Charchapatra

ફરી નહિ મળે

કોલેજમાંથી રીના ઘરે આવી …બેગ એક તરફ ફેંકી અને શુઝ કાઢીને ખૂણામાં નાખ્યા.અને ટેનિસનું રેકેટ તોડીને ફેંક્યું.ઘરમાં બધા સમજી ગયા કે આપની ચેમ્પિયન આજે ફરી મેચ હારીને આવી છે.રીના ખુબ જ ગુસ્સામાં હતી, પ્લેયર અને અમ્પાયરને ગમે તેમ બોલી રહી હતી. મમ્મીએ શાંત થવા કહ્યું…રીના ચુપ ન થઈ ઊલટું મમ્મીને ત્યાંથી જવા કહી દીધું.બે દિવસ સુધી ન રીના કોઈ સાથે બોલી કે ન પ્રેક્ટીસ પર ગઈ.અઠવાડિયા પછી ઇન્ટર કોલેજ ટેનીસ ટુર્નામેન્ટ હતી જો તે પ્રેક્ટીસ ન કરે તો તેની ગેમ પર ખરાબ જ અસર થવાની હતી.તેના પહેલા કોચ હતા, તેના પપ્પા જેમણે તેને ટેનીસ રમતા શીખવાડ્યું હતું.તેમને ચિંતા થઈ કે આમ તો રીના પોતાના ગુસ્સા અને જીદને કારણે બહુ સારી તક ગુમાવશે.

રીનાના પપ્પા પોતે ટેનીસ રમવા જવા તૈયાર થયા અને રીનાને માટે નવું રેકેટ લાવીને તેને બોલાવવા ગયા.પપ્પાએ કહ્યું, ‘મારી ચેપ્મ, જલ્દી તૈયાર થઇ જ આજે એક મેચ થઇ જાય.’રીનાએ કહ્યું, ‘ના મારો મૂડ નથી હું તો વિચારું છું કે ટેનીસ રમવાનું જ છોડી દઉં.’ રીનાના પપ્પા બોલ્યા, ‘દીકરા ,એક મેચ હારી તેમાં વર્ષોની મહેનત નકામી કરી નાખવાની ?? હું જોઈ રહ્યો છું તું બે દિવસથી તારા જીવનની ત્રણ અતિ મુલ્યવાન પાછી ક્યારેય મળે નહિ તેવી વસ્તુઓ ખોટા ગુસ્સાને કારણે બરબાદ કરી રહી છે.રીનાએ પૂછ્યું, ‘કઈ ત્રણ વસ્તુઓ ??’

પપ્પાએ કહ્યું, ‘બેટા ,શબ્દો …સમય અને તક ….તું ગુસ્સો કરે છે તે ખોટું છે અને તું ગુસ્સામાં ગમેતેમ બોલીને શબ્દોનો દુરુપયોગ કરે છે …બધાણી જોડે ખરાબ રીતે વાત કરે છે તારા આ બોલાયેલા શબ્દો ફરી ક્યારેય પાછા નહિ આવે તે યાદ રાખજે તું માફી માંગીશ …પણ શબ્દો અને શબ્દો દ્વારા થયેલા ઘા ક્યારેય ભૂંસી નહિ શકે એટલે બહુ ધ્યાન રાખી શબ્દોનો ઉપયોગ કર…

બીજું સમય તે બે દિવસથી પ્રેક્ટીસ કરી નથી અને ખોટા વિચારોમાં સમય બરબાદ કર્યો છે આ બે દિવસ તને ફરી ક્યારેય નહિ મળે …ત્રીજી છે તક …તારા માટે ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ એક સુંદર તક છે આગળ વધવાની અને તું કહે છે કે હું રમીશ જ નહિ…આજે ગુમાવીશ તો તને ફરી આ તક મળશે નહિ.’ પપ્પાની વાત રીના સમજી ગઈ અને તરત નવું રેકેટ હાથમાં લઈને બોલી, ‘ પપ્પા ,એક મેચ થઈ જાય.પછી તમે મને સમજાવજો કે મેઇ ભૂલો કયા થાય છે.હું હવેથી સમય ..શબ્દ …તક ક્યારેય બરબાદ નહિ કરું.’ રીનાને સાચી સમજ મળી.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top