SURAT

શું મુંબઈના વેપારીઓ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા તૈયાર છે? શું થયું બેઠકમાં, જાણો…

સુરત: મુંબઈના ભારત ડાયમંડ બુર્સ (BDB) માં વેપાર બંધ કરી સુરતડાયમંડ બુર્સ (SDB) માં આવવાની શરતોનો એજન્ડા પડતો મૂકી SDB નાં સંચાલકોએ આજે મુંબઈના BDB માં વેપારીઓ, દલાલો સાથે બેઠક યોજી હતી. અરવિંદ ધાનેરા – શાહ, અનુપ મહેતા અને કિરીટ ભણસાલીનાં સહયોગથી મુંબઈના ભારત ડાયમંડ બુર્સ ખાતે SDB નાં સંચાલકો એ યોજેલી બેઠકમાં 1000 જેટલા વેપારીઓ, દલાલો ઉપસ્થિત રહ્યા હતા.

  • મુંબઈના વેપારીઓના સહયોગથી 7 જુલાઈએ SDBમાં 500 ઓફિસો એક સાથે ખુલશે: લાલજીભાઈ પટેલ
  • અનુપ મહેતા અને કિરીટ ભણસાલીનાં સહયોગથી મુંબઈના ભારત ડાયમંડ બુર્સ ખાતે SDB નાં સંચાલકો એ બેઠક યોજી
  • મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં વેપાર બંધ કરી સુરત આવવાનો એજન્ડા પડતો મૂકાયો

આ બેઠકમાં વાઈસ ચેરમેન, સુરત ડાયમંડ બુર્સનાં વાઈસ ચેરમેન લાલજીભાઈ ટી પટેલ એ જાહેરાત કરી હતી કે, અષાઢી બીજનાં દિવસથી SRK નાં ગોવિંદભાઈ ધોળકિયા અને ધર્મનંદન ડાયમંડ SDB માં ઓફિસ ખોલશે. મુંબઈના વેપારીઓના સહયોગથી 7 જુલાઈ 2024 નાં રોજ SDB ની 500 ઓફિસો એક સાથે ખુલશે. લાલજીભાઈ પટેલ એ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સમાં બિઝનેસ શરુ કરવા તડામાર તૈયારીઓ સાથે SDB મેનેજમેન્ટ કમિટીની મુંબઈમાં SDBના મેમ્બરો સાથે મિટિંગ યોજાઈ હતી.

સુરત ડાયમંડ બુર્સ વતી ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા અને વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ એ તમામ મેમ્બરો ને સંબોધતા કહ્યું હતું કે આપણે સૌ સાથે મળી ને વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ બનાવ્યું છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટના આપણે સૌ ભાગીદાર છીએ. નાની-મોટી અનેક મુશ્કેલીઓ અને અવરોધો વચ્ચે પણ આપણા દ્રઢ નિશ્ચય અને પરસ્પરના વિશ્વાસના કારણે આપણે આ ભગીરથ કાર્ય પૂર્ણ કરી શક્યા છીએ. જેની વિશ્વભરમાં નોંધ લેવાઈ રહી છે.

આ અત્યાધુનિક સંકુલને આપણે સાથે મળી ને ધમધમતું કરવાનું છે. ઘણા લોકોને મળતા જાણવા મળ્યું કે લોકો એકબીજા ની રાહ જોઈ ને બેઠા છે, આવા વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગમાં બિઝનેસ કરવાની ઈચ્છા કોને ન હોય? એટલે કમિટીએ સાથે મળીને નક્કી કર્યું છે કે દરેક માર્કેટમાં જઈ લોકોને જણાવીએ કે આપણે સૌ એક સાથે SDB માં બિઝનેસ શરૂ કરીએ. લગભગ 500 થી વધારે મેમ્બરો એક સાથે 7 જુલાઈના રોજ ઓફિસ ચાલુ કરવા માટેની તૈયારી બતાવી હતી.

ખચોખચ ભરાયેલા મીટિંગ હોલમાં બંને આગેવાનોએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યાપારીને સુરત ડાયમંડ બુર્સમાં કોઇ પ્રશ્ન હોય તો તેનો ઝડપથી ઉકેલ લાવવામાં માટે સ્ટાફ અને કમિટી તત્પર રહેશે.

ભારત ડાયમંડ બુર્સના SDB નું એક કાઉન્ટર ખુલશે
મુંબઈના જે વેપારીઓએ ઓફિસો ખરીદી છે. તેમના ઝડપી પેપર વર્ક માટે ભારત ડાયમંડ બુર્સમાં એક કાઉન્ટર ખોલવાની માંગણી BDB ની કમિટીએ માન્ય રાખી છે. આ મીટિંગમાં SDB ની સર્વિસ કમિટીના પ્રેસિડન્ટ અરવિંદભાઈ શાહ (ધાનેરા), વાઈસ પ્રેસિડેન્ટ અશેષભાઈ દોશી, નિલેશભાઈ કોઠારી, મનીષભાઈ જીવાણી અને અન્ય કમિટી મેમ્બર્સ હાજર રહ્યા હતા.આ કાર્યકર્મમાં ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ અનુપભાઈ મહેતા અને કિરીટ ભનસાલી એ પણ હાજરી આપી હતી.

તમને શું તકલીફ છે એ કહો, અમે દૂર કરીશું: ગોવિંદ ધોળકિયા
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને ભાજપના રાજ્યસભાનાં ગોવિંદભાઈ ધોળકિયા એ ઉદ્યોગકારોને સંબોધતા કહ્યું હતું કે,” અમે તમને એવું નથી કહેવા આવ્યા કે તમે જલ્દી ઓફિસ શરૂ કરો,કારણ કે તમે વેપાર કરવા માટે જ તો ઓફિસ ખરીદી છે.SDB માં ઓફિસ ચાલુ કરવામાં શું તકલીફ છે,એ એમને કહો, અમે એ દૂર કરીશું.

7 જુલાઈ એ લાલજીભાઈ અને હું મારા ગ્રુપ સાથે ઓફિસ ચાલુ કરીશું, આગળના અનુભવ જોતાં અમે કોઈ પ્રોમિસ નથી,મને ખબર નથી કે 500 લોકો ઓફિસ શરૂ કરશે પણ હશે,બધા શરૂ કરશે. દુનિયાના સાત્વિક, સંસ્કારી, નિરાભિમાની, સીધા વેપારીઓ જોવા હોય તો હીરા ઉદ્યોગમાં ડોકિયું કરવું પડે, આપને ઝવેરી બજાર, પંચરત્ન ઓપેરા હાઉસથી ભારત ડાયમંડ બુર્સ આવી સફળ થયા,BDB ને લીધે SRK ને સફળતા મળી,ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધે તો વેપાર વધે,SDB પણ હીરા ઉદ્યોગને ફળશે એવી આશા રાખું છું.

SDB માં નાના વેપારી, દલાલોને કેબિન ટેબલો ફાળવાશે
સુરત ડાયમંડ બુર્સ કમિટીએ મુંબઈમાં જાહેરાત કરી હતી કે, BDB ની જેમ SDB માં પણ નાના વેપારી,દલાલોને કેબિન ટેબલો ફાળવવામાં આવશે. જેથી તમામ પ્રકારના લોકો એમાં વેપાર કરી શકે

Most Popular

To Top