Columns

અમેરિકાએ કેમ ઈઝરાયેલને શસ્ત્રોની સહાય આપવાનું અચાનક બંધ કરી દીધું?

અમેરિકાના પ્રમુખ જો બિડેને આ અઠવાડિયે એક ટી.વી. ઈન્ટરવ્યુ દરમિયાન ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક સંબંધોને હલાવી દીધા હતા. બિડેનને પૂછવામાં આવ્યું હતું કે જો ઇઝરાયેલ રફાહમાં હુમલાની યોજના અમલમાં મૂકશે તો શું થશે? બિડેનનો જવાબ હતો કે હું શસ્ત્રો સપ્લાય નહીં કરું. અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના જોડાણનો આધાર શસ્ત્રો રહ્યાં છે. ચાર દાયકામાં આ પહેલી વાર છે, જ્યારે તેમના સંબંધોમાં તિરાડ જોવા મળી રહી છે. તેનું કારણ ગાઝામાં બગડતી પરિસ્થિતિ છે. સામાન્ય લોકોના જીવનને બચાવવામાં મદદ કરવા માટે જો બિડેન પર તેમના દેશની અંદર અને બહારની દુનિયામાંથી દબાણ હતું.

આખરે અમેરિકાએ સંયમ તોડીને સમગ્ર મધ્ય પૂર્વમાં તેના સૌથી નજીકના વ્યૂહાત્મક સાથી ઇઝરાયેલને મોકલવામાં આવતાં શસ્ત્રોના જથ્થાને અટકાવી દીધો હતો. આ પહેલાં ૧૯૮૦ના દાયકામાં તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના સમયમાં આવું બન્યું હતું. ગાઝામાં યુદ્ધની શરૂઆતથી જ બિડેન બે અલગ અલગ વિચારો વચ્ચે ફસાયેલા છે. એક તરફ રિપબ્લિકન પાર્ટી છે જે ખુલ્લેઆમ ઇઝરાયલને સમર્થન આપે છે, તો બીજી તરફ તેમની પોતાની ડેમોક્રેટિક પાર્ટી છે, જેમાં આ બાબતે મતો વહેંચાયેલા છે. અત્યાર સુધી બિડેન અમેરિકાના ઈઝરાયલ સાથેના સંબંધોને નુકસાન પહોંચાડે તેવું કંઈ પણ કરવાનું ટાળતા હતા; પરંતુ જ્યારે ઈઝરાયેલ રફાહમાં પ્રવેશ કરીને પગલાં લેવાનો નિર્ણય કર્યો ત્યારે બિડેનના વિચારો બદલાઈ ગયા હતા.

આ સમય દરમિયાન અહેવાલો આવ્યા હતા કે આ વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં ઇઝરાયેલી ટેન્કો એકત્ર થઈ ગઈ છે. સ્થાનિક રહેવાસીઓએ કહ્યું કે તેઓ સતત ગોળીબારનો અવાજ સાંભળી રહ્યા છે અને હોસ્પિટલોમાં ઘાયલોની સંખ્યામાં વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે અત્યાર સુધી એક લાખ લોકોએ આ વિસ્તારમાંથી ભાગીને બીજે ક્યાંક જવું પડ્યું છે અને તેઓ આશ્રય, ખોરાક, પાણી અને અન્ય સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યાં છે. જો બિડેનને ડર છે કે રફાહમાં ઇઝરાયેલની કાર્યવાહીથી યુદ્ધ સમાપ્ત થવાની અને બંધકોને મુક્ત કરવાની શક્યતા ઘટી જશે.

