Comments

અતિવસ્તીની સમસ્યાના સંદર્ભે આપણે શું આયોજન કરી રહ્યાં છીએ?

લોકસભાની ચૂંટણી માટે દેશ તૈયાર છે. રાજકીય પક્ષો પોતપોતાનાં વચનો આપી રહ્યા છે. દેશની વિવિધ સમસ્યા ઉકેલવા પોતે શું કરશે તે જણાવી રહ્યા છે ત્યારે દેશના અતિ મહત્ત્વના પ્રશ્ન માટે આપણે શું વિચારી રહ્યા છીએ તેની આજે ચર્ચા કરવી છે. આર્થિક પરિબળો સમાજ વ્યવસ્થાને અસર કરે છે અને સામાજિક પરિબળો અર્થવ્યવસ્થાને. પણ, નવી બજારુ આર્થિક સમજણ માત્ર મોટાં મૂડીરોકાણો અને વિદેશ વ્યાપારને જ ધ્યાનમાં લે છે. નેતાઓ કે સામાજિક આગેવાનો પણ આર્થિક વિકાસનો આ મુજબનો સાંકડો અર્થ કરે છે ત્યારે, બદલાતા ભારતના ખરા સ્વરૂપ અને પ્રશ્નો તરફ કોઈનું ધ્યાન જ નથી. સરકારનું કામ માત્ર આર્થિક વિકાસનું નથી, સંતુલિત વિકાસનું છે. બદલાતી સમાજવ્યવસ્થાને અનુરૂપ કાયદા કે વ્યવસ્થાઓ  વિકસાવવાનું પણ છે અને સરકારનું ધ્યાન દોરવાનું કામ સામાજિક નિસ્બતવાળા આગેવાનોનું છે.

માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં સામાજિક ચિંતન પ્રમાણમાં ઘટી રહ્યું છે ત્યારે, આજે એવા મુદ્દા તરફ ધ્યાન દોરવું છે જે સીધો તો રાજનીતિનો કે અર્થનીતિનો પ્રશ્ન નથી. પણ, લાંબા ગાળે તે સમાજજીવનના બધા જ પાસાને અસર કરશે તે નક્કી છે. મુદ્દો છે સમાજમાં વધતા વૃદ્ધાશ્રમોનો. ઘરડાઘરમાં રહેતાં માબાપનો. ખાસ તો, એવાં વૃદ્ધ લોકોનો જેમનાં પરિવાર હયાત છે. શહેરમાં કે રાજ્યમાં છે અને છતાં તેઓ વૃધ્ધાશ્રમમાં રહે છે.

વાત તો એમ જ લખાય છે કે છોકરા માં બાપને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે અને કથાકારો ,પ્રવચનકારો , લોકપ્રિય વક્તાઓ કોઈ પણ પ્રકારના સામાજિક, આર્થિક અભ્યાસ કે માહિતી વગર ઉપદેશો ફટકારવા માંડે છે. નવી પેઢીને દોષિત ઠેરવવા માંડે છે. ખાસ તો દોષનો ટોપલો સ્ત્રીઓ પર નાખી દેવામાં આવે છે . વહુઓ સાસુ સસરાને રાખવા નથી માગતી થી શરૂ થતી વાતો સંસ્કાર અને ટી. વી. સીરીયલોની અસરથી માંડી મોબાઇલ વાયા ક્યાં પહોંચે તે નક્કી નહીં.

પણ હા, ક્યાંય બદલાતી આર્થિક, સામાજિક પરિસ્થિતિ, આવક રોજગારીની સ્થિતિ, શિક્ષણ પાયાની  સુવિધાઓની અસમાનતા અને તેમાંથી ઉદ્ભવતા સ્થળાંતર સહિતના મુદ્દાઓ ક્યાંય ચર્ચાતા નથી. આ આખી જ સમસ્યા નવી અર્થવ્યવસ્થાની આડ પેદાશ છે તે કોઈ જોતું નથી અને સૌથી અગત્યનું કે ઘરડાંઘર વધી રહ્યાં છે તે બધાને દેખાય છે. પણ, ઘોડિયાંઘર પણ વધી રહ્યાં છે તે નથી દેખાતું.પુત્ર મા-બાપને ઘરડાંઘરમાં મૂકી આવે છે તે ખોટું અને મા બાપ છોકરાને ઘોડિયાંઘરમાં મૂકી આવે છે તે સાચું?

