વિદ્યાર્થીઓને ખરા અર્થમાં કસોટીમાંથી પસાર થવું પડ્યું
કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને લાઈટ પંખા વગર પરીક્ષા આપવાની ફરજ પડી
( પ્રતિનિધિ ) વડોદરા તા.2
સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે. તેવા સમયે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં ચાલી રહેલ કોમર્સની પરીક્ષા દરમિયાન સવારે 8:00 વાગ્યાથી વીજપ્રવાહ ખોરવાતા વિદ્યાર્થીઓએ આકરા તાપમાં ખરા અર્થમાં કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું.
વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. તેવા સમયે કોમર્સ ફેકલ્ટીના બીજા વર્ષની પરીક્ષાના અંતિમ પેપરો ચાલી રહ્યા છે. જેમાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા વ્યવસ્થા દરમ્યાન આજરોજ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે વહેલી સવારે 8:00 વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેને પગલે વિદ્યાર્થીઓએ આકરા તાપમાં લાઈટ પંખા વગર પરીક્ષા આપવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અગાઉથી જ એટલે કે તારીખ બીજી મેના રોજ સવારે 6 થી 11:00 વાગ્યા સુધી વીજ પુરવઠાની કામગીરી હોવાથી વીજ પ્રવાહ બંધ રાખવાની જાહેરાત કરી હતી. તેમ છતાં પણ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા વિદ્યાર્થીઓ આકરી ગરમીમાં પરીક્ષા આપવા મજબૂર બન્યા હતા.