ભરૂચ: (Bharuch) ભરૂચમાં મનુબર ચાર રસ્તા પર ઓર્ચિટ શોપિંગમાં (Shopping) આવેલી રેહમત ટ્રેડર્સમાં તિરૂપતિ બ્રાંડના નામે વેચાતા ડુપ્લીકેટ તેલના (Oil) ૨૫ ડબ્બા પોલીસે જપ્ત કરી દુકાન સંચાલકની ધરપકડ કરી હતી. પોલીસ રેડ વખતે દુકાનમાંથી તિરૂપતિ કપાસિયા તેલના ડબ્બા પર લગાવવાના ૧૯૮ સ્ટીકરો તેમજ ડબ્બા પર લગાવતા પીળા કલરના ૧૧૦ બૂચ પણ મળી આવ્યા હતા.
- ભરૂચની મનુબર ચોકડી પાસે રહેમત ટ્રેડર્સમાંથી નકલી તિરૂપતિ તેલ ઝડપાયું
- કંપનીએ પોલીસને સાથે રાખી તપાસ કરતા 25 ડબ્બા તેલ, 198 સ્ટીકર અને પીળા કલરનાં 110 બૂચ મળી આવ્યાં
અમદાવાદ એન.કે. પ્રોટીન્સ કંપનીનું તિરૂપતિ કપાસિયા તેલ બ્રાંડના નામે ભરૂચમાં ડુપ્લીકેટ તેલ વેચાતું હોવાની વિગતો મળી હતી. જેને લઈને કંપનીના અધિકારી ભૂષણ મહેન્દ્રભાઈ દાણીએ ભરૂચમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ભરૂચ મનુબર ચોકડી પાસે આવેલા ઓર્ચિટ શોપિંગમાં રેહમત ટ્રેડર્સમાં પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરતા દુકાનમાંથી તિરૂપતિ કપાસિયા તેલના ૧૫ લીટરના ૨૫ ડબ્બા મળ્યા હતા. જે ડબ્બા ઓરિજનલ છે કે ડુપ્લીકેટ તેની ખરાઈ કરવામાં આવતા તમામ ડબ્બાઓ ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું. આ દુકાનમાં ડબ્બા પર લગાવાતા સ્ટીકરો અને બુચ પણ મળી આવ્યા હતા. કંપનીના અધિકારીએ ભરૂચ B ડિવિઝનમાં ફરિયાદ આપતા રેહમત ટ્રેડર્સના દુકાનદાર હુસેન મેમણ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય એ છે કે ભરૂચ શહેરમાં ઠેર ઠેર દુકાનો પર ઘણી વખત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ચેકિંગ કરે છે. તેમ છતાં ભરૂચમાં સ્વાસ્થ્ય માટે જોખમરૂપ ડુપ્લીકેટ તેમજ અખાદ્ય વસ્તુઓ વેચાણ કરવાનું નેટવર્ક ધમધમી રહ્યું છે ત્યારે આ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થઇ હોય એમ લાગે છે. હાલમાં ડુપ્લીકેટ તેલનો જથ્થો કંપનીના અધિકારી દ્વારા ઝડપી પાડતા પોલીસ વિભાગે આખરે આ મામલાને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જણાવવું પડ્યું છે.