Editorial

રાજ્યમાં ચૂંટણી મહાપર્વ સંપન્ન: એકંદરે ઓછું મતદાન થોડી કઠે તેવી બાબત

આપણા ગુજરાત સહિત ૧૧ રાજયોમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાઇ  યોજાઇ ગયું. જેની ઘણી રાહ જોવાતી હતી તે ચૂંટણી છેવટે આપણા માટે તો સંપન્ન થઇ ગઇ. હજી તો ચાર તબક્કાની ચૂંટણી બાકી છે, પછી પરિણામ શું આવે છે તે જોવાનું રહે છે.  રાજ્યની ૨૬ લોકસભા બેઠકોમાંથી એક સુરતની બેઠક ભાજપને બિનહરીફ મળી ગઇ છે ત્યારે બાકીની તમામ ૨૫ બેઠકો જીતી લઇને કોંગ્રેસને શૂન્ય આપવાની મહત્વાકાંક્ષા ભાજપ ધરાવે છે. આપણા રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૪.૯૭ કરોડ મતદારો છે.

રાજ્યમાં ૫૦૭૮૮ મતદાન બૂથો ઉભા કરવામાં આવ્યા હતા. દેશભરમાં આ ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ૧૭ કરોડ જેટલા મતદારો હતા. ત્રીજા તબક્કમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૦ ટકા મતદાન નોધાયું હોવાનું પ્રારંભિક આંકડાઓ જણાવતા હતા. આપણા ગુજરાતમાં પપ.૨૨ ટકા મતદાન થયું હોવાનું શરૂઆતના આંકડાઓ જણાવ છે જે અપેક્ષા કરતા ઘણુ ઓછું મતદાન છે. બિહાર, યુપી, મહારાષ્ટ્રમાં પણ ૬૦ ટકા કરતા ઓછું મતદાન  થયું હોવાનું આ આંકડાઓ જણાવે છે જ્યારે કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં ૬૦ ટકાની ઉપર અને ગોવા તથા પશ્ચિમ બંગાળમાં ૭૦ ટકા કરતા વધુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. જો કે આ આંકડાઓ મોડેથી બદલાઇ શકે છે.

આ વખતે પ્રથમ બે તબક્કાની ચૂ઼ંટણીમાં મતદાન એકંદરે ઓછું થયું હોવાનું કહેવાય છે. હવે ત્રીજા તબક્કામાં પણ નીચુ મતદાન નોંધાયું હોવાનું જણાય છે.  જો કે એક પીઢ અર્થશાસ્ત્રીએ કરેલો બે તબક્કાનો અભ્યાસ અભ્યા કંઇક જુદુ જ કહે છે. હાલ ચાલતી સામાન્ય ચૂંટણીોના પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી નીચી હોવાની ચિંતાઓ એક કપોળકલ્પના છે એમ કહેતા દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇના એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે કે જેટલા મતો નંખાયા છે તેમની સંપૂર્ણ સરખામણી કરતા જણાય છે કે મતદાનની ટકાવારી અગાઉ કરતા બહેતર રહી છે.સૌમ્યા કાન્તિ ઘોષ, કે જેઓ એસબીઆઇ ખાતે ગ્રુપ ચીફ ઇકોનોમિસ્ટ એડવાઇઝર છે, તેમણે જણાવ્યું હતું કે પ્રથમ બે તબક્કામાં નંખાયેલ કુલ મતોની સંખ્યામાં ૦.૪ ટકાનો વધારો થયો છે. સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ બે તબક્કામાં મતદાનની નીચી ટકાવારીની સતત ચાલી રહેલી ચર્ચાઓ એ એક મિથ છે.

