દારૂનું વેચાણ કરતા રૂ.500ના પગારદાર બે શખ્સ ઝડપાયા, બુટલેગર વોન્ટેડ
પીસીબીની ટીમે રેડ કરી, મકરપુરા પોલીસ ઉંઘતી ઝડપાઇ
(પ્રતિનિધિ) વડોદરા તા.25
લોકસભાની ચૂંટણી પૂર્વે શહેરના ઘાંઘરેટિયા વિસ્તારમાંથી પીસીબીની ટીમે 7.04 લાખના વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે. વિદેશી દારૂનો જથ્થો અને મોપેડ મળી 7.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફ ઉંઘતો ઝડપાયો છે.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તથા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય માટે સતત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. જેને લઇને પીસીબીની ટીમ ગઇ કાલે બુધવારે રાત્રીના સમયે પરિવાર ચાર રસ્તા પાસે આવતા બાતમી મળી હતી કે શહેરના ઘાંઘરેટિયા ખાતે કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે રહેતો વિપુલ રમેશ પંચાલ પગાર પર માણસો રાખીને દારૂનો ધંધો કરે છે અને દારૂનો જથ્થો મુકવા માટે બાજુમાં એક મકાન ભાડે રાખ્યું છે. જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેથી પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે ત્યાંથી બે શખ્સો એક નરેશ રાવજી પરમાર (રહે.ટીંબી ગામ વાઘોડિયા રોડ, ગામ તરસવા તા.વાઘોડિયા) તથા રાજુ ભયલાલ બારિયા (રે. કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે ઘાંઘરેટિયા)ને ઝડપી પાડ્યા હતા. તેની પુછપરછ કરતા દારુનું વેચાણ કરવા માટે રોજના 500 રૂપિયા આપવામાં આવતા હતો. જેથી પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો રુ.7.04 લાખ અને એક મોપેડ 50 હજાર મળી 7.83 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી મકરપુરા પોલીસને સોંપ્યા હતા. જ્યારે બુટલેગર વિપુલ રમેશ પંચાલને વોન્ટેડે જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે પીસીબીએ રેડ કરી હતી પરંતુ મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો છે.