને ધમકી આપી છે.

બિહાર અને નાંદેડથી આરોપી પકડાયા
આ કેસમાં સુરત પોલીસે કઠોરના મૌલવી ઉપરાંત બે અન્ય આરોપીને પકડ્યા છે, જેમાં એક બિહાર ઝફરપુરનો છે. તેનું નામ મહંમદ અલી છે. તે નેપાળ બોર્ડર પર રેડીમેડ ગારમેન્ટનું કામ કરતો હતો. નેપાળના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગથી પાકિસ્તાનના હેન્ડલરો સાથે સંપર્કમાં રહી હિન્દુ નેતાઓને ધમકી આપતો હતો. 17 વર્ચ્યુઅલ નંબર, 42 ઈ-મેઈલ આઈડીથી ધમકી આપતો હતો.

ત્રીજો આરોપી મહારાષ્ટ્ર નાંદેડ શકીલ ઉર્ફે રઝા પકડાયો હતો. વર્ચ્યુઅલ પાકિસ્તાનનો નંબર ઉપયોગ કરતો હતો. પાકિસ્તાનના હેન્ડલર ડોગરે આ વર્ચ્યુઅલ નંબર તેને આપ્યો હતો. તે નંબરથી તે પાકિસ્તાનના અનેક હેન્ડલરો સાથે સંપર્કમાં હતો. એમ. વકાસ સાદીક, જસ બાબા જેવા લોકો સાથે કોન્ટેક્ટમાં હતો. ગ્રુપ કોલિંગ કરી હિન્દુ નેતાઓને મારવાની ધમકી આપતા હતા. મોબાઈલ ફોન તેણે તોડી નાંખ્યો હતો. એફએસએલની મદદથી ડેટા રિટ્રીવ કરવામાં આવી રહ્યો છે.

કોને કોને આપી ધમકી?
આરોપીઓએ એક રાષ્ટ્રવાદી શેરની બ્લોગર શબનમ શેખને મારવાની ધમકી આપી. મુસ્લિમ હોવા છતાં શબનમ શેખે મુંબઈથી અયોધ્યા પદયાત્રા કરી હતી. તે હિન્દુ મંદિરમાં જતી હોવાના લીધે તેણીને ધમકી આપવામાં આવી હતી. તે ઉપરાંત હિન્દુ શેર બોય નામથી સોશિયલ વર્ક કરનાર સુરેશ રાજપુત, નેશનલ પ્રેસિડેન્ટ શિવસેના હિન્દના નિશાંત શર્મા, પંજાબ શિવસેનાના અમિત અરોરા, બજરંગ દળ હિન્દુસ્તાન રાષ્ટ્રીય મહાસચિવ કુલદીપ સોની, નૂપુર શર્માને ધમકી આપી હતી. કમિશનરે કહ્યું, તપાસ કરતા આ તમામ લોકોને ધમકી મળી હોવાનું અને તે અંગે પોલીસ કેસ થયા હોવાની હકીકત બહાર આવી છે. અલગ અલગ રાજ્યોમાં આ કેસ થયા છે. તેની આરોપીઓએ કબૂલાત કરી છે.

ડોગરનું ટેરર ફંડિંગમાં નામ ખુલ્લેલું
પોલીસ કમિશનર ગેહલોતે કહ્યું કે, આ કેસમાં અલગ અલગ મોડ્યુઅલ ખુલીને સામે આવી રહ્યાં છે. ડોગરનો ફોટો ધમકી આપતી વખતે મોકલવામાં આવતો હતો. મૌલવી અને બીના સ્લીપર સેલ દ્વારા લોકોને ધમકી આપવામાં આવી હતી. ડોગર અને જીયા ઉલ હક્કનું નામ ટેરર ફંડિંગમાં ખુલ્યું હતું. અલગ અલગ મોડલ હોવાથી અલગ અલગ રાજ્યની પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બહુ બધાના નામ સામે આવી રહ્યા છે. જેથી તે દિશામાં તપાસ ચાલી રહી છે.

રઝા પાકિસ્તાનના નંબરનો ઉપયોગ કરતો
નેપાળની બોડર પર મુઝફ્ફરપુરથી મોહંમદ અલીની ધરપકડ કરાઈ હતી. તેણે પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો. પરંતુ એફએસએલની મદદથી તેના મોબાઈલમાંથી ડોગરનો ફોટો મળ્યો છે. આરોપીઓ 17 વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ ધમકી આપતાં હતાં. 42 ઈમેલ આઈડીનો ઉપયોગ કરતો હતો. સકીલ ઉર્ફે રઝાએ પકડાતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો. રઝા પાકિસ્તાની નંબરનો ઉપયોગ કરતો હતો.

કઠોરના મૌલવી પાસે બે ચૂંટણી કાર્ડ મળ્યા
કઠોરથી પકડાયેલા મૌલવી સોહેલ પાસે બે ચૂંટણી કાર્ડ અને બે જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. એક સુરતનું અને બીજું નવાપુર મહારાષ્ટ્રના હતા. નવાપુરના પુરાવા તેણે બોગસ બનાવ્યા હતા.

Most Popular

To Top