ખરી વાત તો એ છે કે કેટલાક કિસ્સાને બાદ કરતાં આ નવી વ્યવસ્થા છે. જે વિસ્તરતી જાય છે. આ નવી સ્થિતિનો આદર્શવાદી ઉપદેશોથી ઉકેલ નહીં આવે. તેનું વ્યક્તિગત સ્તરે માનસિક સ્વીકાર અને સમાજ સ્તરે વ્યવસ્થાપૂર્વકનું આયોજન કરવું પડશે. હું તો આવા છોકરાને ગોળીએ દઈ દૌ,કે હું તો ઘરડાંઘર જ બંધ કરાવી દઉં જેવા હોકારા અને પડકારથી આનો ઉકેલ નહીં આવે. ઉકેલ ત્યારે જ આવશે, જ્યારે આને સામાજિક  નિસ્બત સાથે અભ્યાસપૂર્વક સમજવામાં આવશે.

પહેલાં ભારત ખેતીપ્રધાન દેશ હતો. મોટી વસ્તી ગામડામાં રહેતી હતી. જરૂરિયાતો ઓછી હતી. વસ્તુઓ પણ ઓછી હતી. સાદું અર્થતંત્ર હતું. પછી ઔદ્યોગિકીકરણ વધ્યું, જેથી શહેરીકરણ વધ્યું. વસ્તી વધારાના કારણે બધાનું ખેતી ઉપર નભવું અશક્ય બન્યું અને ખાસ તો ખેતી પણ મોસમી હતી એટલે વસ્તીનું રોજી-રોટી  માટે સ્થળાંતર વધ્યું. શરૂઆતમાં યુવાન રોજગાર માટે બહાર નીકળતો અને મા બાપ ઘરે રહેતાં.

વાત તો એક જ હતી. ઉલટાનું પત્ની પણ છોડવી પડતી.આજે જેમને દીકરા છોડી ગયા હોય તે મા બાપનું દુ:ખ દેખાય છે તેમના કોઈને, પતિ છોડી ગયો હોય તેવી પત્નીનું દુ:ખ નથી દેખાયું ( પછી એ તો બધું છોડીને સાસરે આવી હોય ) ખેર, આપણે મૂળ તપાસવા માંગીએ છીએ તે છે રોટી રોજીની જરૂરિયાત. ખેતી પ્રધાન સમાજમાં સંયુક્ત કુટુંબ પ્રથા વિકસી કારણ ખેતી વ્યવસાય સમૂહનો છે. એમાંય પરમ્પરાગત ખેતી માનવ આધારિત હતી, માટે વ્યવસાય સાથે તો રહેવાનું.

સાથે એ ન્યાયે બધા જોડે રહ્યા. પણ, ઔદ્યોગિકીકરણ  અને યાંત્રિકીકરણ વધતાં ઓછાં લોકોની જરૂરિયાતવાળા વ્યવસાય આવ્યા અને લોકોને બીજે વ્યવસાય શોધવો પડ્યો. વિભક્ત કુટુંબ ઊભાં થયાં. મોંઘવારી વધી ,જરૂરિયાતો વધી અને ખાનગી ક્ષેત્રમાં પગારો સ્થિર અને લગભગ શોષણ કહેવાય તેવા બન્યા છે ત્યારે પતિ પત્ની બન્નેને નોકરી કરવી જરૂરી બની છે , બન્નેને વ્યવસાય કરવો જરૂરી બન્યો છે તો ઘોડિયાંઘર અસ્તિત્વમાં આવ્યાં છે. તમે નોકરી કરો, અમે તમારાં બાળકો સાચવીશું. હવે જે મા બાપ બાળકોને ઘોડિયાંઘરમાં મૂકીને નોકરીએ ગયાં હોય તેમને આ જ બાળકો નોકરીએ જવા માટે ઘરડાંઘરમાં મૂકે તો ફરિયાદ કરવાપણું રહે ખરું?

આપણે માત્ર ઘરડાંઘરની વ્યવસ્થાની જ ચર્ચા કરીએ છીએ, બાકી છેલ્લાં વર્ષોમાં ગુજરાતનાં ગામડાં પોતેજ એક મોટાં ઘરડાં ઘર બની રહ્યાં છે. રિહાઈ ફિલ્મ સ્ત્રીઓની વાત કહેતી આ જ સમસ્યાની એક રજૂઆત હતી . અનેક પુરુષો ઘર ગામડે મૂકી શહેરમાં કમાવા આવ્યા છે . આજે તો મા બાપ જ કહે છે કે જાવ અમે તો ગામડે પડ્યા રહીશું . અનેક એવાં યુવા દંપતી છે કે જેઓ પોતે જ શહેરમાં ખૂબ નાના પગારમાં સાંકડાં ઘરોમાં રહે છે અને તાણીતુંસીને પૂરું કરે છે. તેમનાં માતા-પિતાને તેઓ સાથે રાખવા માગે છે, છતાં તેમનાં માતા-પિતા જ ગામડે જ રહેવા માગે છે. ઘણાં વડીલો એવાં છે કે જેમની સતત સંભાળ રાખવી જ પડે અને પતિ પત્ની બન્ને કમાતાં હોય તો તેમને એકલાં ઘરે રાખી શકાય નહીં. આવા સંજોગોમાં તેમને કોઈ કેરટેકર હોય તેવી જગ્યાએ રાખવા તે જ વ્યવહારુ ઉપાય છે.

