યૂપીના (UP) રાયબરેલી લોકસભા સીટ (Loksabha Seat) માટે નોમિનેશનની તારીખ સમાપ્ત થવાના એક દિવસ પહેલા ભાજપે દિનેશ પ્રતાપ સિંહને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 2019ની ચૂંટણીમાં દિનેશ પ્રતાપ સિંહ (Dinesh Pratap Singh) આ બેઠક પરથી સોનિયા ગાંધી સામે ચૂંટણી લડ્યા હતા. બીજી તરફ ગાંધી પરિવારમાંથી કોઈ આ બેઠક પરથી ચૂંટણી લડવાના મૂડમાં ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ વખતે ગાંધી પરિવારનો કોઈ સભ્ય અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા નથી. બીજી તરફ અમેઠીથી રાહુલ ગાંધીના નામ પર ઓનલાઈન નોમિનેશન ફોર્મ ખરીદવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે.
રાયબરેલીથી સીટ બાબતે આ વખતે એવું માનવામાં આવી રહ્યું હતું કે જો પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. જેથી ભાજપ કોઈ મોટા ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપે યુપીની બે સીટો કેસરગંજ અને રાયબરેલી સિવાયની તમામ સીટો પર ઉમેદવારો પણ જાહેર કર્યા હતા. માનવામાં આવી રહ્યું હતું કે ટિકિટમાં વિલંબ થવા પાછળનું કારણ પાર્ટી કોંગ્રેસના ઉમેદવારની રાહ જોઈ રહી હતી. જોકે હવે રાયબરેલીથી ભાજપે દિનેશ સિંહને ઉમેદવાર જાહેર કર્યા છે.
બીજી તરફ આ વખતે ગાંધી પરિવારનો કોઈ સભ્ય અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા નથી. રાહુલ ગાંધીને અમેઠીથી અને પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ઉમેદવાર બનાવવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ અને પ્રિયંકા ગાંધી બંને અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડે તેવી શક્યતા નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધીનું કહેવું છે કે તેઓ વાયનાડ સીટથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે પ્રિયંકા ગાંધી પોતાને એક સીટ સુધી સીમિત રાખવા માંગતા નથી. પ્રિયંકા ગાંધી પ્રચાર કરવામાં રસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.
જણાવી દઈએ કે અમેઠી-રાયબરેલી સીટ માટે નોમિનેશનની છેલ્લી તારીખ શુક્રવારે બપોરે 3 વાગ્યા સુધીની છે. એટલે કે આજે અને આવતીકાલનો માત્ર થોડો જ સમય બાકી છે પરંતુ પક્ષ મૌન છે. હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બીજીતરફ યુપી કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના કો-ઓર્ડિનેટર વિકાસ અગ્રહરિએ રાહુલના નામાંકનનું પોસ્ટર બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. ગુરુવારે સવારે અમેઠી પહોંચેલા સોનિયા ગાંધીના પ્રતિનિધિ કિશોરી લાલ શર્માએ પણ કહ્યું છે કે ગાંધી પરિવારના કોઈ સભ્ય જ ચૂંટણી લડશે. અમેઠીથી રાહુલ ગાંધીના નામ પર ઓનલાઈન નોમિનેશન ફોર્મ ખરીદવામાં આવ્યું હોવાની પણ જાણકારી મળી છે.