Charchapatra

કોટ વિસ્તારનાં કેસરિયા કાર્યકરો

સુરત કોટ વિસ્તારની શેરીએ શેરીએ ભાજપનાં કેસરિયા કાર્યકરો કાર્ય કરતાં આવેલાં છે. તળ સુરતના અમુક વિસ્તારો વર્ષોથી ભાજપના ગઢ કહેવાય છે. ભાજપના કોઈ પણ રાષ્ટ્રીય નેતાઓની સભા કોટસફીલ રોડ પર યોજાતી.જેમાં કેસરિયા કાર્યકરો સભાની વ્યવસ્થા ગોઠવવામાં તનતોડ પરિશ્રમ કરતા હતા. નેતાઓને સાંભળવા જનમેદની સ્વંયભૂ આવતી. કોટસફીલથી એરઇન્ડિયા સુધી સભાસ્થળ ચિક્કાર ભરાઈ જાય. કોઈ પણ અવ્યવસ્થા થાય નહિ તેની કાર્યકરો શિસ્તબદ્ધ રીતે વ્યવસ્થાની ગોઠવણ કરતા. ભાજપમાં શેરી શેરીએ એવા કાર્યકરો છે જે ચૂંટણી આવે ત્યારે મોરચો સંભાળી લેતા હોય છે. તેઓ વોર્ડ કક્ષાએ નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરતા હોય છે.

મતદાનની સ્લીપ પહોંચાડવી,શેરીમાં બેનર પોસ્ટર લગાડવાં વિ.કામો સ્વેચ્છાએ કરતાં હોય છે. ચૂંટણીના દિવસે પોલિંગ એજન્ટ તરીકે કામ કરતા કાર્યકરોની પણ એક કાયમી ટીમ હોય છે. શેરીઓમાં ટેબલ પર બેસવાવાળા કાર્યકરો અને ઘરે ઘરે જઈને મતદાન કરાવવાવાળા કાર્યકરો ચૂંટણીને એક લોકશાહીનો મહોત્સવ બનાવે છે. કોટ વિસ્તારમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે કોઈ પણ હિંસક ઘટનાઓ બનતી નથી.સુરત સંસદીય ક્ષેત્ર બિનહરીફ જાહેર થવાથી મતદારો કાર્યકરોને પૂછે છે કે સાતમી મે ના રોજ ‘લોકશાહીનો ઉત્સવ’ કઈ રીતે ઉજવીશું ?
‌સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

“માનવી કેવો છે તે કહેવા કરતાં તે માનવીમાં શું છે તે અગત્યનું”
સદીઓથી આ પ્રશ્ન દરેક વ્યક્તિને લાગુ પડે છે. આમ તો વ્યક્તિ કોઈ ને કોઈ પ્રતિભા સાથે જ જન્મ લે છે, પણ જન્મના સમયે તો બાળક કોરો કટ કોઈ પણ જાતના વિશેષણરહિત હોય છે. જેમ જેમ પુખ્ત વયના થાય એટલે અનેક જાતનાં વિશેષણો જેવાં કે ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, વગેરે વગેરે લાગુ પડવાનું ચાલુ થાય છે. આ જિંદગીની સફર માનવી કેવો, કેવાના પ્રશ્નથી શરૂ થાય, પછી પણ અંત સુધી કેટલાક કિસ્સાઓમાં અધ્યાહાર જ રહે છે.

દરેક માનવી જ્યારે એવું વિચારવંત થશે કે માનવીમાં રહેલ ખૂબીઓ સાહિત્ય, વૈજ્ઞાનિક, સંગીત,રમતગમત , ફિલ્મ વહીવટી,રાજકારણ ડોક્ટર, વકીલ જેવી અનેક વગેરે હોય તો પછી બાકીનું ગૌણ બની જવું જોઈએ. જો કે દરેક માનવીમાં રહેલી ખામીઓ ક્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેની કોઇ ગેરંટી નથી અને એટલા માટે જ દરેક ક્ષેત્રમાં ખોટું કરનારને ભારતના બંધારણ થકી ઘડેલ કાયદાઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરી શકાય છે.  માનવીનું જીવન વન જેવું છે. જેમ વનમાં અનેક જાતનાં વૃક્ષો, વનરાજીથી આચ્છાદિત હોય છે તે રીતે સંસારમાં અનેક પ્રકારનાં માનવીઓ સાથે રહીને જીવન પસાર કરવાનું છે. માનવીના મનમાં ચાલી રહેલ દરેક પ્રકારની અટકળોને ભલા કોઇ જાણી શક્યું છે ખરું?
‌સુરત     – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top