લોકસભા ચૂંટણી (Loksabha Election) 2024ના ત્રીજા તબક્કામાં આજે 7મી મેના રોજ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન (Voting) થઈ રહ્યું છે. આ તબક્કામાં કુલ 1331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાનનો સમય સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધીનો છે જો કે કેટલીક લોકસભા બેઠકો પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશમાંથી 10, ગુજરાતમાંથી 25, કર્ણાટકમાંથી 14, મહારાષ્ટ્રમાંથી 11, મધ્યપ્રદેશમાંથી નવ, આસામમાંથી ચાર, બિહારમાંથી પાંચ, છત્તીસગઢમાંથી સાત, પશ્ચિમ બંગાળમાંથી ચાર, દમણ દીવમાંથી અને દાદરા અને નગર હવેલીની બે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
દરમિયાન ગુજરાતની 25 બેઠકો માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 47 ટકા મતદાન થયું છે. આજે સાંજે 25 બેઠકો પર 266 ઉમેદવારોના ભાવિનો ફેંસલો ઈવીએમમાં સીલ થઈ જશે. સુરત સીટ બિનહરીફ થઈ જતાં પહેલાં જ ભાજપે તેના પર વિજય મેળવી લીધો છે. લોકસભાની ચૂંટણી ઉપરાંત આજે પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. જેના માટે 24 ઉમેદવારો મેદાનમાં છે. લોકસભાની 25 સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ અને માંડવિયા 4 કેન્દ્રીય મંત્રી છે.
બીજી તરફ સુરતને બાદ કરતાં દક્ષિણ ગુજરાતની નવસારી, ભરૂચ, વલસાડ અને બારડોલી લોકસભા બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. બપોર સુધીમાં આ બેઠકો પર સરેરાશ 42 ટકા મતદાન થયું છે. વલસાડ બેઠક પર 45.34 ટકા, ભરૂચ બેઠક પર 42.12 ટકા, નવસારી બેઠક પર 38.10 ટકા અને બારડોલીમાં 41.67 ટકા મતદાન નોંધાયું છે.
બીજી તરફ દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો બપોરે એક વાગ્યા સુધીમાં આસામમાં 45.88 ટકા, યુપીમા 38.12, કર્ણાટકમાં 41.59, ગોવમાં 49.04, છત્તીસગઢમાં 46.14 ટકા, દાદરા અને નગર હવેલી અને દમણ-દીવમાં 39.94, પશ્ચિમ બંગાળમાં 49.27, બિહારમાં 36.69, MPમાં 44.67 અને મહારાષ્ટ્રમાં 31.55 ટકા મતદાન નોંધાયું હતું.