ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 9-00 વાગે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ (Result) જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 91.93 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 18.66 ટકા વધારે છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ આજે સવારે 9-00 વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરતા જણાવ્યું હતું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,79,759 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 3,78,268 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,47,738 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે. આમ નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 ટકા આવ્યું છે. વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ 89.35 આવ્યું છે જ્યારે ઉ.ઉ.બુ. પ્રવાહનું પરિણામ 93.85 ટકા આવ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5508 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ, 42,420 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ, 81,573 વિદ્યાર્થીઓ બી-1 ગ્રેડ, 97,880 વિદ્યાર્થીઓ બી-2 ગ્રેડ, 800511 વિદ્યાર્થીઓ સી-1 ગ્રેડ, 33,714 વિદ્યાર્થીઓ સી-2 ગ્રેડ 2,722 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ, 69 વિદ્યાર્થીઓએ ઈ-1 ગ્રેડ મેળવ્યો છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં સૌથી વધુ પરિણામ બોટાદ જિલ્લાનું 96.40 ટકા, જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢ જિલ્લાનું 84.81 ટકા આવ્યું છે. પરીક્ષા કેન્દ્રના પરિણામમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છાલા 99.61 ટકા, જ્યારે સૌથી ઓછું પરિણામ 51.11 ટકા ખાવડા કેન્દ્રનું આવ્યું છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 94.63 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 89.45 ટકા આવ્યું છે. રાજ્યની 169 શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 19 શાળાઓનું પરિણામ 10 ટકા કરતાં ઓછું આવ્યું છે.
માધ્યમવાર પરિણામ
ગુજરાતી માધ્યમનું 91.98 ટકા, હિન્દી માધ્યમનું 85.84 ટકા, મરાઠી માધ્યમનું 94.07 ટકા, ઉર્દુ માધ્યમનું 97.62 ટકા, ઈંગ્લીશ માધ્યમનું 92.80 ટકા પરિણામ આવ્યું છે.
વિષયવાર પરિણામ
ગુજરાતી (એફએલ) 99.10 ટકા, અંગ્રેજી (એફએલ) 99.67 ટકા, હિન્દી (એસએલ) 99.46 ટકા, અંગ્રેજી (એસએલ) 98.28 ટકા, અર્થશાસસ્ત્ર 98.16 ટકા, સંસ્કૃત 99.04 ટકા, આંકડાશાસ્ત્ર 94.02 ટકા, ફિલોસોફી 97.24 ટકા, સોશિયોલોજી 99.30 ટકા, ફિઝિયોલોજી 98.82 ટકા, ભૂગોળ 98.56 ટકા, કોમ્પ્યુટર વિષયનું 90.95 ટકા પરિણામ નોંધાયું છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ, સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું 92.80 ટકા
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ એક સાથે આજે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષની સરખામણીમાં 16 ટકા કરતા વઘુ છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું 92.80 ટકા, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું 51.36 ટકા આવ્યું છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-24માં લેવાયેલી પરીક્ષામાં કુલ 147 કેન્દ્રો ઉપર 1,30,650 પરીક્ષાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે. જેમાં એ ગ્રુપનું પરિણામ 90.11 ટકા, બી ગ્રુપનું પરિણામ 78.34 ટકા અને એબી ગ્રુપનું પરિણામ 68.42 ટકા આવ્યું છે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામામાં 1034 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ, એ-2 ગ્રેડ 8983 વિદ્યાર્થીઓએ, બી-1 ગ્રેડમાં 18,514 વિદ્યાર્થીઓએ, 22,115 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ, 21,964 વિદ્યાર્થીઓએ સી-1 ગ્રેડ, 16,165 વિદ્યાર્થીઓએ સી-2 ગ્રેડ, 2844 વિદ્યાર્થીઓ ડી ગ્રેડ, જ્યારે 6 વિદ્યાર્થીઓએ ઈ-1 ગ્રેડ મેળવ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર 97.97 ટકા કુંભારિયા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બોડેલીનું 47.98 ટકા પરિણામ રહ્યું હતું. રાજ્યની 127 શાળાઓનો પરિણામ 100 ટકા રહ્યું હતું. જ્યારે 27 શાળાઓનું પરિણામ 10 ટકાથી ઓછું નોંધાયું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પરિણામ 82.53 ટકા, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 82.35 ટકા આવ્યું છે.
ગુજરાતી માધ્યમના ઉમેદવારોના પરિણામની ટકાવારી 82.94 ટકા, જ્યારે અંગ્રેજી માધ્યમના ઉમેદવારના પરિણામની ટકાવારી 81.92 ટકા રહી છે, 30 દિવ્યાંગ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડ સાથે ઉત્તીર્ણ થયા છે. આ પરીક્ષા દરમિયાન 18 જેટલા ગેરરીતિના કિસ્સાઓ નોંધાયા હતા.