મુરાદાબાદ: મુરાદાબાદમાં મોટી દુર્ઘટના સર્જવાનું કાવતરું નિષ્ફળ થયું છે. અહીં રેલવે ટ્રેક પર 100 કિલો વજન ધરાવતો મોટા પથ્થર હતો. પરંતુ સદ્દનસીબે ટ્રેન પલટી મારી નહોતી. જેથી હજારો લોકોના જીવ બચી ગયા હતા.
નૈની દૂન એક્સપ્રેસ પસાર થાય તે પહેલાં પાટા પર મોટો પત્થર હતો. ટ્રેનને પલટાવી નાંખવાના ઈરાદે આ પત્થરો કોઈકે મુક્યો હોવાની આશંકા છે. જોકે, સદ્દનસીબે ટ્રેન પલટી મારી નહોતી. મોટા પત્થરના લીધે ટ્રેન લગભગ 100 મીટર સુધી ટ્રેક પર ધસડાતી રહી હતી. આ ઘટના સિહોરાથી આગળ મેવણવાડા પાસે બની હતી. ટ્રેનમાં 1100થી વધુ મુસાફરો સવાર હતા.
મંગળવારે રેલવે ડિવિઝનમાં મોટી દુર્ઘટના ટળી હતી. 1100 થી વધુ મુસાફરોથી ભરેલી નૈની દૂન એક્સપ્રેસની સામે લગભગ 100 કિલો વજનનો એક પથ્થર આવ્યો હતો. પત્થર ટ્રેક પર હતો ત્યારે ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. જેના કારણે એન્જિનનું વ્હીલ ઉંચુ થઈ ગયું હતું અને પત્થર સાથે ટ્રેન 100 મીટર સુધી ઢસડાઈ હતી. ડ્રાઈવરે સમજદારીપૂર્વક રીતે ટ્રેન અટકાવી હતી, જેના લીધે 1100 લોકોના જીવ બચી ગયા હતા.
આ ઘટના મંગળવારે મોડી રાત્રે 7:30 કલાકે બની હતી. દેહરાદૂન અને કાઠગોદામ વચ્ચે દોડતી નૈની દૂન એક્સપ્રેસ (12091) જ્યારે સિઓહારાથી આગળ વધી ત્યારે ટ્રેક પર રાખેલો મોટો પથ્થર પૈડાની નીચે આવી ગયો. ટ્રેનની સ્પીડ વધી એટલે જોરથી ‘કટ-કટ’ અવાજ આવ્યો અને બોગીઓ ધ્રૂજવા લાગી હતી. ટ્રેનમાં સવાર મુસાફરો ડરી ગયા હતા.
ડ્રાઈવરે તરત જ ટ્રેનની સ્પીડ ધીમી કરી અને પછી બ્રેક લગાવીને તેને રોકી હતી. ડ્રાઈવરે કહ્યું, ટ્રેન અટકાવ્યા બાદ જ્યારે હું નીચે ઉતર્યો ત્યારે મેં જોયું કે પાટા અને પૈડા વચ્ચે એક મોટો પથ્થર હતો. ડ્રાઈવરે તરત જ કંટ્રોલને જાણ કરી હતી. યાંત્રિક વિભાગની ટીમ મેવાણવાડા પહોંચી હતી અને સાધનો વડે પથ્થરના ટુકડા કરી નાંખ્યા હતા. ત્યાર બાદ પૈડા વચ્ચે ફસાયેલા પથ્થરને દૂર કરવામાં આવ્યો હતો. બાદમાં ટ્રેન આગળ જઈ શકી હતી.
કંથ ખાતે 36 મિનિટ સુધી ટ્રેન ઉભી રહી
ટ્રેનના ડ્રાઇવરે અન્ય ટ્રેનોને અસર ન થાય તે માટે મેવાણવાડાથી ટ્રેનને આગળ ખસેડી હતી. આ દરમિયાન ટ્રેન 36 મિનિટ સુધી કંથ પર ઊભી રહી. રેલ્વે અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં આ વાત શેર કરવામાં આવી હતી. સમગ્ર મામલાની જાણકારી મળ્યા બાદ રેલ્વે પ્રશાસને તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
પાટા પર આટલો મોટો પથ્થર ક્યાંથી આવ્યો?
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પથ્થરનું વજન 100 કિલોથી વધુ હતું. ટ્રેક પર આટલો મોટો પથ્થર ક્યાંથી આવ્યો તે પ્રશ્ન રેલવે અધિકારીઓને સતાવી રહ્યો છે. જ્યાં આ ઘટના બની તે વિસ્તારમાં આરપીએફ પેટ્રોલિંગ કરતું નથી પરંતુ રેલવે ટ્રેકમેન ત્યાં પેટ્રોલિંગ કરે છે. એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં આ ઘટના બની ત્યાં સામાન્ય લોકોની અવરજવર નથી. ટ્રેક પર મોટો પથ્થર કેવી રીતે આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.