ગાંધીનગર: (Gandhinagar) આજે દિવસ દરમ્યાન રાજ્યમાં આકાશ સ્વચ્છ રહેતા હવે ફરીથી ગરમીનો પારો (Temperature) ઊંચે જઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં મહુવા તથા કંડલા એરપોર્ટ પર ગરમી વધીને 42 ડિગ્રી પહોંચી જવા પામી છે. આ ઉપરાંત રાજ્યમાં ખાસ કરીને પોરબંદર, ભાવનગર અને કચ્છમાં ગરમી વધવા સાથેની હિટવેવની યલો એલર્ટની ચેતવણી ઈશ્યુ કરી દેવાઈ છે.
- રાજ્યમાં હિટવેવની ઘેરી અસર, મહુવા અને કંડલા એરપોર્ટ પર 42 ડિગ્રી ગરમી
- પોરબંદર, ભાવનગર અને કચ્છમાં યલો એલર્ટ ચાલુ, હજુ ત્રણ દિવસ ગરમી વધવાની સંભાવના
ત્રણ જિલ્લાઓમાં આગામી 5મી મે સુધી હિટ વેવનું યલો એલર્ટ જારી કરાયું છે. કોઈ કારણ ના હોય તો આ ત્રણ જિલ્લાઓમાં સીધા ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ, તેવી હવમાન વિભાગના વૈજ્ઞાનિકોએ ચેતવણી ઈશ્યુ કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સાગરકાંઠે આગામી 4થી મે સુધી ગરમ તથા ભેજવાળા પવનના કારણે બેચેની અનુભવાશે, તેવી પણ ચેતવણી ઈશ્યુ કરાઈ છે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસ સ્થિત હવામાન વિભાગના સત્તાવાર સૂત્રો મુજબ આજે અમદાવાદમાં 40 ડિ.સે., ડીસામાં 38 ડિ.સે., ગાંધીનગરમાં 40 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિ.સે., વડોદરામાં 40 ડિ.સે., સુરતમાં 40 ડિ.સે., દમણમાં 39 ડિ.સે., ભૂજમાં 40 ડિ.સે., નલિયામાં 39 (ચાર ડિગ્રીનો વધારો) ડિ.સે., કંડલા પોર્ટ પર 34 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 41 ડિ.સે., અમરેલીમાં 41 ડિ.સે., ભાવનગરમાં 39 ડિ.સે., રાજકોટમાં 42 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 41 ડિ.સે., મહુવામાં 42 અને કેશોદમાં 41 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.