બુધવારે જો બિડેનના ઇન્ટરવ્યુ પછી અમેરિકાએ ઇઝરાયેલ મોકલવામાં આવતા કેટલાક બોમ્બનું શિપમેન્ટ અટકાવી દીધું હતું. આમાંના કેટલાક બોમ્બ ૯૦૦ કિલોના અને કેટલાક ૨૨૫ કિલોના છે. જો આ ભારે બોમ્બ ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તારોમાં ઉપયોગમાં લેવામાં આવે તો તે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ગાઝાના ઘણા ભાગોમાં આ પહેલાંથી જ જોવા મળ્યું છે. ૯૦૦ કિલોનો બોમ્બ ઈઝરાયેલ પાસે ઉપલબ્ધ સૌથી ઘાતક હથિયારોમાંથી એક છે.

તેની સેનાનું કહેવું છે કે હમાસનો નાશ કરવા માટે આ બોમ્બનો ઉપયોગ જરૂરી છે. શુક્રવારે અમેરિકાના વિદેશ ખાતાંએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈઝરાયલે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને કેટલાક પ્રસંગોએ અમેરિકા દ્વારા આપવામાં આવેલા બોમ્બનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. અમેરિકા દર વર્ષે ઈઝરાયેલને ૩.૮ અબજ ડોલરની સૈન્ય સહાય આપે છે. તાજેતરમાં તેણે ૧૭ અબજ ડોલરની વધારાની સહાય આપી છે.

આ સંદેશ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે હમાસ દ્વારા બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ માટેના પ્રયાસો નિર્ણાયક તબક્કે છે. ગયા અઠવાડિયે ઇજિપ્તમાં યોજાયેલી મંત્રણા અનિર્ણીત રહી હતી. ઇઝરાયેલના કેટલાક ટીકાકારોનું કહેવું છે કે બાઇડનના પગલાથી બંધકોની મુક્તિ માટે ચાલી રહેલી વાટાઘાટોમાં ઇઝરાયેલની સ્થિતિ નબળી પડશે અને રફાહમાં લડાઈને રોકવાના કોઈ પણ પ્રયાસનો સીધો ફાયદો હમાસને થશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે કઇ શરતો પર વાટાઘાટો થઇ તે અંગે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ સૌથી મોટો અવરોધ એ છે કે હમાસ યુદ્ધને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માંગે છે, પરંતુ ઇઝરાયેલ આ માટે તૈયાર નથી.

જો બિડેન અને નેતન્યાહુ વચ્ચેનો સંબંધ પાંચ દાયકા જૂનો છે અને તેમના સંબંધોમાં ઉતારચઢાવનો ઈતિહાસ પણ એટલો જ જૂનો છે.  નેતન્યાહુએ ઈઝરાયલને મદદ કરવા બદલ બિડેનનો ઘણી વખત આભાર માન્યો છે, પરંતુ પેલેસ્ટાઈનના મુદ્દે બંનેની નીતિઓ વચ્ચે સંઘર્ષ થયો છે. તા. ૭ ઓક્ટોબરે હમાસના હુમલાના થોડા દિવસો બાદ જ્યારે જો બિડેન ઈઝરાયેલની મુલાકાતે ગયા ત્યારે તેમણે તેલ અવીવમાં નેતન્યાહુને ગળે લગાવ્યા હતા.

જ્યારે બિડેન નેતન્યાહુ અને તેમની યુદ્ધ કેબિનેટ સાથેની બેઠકમાંથી બહાર આવ્યા હતા અને ઈઝરાયેલના સમર્થનમાં બોલ્યા હતા. તે સમયે તેમણે એક સૂચના પણ આપી હતી કે ૯/૧૧ના હુમલા પછી અમે જે ભૂલો કરી હતી તેનું પુનરાવર્તન તમે ન કરો. બિડેને કહ્યું હતું કે પેલેસ્ટિનિયનો પણ ખૂબ પીડાઈ રહ્યા છે અને બાકીના વિશ્વની જેમ અમે નિર્દોષ પેલેસ્ટિનિયનોના મૃત્યુ પર માત્ર શોક વ્યક્ત કરીને સંતોષ માની રહ્યા છીએ. ઈઝરાયેલે કદાચ જો બિડેનની સલાહને બહુ ગંભીરતાથી લીધી નહોતી.

