Editorial

આગામી છ વર્ષમાં પુટિન વધુ આક્રમક બનશે કે ઢીલા પડી જશે?

વ્લાદીમીર પુટિને મંગળવારે ક્રેમલિનમાં યોજાયેલા ઝળહળાટભર્યા શપથવિધિ સમારંભમાં રશિયન પ્રમુખ તરીકેની પોતાની પાંચમી ટર્મ શરૂ કરી. આમ તો તેઓ માર્ચમાં પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા હતા પણ નવી ટર્મ માટે તેમની શપથવિધિ હમણા થઇ છે. માર્ચમાં તેઓ જે ચૂંટણીમાં મોટી બહુમતિથી જીત્યા તે ચૂંટણીને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો તથા અનેક વિશ્લેષણો ફારસરૂપ ગણાવતા હતા અને તેમનો આ આક્ષેપ સાચો પણ લાગે જ છે. 

પોતાના રાજકીય હરીફોને કચડી નાખ્યા બાદ વધુ છ વર્ષ માટે  તેમણે શાસન પર કબજો જમાવ્યો છે. હવે તેઓ ૨૦૩૦ના વર્ષ સુધી પ્રમુખપદે રહી શકશે કારણ કે રશિયામાં પ્રમુખની ટર્મ છ વર્ષની હોય છે. પુટિન હાલમાં ૭૦ની વય વટાવી ચુક્યા છે. તેમના આરોગ્ય અંગે કેટલીક અટકળો અને અફવાઓ સમયાંતરે ચાલતી રહે છે છતાં વ્યાયામ અને સ્પોર્ટ્સના શોખીન એવા પુટિન જાહેરમાં તો ફીટ અને તંદુરસ્ત દેખાય છે એટલે બીજા છ વર્ષ તો તેઓ આરામથી શાસન કરી શકશે એમ હાલ તો લાગે છે. માથાભારે અને ખેપાની પુટિન હવે બીજા છ વર્ષ સુધી પશ્ચિમી દેશોને હંફાવશે એમ કહી શકાય. બની શકે કે તેઓ હવે વધુ ઉગ્ર અને આક્રમક બને.

પા સદી જેટલા સમયથી સત્તામાં એવા પુટિન જોસેફ સ્ટાલિન પછી ક્રેમલિનના સૌથી લાંબો સમય હોદ્દા પર રહેનાર નેતા રહ્યા છે. પુટિનની નવી ટર્મ ૨૦૩૦ સુધી પુરી થશે નહીં, અને ૨૦૩૦માં પણ  તેઓ બંધારણીય રીતે આગળ શાસન ચલાવવા માટે લાયક હશે. ક્રેમલિન પેલેસમાં યોજાયેલ ભવ્ય સમારંભમાં પુટિને પોતાનો હાથ રશિયન બંધારણ પર મૂક્યો હતો અને તેનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તે સમારંભમાં ખાસ આમંત્રિત મહાનુભાવોની ભીડ હાજર હતી. આ શપથવિધિ પછી પુટિનને રશિયન પર વધુ છ વર્ષ માટે એકહથ્થુ શાસન કરવાનું જાણે લાયસન્સ મળી ગયું છે.

૧૯૯૯માં પ્રમુખ બોરિસ યેલત્સિનના અનુગામી બન્યા પછી પુટિને રશિયાને એક ભાંગી પડેલા અર્થતંત્રમાંથી તેને આંતરરાષ્ટ્રીય રીતે એક અલાયદા દેશમાં ફેરવી નાખ્યો હતો જે લશ્કરી દષ્ટિએ મજબૂત બનવાની સાથે વૈશ્વિક સુરક્ષા માટે ભય ઉભો કરે તેવો દેશ બની ગયો છે. પુટિને ૨૦૨૨માં યુક્રેન પર આક્રમણ કર્યું જે બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપનું સૌથી મોટું યુદ્ધ બની ગયું છે. આ યુદ્ધને પગલે પશ્ચિમી દેશોએ રશિયા પર ભારે પ્રતિબંધો લાદ્યા જેને પગલે તેણે ટેકા માટે અન્ય સત્તાઓ જેમ કે ચીન, ઇરાન અને ઉત્તર કોરિયા તરફ વળવું પડ્યું. હજારો લોકોના જીવ ગયા પછી યુક્રેનમાં યુદ્ધ હજી ચાલુ જ છે અને ક્યાં સુધી ચાલશે તે હાલ કહી શકાય તેમ નથી.

હવે પ્રશ્ન એ છે કે ૭૧ વર્ષના પુટિન અન્ય છ વર્ષમાં શું કરશે? ઘરઆંગણે અને વિદેશોમાં – બંને મોરચે તેઓ શું કરશે તે એક પ્રશ્ન છે. માર્ચ મહિનામાં તેઓ પ્રમુખપદે ફરી ચૂંટાઇ આવ્યા તે પછી પુટિને સંકેત આપી જ દીધો હતો કે નાટો અને રશિયા વચ્ચે સંઘર્ષ શક્ય છે અને તેમણે સરહદ પરના હુમલાઓથી પોતાના દેશની બચાવવા યુક્રેનાં એક બફર ઝોન રચવાની વાત પણ કરી છે.

વિશ્લેષકો કહે છે કે હવે પુટિને સત્તા માટે વધુ  છ વર્ષ મેળવી લીધા છે ત્યારે તેમની સરકાર કેટલાક બિનલોકપ્રિય પગલાઓ પણ ભરી શકે છે જેમ કે યુદ્ધ માટે ભંડોળ પુરુ પાડવા કરવેરા વધારવા અને વધુ પુરુષોને લશ્કરમાં જોડાવા માટે દબાણ કરવું. પુટિન જો કે યુક્રેન યુદ્ધની બાબતમાં પોતાના દેશના પણ એક મોટા વર્ગમાં અળખામણા તો બન્યા જ છે તે તેમની સામે રશિયામાં જ થયેલા યુદ્ધ વિરોધી દેખાવો પરથી પુરવાર થાય છે.

પુટિન મોટી બહુમતિથી ચૂંટણી જીત્યા છે તે તેમની લોકપ્રિયતાનું માપ નથી કારણ કે આ આખી ચૂંટણી જ શંકાસ્પદ હતી. જો કે તેઓ પ્રજામતને કચડી સહેલાઇથી કચડી શકે છે, તેમના અનેક વિરોધીઓ ક્યાં તો જેલમાં છે અથવા દેશ છોડીને ભાગી ગયા છે. તેમના એક કટ્ટર વિરોધી એલેક્સી નવલાનીનું હાલ કેટલાક મહિનાઓ પહેલા જેલમાં મૃત્યુ થયું છે. જો કે દમનનીતિ હંમેશ માટે ચાલી શકે નહીં, કયારેક આવી નીતિ મોટો બળવો નોંતરી શકે છે. હવે આગામી છ વર્ષમાં રશિયામાં શું થાય છે  તે જોવાનું રહે છે.

Most Popular

To Top