જે મતો પડ્યા છે તેની ગણતરીનો બહેતર માર્ગ મતોની સંપૂર્ણ સંખ્યાની ગણતરી છે એમ તેમણે એક અહેવાલમાં જણાવ્યું હતું. ચૂંટણીના બાકીના તબક્કાઓમાં ચૂંટણી પંચ મતદાનની ટકાવારી વધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે.  તેમણે જણાવ્યું હતું કે મતદાન એ ૨૦૧૯ની ગત સામાન્ય ચૂંટણીમાં જોવાયેલ ટ્રેન્ડ કરતા ૩.૧ ટકા જેટલું નીચું છે, પણ તેમણે જણાવ્યું કે ચૂંટણીના બાકીના પાંચ તબક્કાઓમાં આ તફાવત ઓગળી જઇ શકે છે. જો કે આપણે જોઇ શકીએ છીએ કે ત્રીજા તબક્કામાં પણ મતદાન એકંદરે ઓછું જ થયું છે, પહેલા બે તબક્કા કરતા ખાસ વધ્યું નથી.

પ્રથમ બે તબક્કામાં વિવિધ મતવિસ્તારોમાં થયેલા મતદાનનું વિગતવાર વિશ્લેષણ કરતા જણાયું છે કે ૮પ મતક્ષેત્રોમાં નંખાયેલા કુલ મતોના પ્રમાણમાં ૧ લાખ કરતા વધુનો વધારો થયો છે, જ્યારે ૨૫ મતવિસ્તારોમાં, સ્થિતિ યથાવત રહી છે. આથી ૬૦ ટકા જેટલા મતવિસ્તારો ક્યાં તો વધારો દર્શાવે છે અથવા તો કોઇ ફેરફાર દર્શાવતા નથી એમ અહેવાલ જણાવે છે. મતદાનની ઓછી ટકાવારી એ વ્યાપક ભ્રષ્ટાચારને કારણે લોકોમાં મત આપવા અંગે વધેલી ઉદાસીનતાનું પણ પ્રતિબિંબ પાડે છે.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે ૧૧ રાજ્યો અને સંઘપ્રદેશોના કુલ મળીને ૯૩ મતવિસ્તારો માટે મતદાન યોજાઇ ગયું, આ વિસ્તારોમાં ભાજપની તકો ઉંચી છે જેણે ગત ચૂંટણીમાં આ બેઠકો પર જંગી બહુમતિ મેળવી હતી, જેમાંથી ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશની તમામ બેઠકો જીતી હતી. હવે આ ચૂંટણીમાં  તે આ વિસ્તારોમાં કેવો દેખાવ કરે  તે જોવાનું રહે છે. ઉત્તર પ્રદેશમાં આ વખતે મુલાયમ સિંહ યાદવ કુટુંબ માટે આ  ખૂબ મહત્વનો તબક્કો હતો જેમાં સપાના વડા અખિલેશ યાદવના પત્ની ડીમ્પલ યાદવ મૈનપુરી લોકસભા બેઠક જાળવી રાખવા માગે છે.

આ ઉપરાંત રામ ગોપાલ યાદવ અને આદિત્ય યાદવ પણ આ પક્ષના મહત્વના ઉમેદવારો હતા. જ્યારે મહારાષ્ટ્રમાં બારામતીમાં શરદ પવારના  પુત્રી સુપ્રિયા સુળે અને પક્ષના બળવાખોર નેતા અજીત પવારના પત્ની સુનેત્રા પવાર વચ્ચે ખરાખરીનો મુકાબલો હતો. ત્રીજા તબક્કાના મતદાનની સાથે લોકસભાની કુલ પ૪૩ બેઠકોમાંથી ૨૮૩ બેઠકો પર મતદાન થઇ ગયું. હવે ચૂંટણીનો આગામી ચોથો તબક્કો આના પછી ૧૩મી મેએ છે. ત્યાર પછી બીજા ત્રણ તબક્કા બાકી રહેશે, છેલ્લો તબક્કો પહેલી જૂને યોજાશે જે પછી ચોથી જૂને મતગણતરી થશે અને મોટે ભાગે તો તે જ દિવસે પરિણામ સ્પષ્ટ થઇ જશે. હાલ તો આપણે ત્યાં મતદાન  શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું તે આનંદની વાત છે.

Most Popular

To Top