અરુચિ એટલે રુચિનો અભાવ. ભૂખનો અભાવ. ક્યારેક અજીર્ણ, તાવને કારણે ખાવાની ઈચ્છા થતી નથી અથવા આ સ્થિતિમાં અન્ન જોઈને કંટાળો આવતો હોય છે. અમુક વ્યાધિમાં મોઢું કડવું થઈ જાય એટલે અન્ન, મનને ચીડ ઉત્પન કરનારું બને. ભૂખ પણ લાગતી નથી. કેટલાક માનવીય વ્યવહાર પણ અરુચિકર બની જતા હોય છે. અમુક વ્યક્તિની વાણી-ભાષા પણ અરુચિ પેદા કરે છે. જે સામી વ્યક્તિને અપ્રિય, નાપસંદ, અસુખ અને અણગમો ઉપજાવનારાં બની શકે છે. ખોટો વ્યવહાર, બોલચાલની, લેખનની ખોટી ભાષા એ બેચેની, ધૃણા, તિરસ્કાર કરનારી હોઈ સાંભળીને, વાંચીને અસંતોષ અને મનની ઉદાસીનતા ઊભી કરે છ.
કેટલાકને વાતવાતમાં અપશબ્દો બોલવાની કુટેવ હોય, અમુક જગ્યાએ ન બોલવાનું બોલીને અન્યોને શરમમાં મૂકીને પોતે મોટાઈ અનુભવે છે. કેટલાક મહારથીઓ તો આખા વાક્યને ગાળમાં ફેરવીને વાત કરીને, પોતાને પાવરધા સાબિત કરવામાં મંડી પડે છે. મહિલાઓની હાજરીની પણ નોંધ લેતાં નથી. જાહેરમાં ગાળાગાળી આપણે ત્યાં સામાન્ય બાબત ગણાય. મોટા લોકો જાહેર સભામાં પણ અરુચિકર ભાષા બોલવામાં સંકોચ અનુભવતા નથી. ક્યારેક મારામારી પણ કરીને પહેલવાની સાબિત કરે! પાડોશી સાથેના ઝઘડામાં પ્રેક્ટિસ કરી અપશબ્દોનો જાહેરમાં ઉપયોગ કરનારા ઘણાં છે.
ટેકનોલોજીના યુગમાં વોટ્સએપના અનેક ગ્રુપ ચાલે. સમાજનાં સંગઠનોનાં પણ ગ્રુપ હોય. અંદરોઅંદર રાજકારણ પણ ચાલે. એક પક્ષમાં માન્યતા ધરાવનાર બીજા પક્ષમાં માનનારા પ્રતિ વોટ્સએપ પર ગુસ્સો કરી કાપાકાપી કરે. પોતાનો વિરોધ દર્શાવવામાં વિવેક ચૂકીને જાહેરમાં વોટ્સએપ પર અપશબ્દો-ગાળ લખે એવું થોડા દિવસ પહેલાં ધ્યાનમાં આવ્યું. સારું છે કે ભાઈના મોબાઈલમાં ગુજરાતી ફ્રોન્ટ નથી! એટલે અમુક જ વ્યક્તિના વાચનમાં આ અરુચિકર ભાષા ધ્યાનમાં આવી હોય એમ પણ બને. વોટ્સએપ જેવું જાહેર અને સારું માધ્યમ વ્યક્તિગત ગુસ્સો દર્શાવવા માટે બરાબર નથી. વોટ્સએપનો ઉપયોગ સંયમપૂર્વક અને અન્યોનો સમય ન બગડે તે પ્રમાણે કરવો હિતાવહ નથી. રુચિકર ભાષા અને વ્યવહાર એ શિષ્ટ પ્રજાની ઓળખ છે, એ ન વિસરીએ તો ય ઘણું!
નવસારી- કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.