આજના સ્માર્ટ બાળકોની ભેગા મળીને રમવાની પદ્ધતી પણ સ્માર્ટ બની!
પહેલાંના સમયમાં વેકેશન દરમિયાન બાળકો વીડિયો ગેમ્સ રમીને આનંદ લેતા પણ કોરોના એ જ્યારે દસ્તક દીધી હતી ત્યારે ઓનલાઇન એજ્યુકેશનનો ટ્રેન્ડ આવ્યો હતો એની સાથે બાળકોમાં ઓનલાઇન ગેમ્સ રમવાનું ચલણ પણ વધ્યું. આ ગેમ્સ સ્માર્ટ ગેજેટ્સ જેમકે, લેપટોપ, I Pad, ટેબ્લેટ, મોબાઈલ પર રમાય છે. હવેના બાળકો પણ ખૂબ બિઝી રહેતા હોય છે એવા સમયે તે પોતાના દૂર દૂર રહેતા મિત્રોને રોજ નથી મળી શકતા એટલે તેઓ પોત પોતાના જ ઘરમાં પર્સનલ સ્પેસમાં પોતાના જ ગેજેટ્સ પર સાથે મળીને ગેમ રમે છે. દરમ્યાન ઇન્ટરેક્શન, કોમ્યુનિકેશન પણ કરી પોતાના ફ્રી ટાઇમનો આ રીતે આનંદ લેતા હોય છે. તો ચાલો આપણે જાણીએ કે કઈ એજ ગ્રુપના બાળકો કઈ સ્માર્ટ ઓનલાઇન ગેમ રમે છે તેના ફાયદા ગેરફાયદા વિશે જાણીએ.
ઓનલાઇન ગેમ રમવાને કારણે ફ્રેશ લાગે છે તો એડિક્શનનો ભય પણ છે : શ્લોક મોરખિયા
શ્લોક 15 વર્ષનો છે તે જણાવે છે કે અમે ફ્રેન્ડ્સ ઓનલાઇન ગેમ રમવા માટે PS, X box , નિન્ટેન્ડો સ્વિચ વિ. ગેજેટ્સનો ઉપયોગ કરીએ છીએ. ફ્રેન્ડ્સ બધા દૂર દૂર રહેતા હોય એટલે બધા રોજ રોજ પર્સન્લી નહીં મળી શકે એવામાં ઓનલાઇન ગેમ્સ સમયનો બચાવ કરે છે. આમાં કેટલીક ગેમ્સ માઈન્ડ શાર્પ કરે તેવા વિચાર કરવા પ્રેરે તેવી હોય છે. અત્યારે વેકેશન છે તો અમે રોજ રમીએ છીએ. દૂર રહીને પણ કનેક્ટેડ રહીએ છે.આમાં અમે સ્ટડી બાદ રમીએ તો માઈન્ડ ફ્રેશ થાય છે. જોકે, ગેરફાયદો એ છે કે રમ્યા જ કરો તો ઓનલાઇન ગેમ્સ રમવાના એડિકટ થવાનો ભય રહે.
આવવા -જવાનો સમય બચે છે, મેથ્સના પ્રશ્નો સોલ્વ કરવાની ગેમ પણ રમીએ: જહાન્વી માંગરોળા
12 વર્ષની જહાન્વીએ જણાવ્યું કે અમે ફ્રેન્ડ્સ I Pad, આઈફોન, લેપટોપથી ઓનલાઇન ગેમ અમારા પોત પોતાના પર્સનલ સ્પેસમાં રમીએ છીએ, અમે ખાસ કરીને રોબ્લોકસ, હેલોનેબર, ફ્રો ફાયર રમીએ છીએ. રોબ્લોકસમાં 100 જેટલી ગેમ આવે તેમાં અડધા ઉપરાંતની ગેમ મેથ્સ રિલેટેડ હોય, અલગ અલગ થીમની ગેમ હોય છે. ઓનલાઇન ગેમ રમતા વચ્ચે ચેટ પણ થાય,કમ્યુનિકેટ પણ કરી શકાય એટલે સાથે બેઠા છીએ એવું ફિલ થાય છે. વળી, સાથે મળીને રમવાનું હોય તો પછી આવવા જવામાં સમય જાય પણ ઓનલાઇન ગેમ રમીએ તો તેમાં આ સમયની બચત થાય છે. રમવાની ટાઈમ લિમિટ નક્કી નહીં થાય તો સમયનો બગાડ થયો તેવું પણ લાગે.
