Gujarat

મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના, એકને બચાવવા જતા એક બાદ એક 3 છોકરાંઓ ડુબી ગયા

મોરબી: ઉનાળાના લીધે ઠેરઠેર લોકો નદી, નાળામાં ન્હાવા પડી રહ્યાં છે, તેને લીધે ઘણીવાર અપ્રિય ઘટના બનતી હોય છે. હજુ ગઈકાલે તા. 14 મેના રોજ ભરૂચના પોઈચામાં સુરતના પરિવારના 7 લોકો ડુબી ગયા હોવાની હતભાગી ઘટના બની હતી, તેની શ્યાહી ભૂંસાઈ નથી ત્યાં મોરબીની મચ્છુ નદીમાં એક યુવક અને બે સગીરના ડુબી જવાની ઘટના સામે આવી છે.

મોરબીના નવા સાદુળકા ગામ નજીક મચ્છુ નદીમાં 6 સગીર અને એક યુવક નદીમાં ન્હાવા પડ્યા હતા. નાહતા નાહતા નદીમાં પગ લપસી જતા એક યુવાન અને બે સગીર નદીમાં ડૂબી ગયા હતા. જ્યારે અન્ય સગીરો જીવ બચાવીને નદીની બહાર નીકળી ગયા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હોવાની માહિતી મળી છે.

નદીમાં ન્હાવા પડેલાં યુવકો પૈકી બચી ગયેલા એક યુવક જૈમિન બોચિયાએ કહ્યું કે, અમે 7 લોકો નદીમાં ન્હાવા પડ્યા હતા. કોઈને પણ તરતા આવડતું નહોતું. એક જ યુવકને થોડું ઘણું તરતાં આવડતું હતું. એકે નદીમાં ડુબકી મારી અને તણાવા લાગ્યો જેથી ત્યાં બેઠેલા અન્ય છોકરાઓ દોડી આવ્યા અને તેને બચાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચ્યો નહીં અને તેને બચાવવા પડેલાં બીજા બે છોકરાઓ એક પછી એક ડુબવા લાગ્યા હતા. એ ત્રણ લોકો પાણીમાં તણાયા તે હજુ મળ્યા નથી. કાંઠા પર ઓછું પાણી હતું તેથી અંદર ગયા અને ડુબકી મારતા જ ડુબી ગયા.

ઉલ્લેખનીય છે કે મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોય સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ છલકાયો હતો. તેથી તેના દરવાજા ખોલી દેવાયા હતા. સાદુળકા પાસે ડેમનો નીચાણવાળા વિસ્તાર આવેલો છે. અહીં પાણી ઊંડું છે. તેથી 3 છોકરાઓ ડુબી ગયા છે. ફાયર ના કાફલાએ લાપતા છોકરાઓને શોધી રહી છે. ફાયરના સૂત્રોએ કહ્યું કે, 3 તરૂણો ડુબી ગયાનો કોલ મળ્યો છે. ફાયરની ટીમ તેમને શોધી રહી છે. હજુ કોઈ મળ્યું નથી.

પાણીમાં ડૂબી ગયેલા તરૂણોના નામ

  • પરમાર ચિરાગ તેજાભાઇ (20 વર્ષ),
  • ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (16 વર્ષ)
  • ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (17 વર્ષ)

Most Popular

To Top