નવી દિલ્હી: (New Delhi) મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણના (Sexual Exploitation) મામલામાં કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બ્રિજ ભૂષણ સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજ ભૂષણના સચિવ વિનોદ તોમર સામે પણ આરોપો ઘડવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે કહ્યું કે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવા માટે પૂરતા પુરાવા છે.
દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે પાંચ મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી, પીછો કરવા, મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવા અને ફોજદારી ધમકીના આરોપો ઘડ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા છે. કોર્ટે સહ-આરોપી વિનોદ તોમર સામે આઈપીસીની કલમ 506 હેઠળ ફોજદારી ધમકીના ગુના માટે આરોપો પણ ઘડ્યા છે. વિનોદ તોમર WFI ના ભૂતપૂર્વ સહાયક સચિવ છે. રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે આ આદેશ આપ્યો છે.
કોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ વડા સિંહ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354A (જાતીય સતામણી), 354 અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ ગુનાનો આરોપ મૂક્યો છે. જોકે છઠ્ઠા કુસ્તીબાજ દ્વારા લગાવવામાં આવેલા આરોપોના સંબંધમાં બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
બ્રિજભૂષણ શરણ સિંહ પર છ કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેમની ફરિયાદના આધારે પોલીસે સાંસદ વિરુદ્ધ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો હતો. 15 જૂન 2023ના રોજ પોલીસે સિંહ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354, 354A, 354D અને 506(1) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદીઓએ અગાઉ સિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પછી દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ યોગ્ય માર્ગ પર છે. એક સગીર કુસ્તીબાજે પણ બ્રિજભૂષણ સિંહ પર આરોપ લગાવ્યા હતા. જો કે બાદમાં તેણીએ તેણીની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી અને દિલ્હી પોલીસે તે કેસમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO એક્ટ) હેઠળ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.
આગામી સુનાવણી 21મી મેના રોજ થશે
આ કેસની આગામી સુનાવણી 21 મેના રોજ થશે. કોર્ટે બ્રિજ ભૂષણને છઠ્ઠી મહિલા કુસ્તીબાજના તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે જ્યારે બાકીની પાંચ મહિલા કુસ્તીબાજ પીડિતાના આરોપો પર આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. મહિલા કુસ્તીબાજોના આરોપોની દિલ્હી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જે બાદ બ્રિજ ભૂષણ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 26 એપ્રિલે કોર્ટે દિલ્હી પોલીસની ચાર્જશીટના આધારે આરોપો ઘડવા અંગેનો પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.