ઓનલાઇન ગેમ્સ વિશે પેરેન્ટ્સને જાણ પણ નથી હોતી
અત્યારના પેરેન્ટ્સ પણ પોતાના વર્કમાં સતત બિઝી હોય છે એટલે તેમનું બાળક વિવિધ સ્માર્ટ ગેજેટ્સ પર ઓનલાઇન ગેમ રમે છે પણ તેમને ખ્યાલ નથી હોતો કે બાળક કઈ ગેમ રમેં છે અને એ ગેમ શું છે તેની જાણ પણ પેરેન્ટ્સને નથી હોતી. બાળક એકલું રમે છે કે પછી બીજા સાથે કનેક્ટ થઈને રમે છે તેનાથી પણ પેરેન્ટ્સ અજાણ હોય છે.
કઈ એજ ગ્રુપના બાળકોમાં કઈ ઓનલાઇન ગેમ્સ છે પોપ્યુલર
ઓનલાઇન ગેમ્સ તો અસંખ્ય છે પણ અલગ અલગ એજ ગ્રુપના બાળકો અલગ-અલગ ગેમ રમતા હોય છે. 11-12 વર્ષની એજ ગ્રુપના બાળકો રો બ્લોકસ, હેલોનેબર, ફ્રીફાયર, માઇનક્રાફટ ગેમ્સ રમતા હોય છે. જ્યારે 15-16 વર્ષની ગ્રુપના બાળકો વેલોરન, ફોર્ટનાઈટ, રેડ ડેડ રિડેંપ્શન ગેમ રમતા હોય છે.
ઓનલાઇન ગેમ્સ રમવામાં બાળકો ફિઝિકલ એક્ટિવિટી ભૂલી જાય છે: નિષ્ઠા પીઠાવાળા
નિષ્ઠા પીઠાવાળાએ જણાવ્યું કે ઓનલાઇન ગેમિંગ નવો ટ્રેન્ડ છે. કોરોના કાળમાં ઓનલાઇન ગેમ્સ રમવાનું ચલણ વધ્યું હતું. જોકે, તેનો એક ફાયદો એ છે કે હાલમાં ગરમી વધારે પડી રહી છે તો બાળક ઘરમાં જ વિવિધ ગેજેટ્સનો ઉપયોગ કરીને ગેમ્સ રમે તો બહારની ગરમીથી બચે છે . જોકે, ગેરફાયદો એ છે કે બાળક ટાઈમ લિમિટ નક્કી કર્યા વગર ઓનલાઇન ગેમ્સ રમ્યા કરે અને તેમાં મશગુલ રહે તો તે ફીઝીકલ એક્ટિવિટી ભૂલી જાય. બાળકને થોડું રમવા દેવું જોઈએ પણ ટાઈમ લિમિટ માટે વોર્નિંગ પણ આપવી જોઈએ. મેં એક વાત એ પણ નોટ કરી છે કે જ્યારે બાળક ઓનલાઇન રમતા હોય ત્યારે તેના સ્વાભાવમાં ફરક જોવા મળે છે. આવી ગેમ્સ રમતી વખતે તેને એવું લાગે કે તેનું લેવલ બરાબર જળવાતું નથી ત્યારે તેનો સ્વભાવ ચિડચીડયો અને અગ્રેસીવ થઈ જાય છે. તેઓ આમા ખાસ્સા ઇન્વોલ્વ થઇ જાય છે અને જ્યારે તે આવી ગેમ ના રમતું હોય ત્યારે તે શાંત હોય છે.