સુરત: (Surat) આંતરરાજ્ય ગેંગના સુરેન્દ્રનગર ખાતે ૧૦૭ કિલો ચાંદીની ધાડના ગુનામાં વોન્ટેડ (Wanted) આરોપી કુખ્યાત શિવા મહાલિંગમ અને તેનો સાગરીત, અમદાવાદ કાફેના માલિકની હત્યા કરે તે પહેલા સુરત ક્રાઈમ બ્રાંચે તેમને 2 પિસ્ટલ તથા 10 કાર્ટિઝ સાથે ઝડપી પાડ્યા છે.
ક્રાઈમ બ્રાંચની ટીમને માનદરવાજાથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ ઉપર નેશનલ ગેરેજની સામે એક વ્યક્તિ પિસ્ટલ લઈને ઊભો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આરોપી શોએબ ઉર્ફે શાહરૂખ અસ્લમભાઇ શેખને પકડી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસને ગેરકાયદે દેશી હાથ બનાવટની 2 પિસ્ટલ તથા 10 કાર્ટીઝ મળી આવ્યા હતાં. તેમજ આ હથિયારો મંગાવનાર અને પુરા પાડનાર આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુર્ગયન પિલ્લઈ તથા ફીરોઝ ઉર્ફે લંગડો સિરાજુદ્દીન શેખને પણ પકડી પાડયા છે. તેમની સામે ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરાયો છે.
શિવા મહાલિંગમની પુછપરછ કરતાં તેમની અમદાવાદ ખાતે સીજી રોડ પર રતલામ કાફેના માલિક મુદ્દસર ખાન તેમજ બાબુ મુજાહિદ તથા મુશ્કીન સાથે ધંધાકીય હરીફાઈને લઈને મનદુ:ખ ચાલે છે. જેથી તેમની હત્યા કરવાના ઇરાદે શાહરૂખ પાસેથી હથિયારો મેળવ્યા હતા. અમદાવાદ પોલીસ તેમને શોધતી હોવાથી તેમણે સુરતમાં આવીને ધામો નાંખ્યો હતો. સુરતમાં આવીને હથિયાર મેળવ્યા હતા અને કાફેના ત્રણેય માલિકો પૈકી જે મળી આવે તેને મારવા માટે હથિયારો લાવ્યાની કબૂલાત કરી હતી. હત્યાના ગુનાને અંજામ આપે તે પહેલા હથિયાર સાથે ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યા હતા. મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ અમદાવાદમાં છ માસ પહેલાં હથિયાર સાથે પકડાયો હતો અને ફીરોજ સાથેના ગુનામાં વોન્ટેડ છે. શોએબ ઉર્ફે શાહરૂખ અસ્લમભાઇ શેખ અમદાવાદ ડી.સી.બી. ખાતેના હથિયારના ગુનામાં વોન્ટેડ છે.
શિવા આંતરરાજ્ય કુખ્યાત ગુનેગાર, જેલમાં હત્યા સહિતના અનેક ગુના
શિવા મહાલિંગમ એક કુખ્યાત આંતરરાજ્ય ગુનેગાર છે અને અગાઉ 21થી વધારે હત્યા, ધાડ, લૂંટ અને હથિયારના ગુનાઓમાં પકડાયો છે. શિવા અને ફિરોજ દ્વારા વર્ષ 2012માં કરશનભાઈ પટેલ (અમદાવાદ)ના નીમા ફાર્મ ખાતે બંગલામાં ધાડના ગુનામાં, વડોદરાનાં કુખ્યાત અઝરુદીન ઉર્ફે અજ્જુ કાણીયાની જેલમાં હત્યા તેમજ 8થી વધુ આર્મ્સ એક્ટના ગુનાઓ તેમજ ૩ હત્યાના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે.
શિવાએ ધંધામાં ધાક જમાવવા ધર્મ પરિવર્તન કરી આફતાબ નામ રાખ્યું
મહાલિંગમ ઉર્ફે શિવા આમ તો હિન્દુ છે, પરંતુ જેલમાં રહ્યા બાદ તેણે પોતાનું ધર્મ પરિવર્તન કરી લીધું હતું. પોતાનું નામ શિવામાંથી આફતાબ રાખ્યું હતું. તેના ધંધામાં આ ધર્મના નામથી વધારે ફાયદો થતો હોવાનું માનતો હતો.
બંને આરોપીઓ સામે 29થી વધારે ગુના
પકડાયેલો આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબની સામે અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 17 ગુના દાખલ છે. જ્યારે વડોદરામાં બે અને ગાંધીગ્રામમાં એક ગુનો દાખલ છે. આ સિવાય ફીરોઝ લંગડા સામે અમદાવાદમાં 6 ગુના દાખલ છે. આ સિવાય મુંબઈ વસઈ પોલીસ સ્ટેશનમાં એક અને સુરતના ઉધના પોલીસમાં એક ગુનો દાખલ છે.
પકડાયેલા આરોપીઓ
(૧) મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુગયન પિલ્લઈ (ઉ.વ.૪૮, ધંધો સિલાઈકામ, રહે. બિસ્મિલ્લાહ મસ્જીદ, ફતેવાડી, કેનાલ, વેજલપુર, અમદાવાદ)
(૨) ફીરોઝ ઉર્ફે લંગડો સિરાજુદ્દીન શેખ (ઉ.વ.૫૭, રહે. નાગીનદાસ પાડા, નાલાસોપારા ઈસ્ટ, મુંબઈ તથા મુળ જોહનપુર, ઉત્તરપ્રદેશ)
(૩) શોએબ ઉર્ફે શાહરૂખ અસ્લમભાઇ શેખ (ઉ.વ.૨૮, ધંધો- રિક્ષા ડ્રાઇવર, રહે. અલિ ફલેટ, સફાન પાર્ક, અંબર ટાવર રોડ, સરખેજ, અમદાવાદ)