Vadodara

મેડિકલમાં પ્રવેશ માટે 557 શહેરમાં NEET લેવાશે, પ્રથમવાર 24 લાખથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા

મેડિકલ ક્ષેત્રની અંદાજે 1 લાખ બેઠકો માટે 5મીને રવિવારે નીટ લેવાશે

રાજયમાંથી 75 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ધો.12 પછી મેડિકલમાં પ્રવેશ માટે આગામી 5મી મેના રોજ લેવાનારી નીટ માટે સમગ્ર દેશમાંથી અંદાજે 24 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. આમ, દેશના જુદા જુદા રાજયો એક લાખ બેઠકો પર પ્રવેશ માટે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નીટ આપશે. રાજયમાંથી 75 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

મેડિકલમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ આગામી 5મી મેના રોજ લેવામાં આવનાર છે. આગામી રવિવારે બપોરે 2થી 5-20 દરમિયાન લેવાનારી નીટ એકઝામ માટે એનટીએ દ્વારા હાલ શહેરોની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશના કુલ 557 શહેરો અને વિદેશના 14 શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતે કયા શહેરમાંથી પરીક્ષા આપવાની છે તેની જાણકારી આપી હોવાથી હાલમાં શહેરો ફાળવી આપવામાં આવ્યા છે. મહત્વની વાત એ કે ચાલુવર્ષે નીટ આપવા માટે સમગ્ર દેશમાંથી અંદાજે 24 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અગાઉ સૌથી વધુ 18 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. સામાન્ય રીતે દરવર્ષે મેડિકલ માટેની નીટમાં રેગ્યુલર વિદ્યાર્થીઓની સામે રીપીટર વિદ્યાર્થીઓ વધારે નીટ આપવા માટે રજિસ્ટ્રેશન કરતાં હોય છે. જેના કારણે ચાલુવર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નીટ આપશે. હાલની સ્થિતિમાં સમગ્ર દેશના જુદા જુદા રાજયોમાં આવેલી મેડિકલ કોલેજોમાં અંદાજે 1 લાખ જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ગુજરાતમાં મેડિકલની 7050 બેઠકો છે. ચાલુવર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજોને મંજુરી મળવાની હોવાથી 450 બેઠકોનો વધારો થશે. ગુજરાતમાં 7500 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નીટમાં રાજયમાંથી 75 હજાર રેગ્યુલર વિદ્યાર્થીઓ નીટ આપતાં હોય છે. ચાલુવર્ષે રેગ્યુલર ઉપરાંત રીપીટર વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં પરીક્ષા આપતાં હોવાથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. માત્ર મેડિકલ નહી પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટે પણ બે લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Most Popular

To Top