યુદ્ધ દરમિયાન જો બિડેનની ઈઝરાયેલ મુલાકાતનો છૂપો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે ભવિષ્યમાં ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંબંધોને અસર ન થાય. પરંતુ આ અઠવાડિયે તેમાં ગરમી આવી રહી હોય તેવું લાગી રહ્યું હતું. જો બિડેને શસ્ત્રોનું શિપમેન્ટ બંધ કરવાની જાહેરાત કર્યાના બીજા જ દિવસે નેતન્યાહુએ વળતો પ્રહાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે જો આપણે એકલા ઊભા રહેવું પડશે, તો આપણે એકલા ઊભા રહીશું. મેં અગાઉ પણ કહ્યું છે કે જો જરૂર પડશે તો અમે અમારી તમામ તાકાતથી લડીશું. નેતન્યાહુ ઘણા સમય પહેલાં સમજી ગયા હતા કે અમેરિકન દબાણને વશ ન થઈને તેઓ દેશની અંદર પોતાનો રાજકીય આધાર વિસ્તારી શકે છે.

ઈઝરાયેલ દ્વારા અમેરિકન હથિયારોના ઉપયોગ સાથે સંબંધિત રિપોર્ટ શુક્રવારે અમેરિકાની સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ગાઝામાં ઈઝરાયેલની કેટલીક કાર્યવાહીની સ્પષ્ટ ટીકા કરવામાં આવી છે પરંતુ ઈઝરાયેલની સેનાએ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો હોવાનું કહેવાનું ટાળ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શોધી કાઢ્યું હતું કે ઇઝરાયેલે સંઘર્ષના શરૂઆતના મહિનાઓમાં ગાઝાને માનવતાવાદી સહાય પહોંચાડવાના અમેરિકી પ્રયાસોને સંપૂર્ણ સહકાર આપ્યો ન હતો. જો કે, હવે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ અહેવાલ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા જાહેરમાં આપવામાં આવેલી ચેતવણી બાદ આવ્યો છે કે જો ઇઝરાયેલ રફાહ પર હુમલો કરશે તો તે તેના બોમ્બ અને તોપના ગોળાની સપ્લાય બંધ કરી દેશે.

આ અહેવાલ પ્રસિદ્ધ થયાના થોડા સમય પહેલાં જ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ચેતવણી આપી હતી કે ઈઝરાયેલ રફાહમાં ઓપરેશન રેડ લાઈન પાર કરશે. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો ઈઝરાયેલ સંપૂર્ણપણે પોતાના દમ પર લડશે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે સોમવારથી અત્યાર સુધીમાં ૮૦ હજાર લોકો રફાહ છોડીને ભાગી ગયા છે. સતત બોમ્બમારા વચ્ચે ઈઝરાયેલની ટેન્ક એવાં સ્થળો પર એકત્ર થઈ રહી છે, જ્યાંથી આગળની કાર્યવાહી થઈ શકે છે.

દરમિયાન, ઇઝરાયેલી સેનાએ રફાહમાં જમીન પર નિયંત્રણ સ્થાપિત કર્યું છે અને ઇજિપ્ત સાથેનું રફાહ ક્રોસિંગ બંધ કરી દીધું છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે કેરેમ શાલોમ ક્રોસ કરીને ઈઝરાયેલમાં જવાનો રસ્તો તેનાં વાહનો અને કર્મચારીઓ માટે અત્યંત જોખમી બની ગયો છે. હમાસે ગયા વર્ષે ૭ ઓક્ટોબરે દક્ષિણ ગાઝા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧,૨૦૦ લોકો માર્યા ગયાં હતાં અને ઈઝરાયેલના ૨૫૨ લોકોને બંધક બનાવવામાં આવ્યાં હતાં. આ પછી ઈઝરાયલે ગાઝા પર જવાબી હુમલો શરૂ કર્યો હતો. હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર આ હુમલામાં અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા ૩૪,૯૦૦ થઈ ગઈ છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top