ધ્યાનથી જોશો તો હવે આપણા ગુજરાતમાં જ શહેરો બહાર ઓલ્ડ એજ હોમથી થોડા મોટા સોસાયટી પ્રકારનાં સ્વરૂપો વિકસી રહ્યાં છે. ૧૯૯૦ પછી તો તમામ સંપન્ન પરિવારોમાં એક કે બે બાળક છે, જેઓ અત્યારે ૩૨ વર્ષનાં છે અને નોકરી દેશના અન્ય રાજ્યમાં કે અન્ય શહેરમાં કરી રહ્યાં છે. આ સંપન્ન કુટુંબના વડીલો અત્યારથી જ સમજી ચૂક્યા છે કે આપણી પાછળની જિંદગી માટે અત્યારથી જ વ્યવસ્થા કરો, માટે આખા રેસીડેન્શીયલ એરિયા ડેવલપ થઈ રહ્યા છે જ્યાં નિવૃત્ત લોકો જ ઘર બુક કરાવે અને આખા રેસીડેન્સની વ્યવસ્થા પ્રોફેશનલ દ્વારા થાય. અહીં મેનેજર હોય, ડોક્ટર હોય, એમ્બ્યુલન્સ હોય એ તમામ વ્યવસ્થાઓ હોય, જે વડીલ વ્યક્તિઓને જોઈએ.આ વ્યવહારુ અભિગમ છે પણ એ તો વિકસિત ઘરડાઘર જ.

આજે ભારતમાં સંપન્ન પરિવારો પોતાનાં સંતાનોને વિદેશ મોકલે છે જ્યાં એ સેટ થશે તેવું તેઓ પોતે જ માને છે. હવે આ મા-બાપ અહીં ભારતમાં એકલાં જ રહેવાનાં છે. પહેલાં જેમ ગામડાં ઘરડાંઘર બન્યાં તેમ દેશ ઘરડાંઘર બનશે. આમ પણ દેશની ૬૦ ટકાથી વધુ વસ્તી 15 થી ૬૦ વર્ષની છે, જે ૨૦૫૦ પછી જ ઉંમરવાન થવા મળશે. આજનો યુવાન દેશ ઘરડો થશે ત્યારે આ તમામ ઘરડાંઓને કેવી રીતે રાખવાં તેનું આયોજન કરવું પડશે, અત્યારથી વિચારવું પડશે.

ટૂંકમાં રોજગારી અને આવકના દબાણે મા બાપને છોકરાથી જુદા પડ્યા અને છોકરાને માબાપથી. એટલે ઇચ્છીએ કે ના ઇચ્છીએ, નોકરી કરતાં મા-બાપનાં બાળકો સાચવવા પ્લે-ગ્રુપ, ઘોડિયાંઘર, ડેસ્કુલ જેવી વ્યવસ્થા વિકસી. તો સંતાન સંભાળ નથી લઇ શકતાં કે સંતાનવિહોણાં માતા-પિતા માટે ઘરડાઘરની વ્યવસ્થા વિકસી. આ વ્યવસ્થાઓને નફરત કરશો તો આ વ્યવસ્થાઓ સુધારવા તરફ ધ્યાન નહીં જાય.

સાચો રસ્તો એ છે કે આપણે આંતર માળખાકીય સુવિધાઓમાં હવે આ સુવિધાઓનો પણ વિચાર કરીએ કે નોકરિયાત સંતાનોનાં માબાપ ક્યાં રહે? એક સંતાન હોય, તેમનાં મા બાપને આખો વખત નહીં, પણ થોડો સમય જો એકલાં રહેવાનું થાય તો તે ક્યાં રહે?  શહેરમાં ગયેલા યુવાન દીકરાને પોતાની સ્થિતિ અને  લાગણી દર્શાવતો આંધળી મા નો કાગળ કદાચ જાણીતો છે, પણ શહેરમાં ગયેલા દીકરાએ પોતાની આપવીતી જણાવી તે જવાબનું ગીત બહુ પહોંચ્યું નથી.  આ મજબુરી છે તેને પ્રવચનો કે ઉપદેશોનું મનોરંજન ના બનાવો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top