Comments

બધે ફાંકા ફોજદારી કરનાર અમેરિકાની પકડ ઢીલી થઈ રહી છે?

ઇઝરાયલ ગાઝામાં વિનાશ વેરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ કરતાં વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. આમાં ૭૦ ટકા જેટલાં નિર્દોષ સ્ત્રીઓ અને બાળકો છે. ઇઝરાયલની આ બર્બરતા સામે વિશ્વભરમાં રોષ ઊભો થયો છે. અમેરિકામાં ભણતાં પેલેસ્ટાઇનનાં વિદ્યાર્થીઓ એમની યુનિવર્સિટીઓના કેમ્પસ ઉપર દેખાવો યોજી રહ્યા છે. એમને દેખાવો યોજવા દેવા કે નહીં તે અંગે પણ શિક્ષણજગતમાં બે મત છે. અમેરિકાની એક ડઝનથી વધુ યુનિવર્સિટીમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓની આ દેખાવ બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ યુરોપિયન યુનિવર્સિટીમાં પણ ઇઝરાયલવિરોધી દેખાવોની શરૂઆત થઇ છે. ફ્રાન્સમાં પેરિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિકલ સાયન્સના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ દેખાવો કરવા માટે પહોંચી ગયાં હતાં. આ ઘટના પછી યુનિવર્સિટીએ તમામ ક્લાસને સ્થગિત કરી દીધા હતા અને ઓનલાઇન ક્લાસની જાહેરાત કરવામાં આવી હતી.ઇઝરાયલમાં પણ એક જૂથ વડા પ્રધાન નેત્યનાહુની આ નીતિનો વિરોધ કરી રહ્યું છે.

કદાચ પોતે આ યુદ્ધમાંથી પાછા હટે તો વડા પ્રધાનપદ પણ છિનવાઈ જાય અને જેલમાં જવાનો વખત આવે એ દહેશત પણ નેત્યનાહુના આ અંતિમવાદી વલણ પાછળનું એક મોટું કારણ હોઈ શકે છે. બીજી બાજુ અમેરિકામાં પ્રમુખપદ માટેની ચૂંટણીઓ આ વર્ષના નવેમ્બર મહિનામાં થવાની છે. આ કારણથી પણ પ્રમુખ બાઇડેન માટે કેટલાક પ્રશ્નો અગત્યના છે, જેમાં ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ, ચીન સાથેના સંબંધો, રશિયા-યુક્રેન યુદ્ધ વગેરેની સાથે ઘરઆંગણે ખાદ્ય પદાર્થોની કિંમતમાં ભાવવધારો, વિશ્વમાં અમેરિકાની ઘટતી જતી વગ વગેરે પણ અગત્યના મુદ્દા છે.

આમાં એક મુદ્દો અમેરિકાના આરબ જગત સાથેના સંબંધોનો પણ છે. આ બધાને કારણે આજે અમેરિકામાં જો કોઈ સૌથી વધુ તણાવમાં હોય તો પ્રમુખપદ માટેના ઉમેદવાર બાઇડેન અને એમના વિદેશમંત્રી બ્લિન્કેન હોઈ શકે. હાલના તબક્કે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ થાય તેવું અમેરિકા પણ ઇચ્છતું નહીં જ હોય. આ મુદ્દે ચર્ચા માટે અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની બ્લિન્કેન જેરુસલેમ ખાતે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેત્યનાહુને મળ્યા. અત્યારે અમેરિકા ઇઝરાયલ ઉપર ગાઝામાં સહાયવિતરણ ઝડપથી થાય તે માટે દબાણ વધારી રહ્યું છે. આ બધા વચ્ચે નેત્યનાહુ કહે છે કે, ‘અમે રફાહમાં દાખલ થઈને હમાસની ત્યાં રહેલી બટાલિયનોનો ખાતમો બોલાવીશું, ભલે હમાસ સાથે સમજૂતી થઈ હોય કે ન થઈ હોય’. આ વાત નેત્યનાહુએ બ્લિન્કેન સાથેની મીટિંગના આગલા દિવસે જ કહી હતી.

આમ, એક બાજુ હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થાય તે એક કરતાં વધારે કારણોસર બાઇડેનને આવનારી પ્રમુખપદની ચૂંટણીમાં ઉપયોગી થાય તેમ છે અને એટલે અમેરિકા એનાથી બનતા બધા જ પ્રયત્નો આ દિશામાં પરિણામલક્ષી બનવા માટે કરી રહ્યું છે. બીજી બાજુ ઇઝરાયલ અને આરબ દેશો સાથેના સંબંધો, ખાસ કરીને સાઉદી અરેબિયા અને યુએઈ સાથેના સંબંધો પણ પાછા પાટે ચડે અને મંત્રણાઓ ફરી શરૂ થાય તે માટે અમેરિકા આતુર છે. પણ એમાં જ્યાં સુધી હમાસનું કોકડું ના ઉકલે ત્યાં સુધી દાળ ગળે તેમ નથી. છેલ્લે એક વાત એવી પણ કહી શકાય કે, એક જમાનામાં અમેરિકાના ઇશારે કામ કરનાર ઇઝરાયલ ઉપર હવે અમેરિકાનું ધાર્યા મુજબનું ઉપજતું નથી અને આમ છતાંય તાજેતરમાં યુક્રેનની સાથોસાથ ઇઝરાયલની પણ અમેરિકાએ સહાય મંજૂર કરી છે.

આને અમેરિકાનો ઘટતો જતો પ્રભાવ ગણવો કે વ્યૂહાત્મક ચાલ – જે હોય તે, આજે ઇઝરાયલ અમેરિકાનું કહ્યું માનતું નથી એવી છાપ દુનિયાભરમાં ઊભી થઈ છે અને તેટલે અંશે જગત-જમાદાર તરીકેની અમેરિકાની છબી ધ્રુમીલ બની છે. ભારત દ્વારા અમેરિકા તેમજ કેનેડાની ધરતી પર કોન્ટ્રાક્ટ કીલિંગ કરવું અથવા કરવાનો પ્રયાસ કરવો એ બંને બાબતો ફરીથી ઉખડી છે અને આવનાર સમયમાં અમેરિકાના ભારત સાથેના સંબંધો પણ વણસે તો નવાઈ પામવા જેવું નહીં હોય.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top