સુરત(Surat) : શહેરમાં ઘી, બટર સહિતના અનેક ખાદ્ય પદાર્થો ડુપ્લીકેટ વેચાતા હોવાનું ખુલ્યાં બાદ સુરત મનપાનું (SMC) આરોગ્ય તંત્ર (Health Department) એલર્ટ થયું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ હવે દરોડા પાડી ખાદ્ય સામગ્રીઓ ચેક કરી રહ્યાં છે. ગયા અઠવાડિયે શહેરના 126 અનાજ-કઠોળના વેપારીઓ પર દરોડા (Raids on pulse traders) કાર્યવાહી કર્યા બાદ આજે સ્ટોલ પર મસાલા વેચતા વેપારીઓ (Spice traders) પર સકંજો કસ્યો છે.
ઉનાળો શરૂ થતાંની સાથે જ અનાજ, કઠોળ અને મસાલા ભરવાની સિઝન ચાલુ થતી હોય છે. તેના લીધે વેપારીઓ અનાજ-કઠોળ ભરાવતા હોય છે. બે દિવસ પહેલાં શહેરના 126 અનાજના વેપારીઓને સ્વચ્છતા મામલે આરોગ્ય વિભાગે નોટીસ ફટકારી હતી.
અનાજની જેમ જ ઉનાળામાં મસાલા ભરવાની પણ સિઝન હોય છે. શહેરમાં ઠેર ઠેર મસાલાના સ્ટોલ ઉભા થઈ ગયા છે. મોટા પાયે મસાલાનું વેચાણ થઈ રહ્યું છે. લોકો આખા વર્ષના મસાલા ભરવા માટે આ સિઝનમાં ખરીદી શરૂ કરતા હોય છે. ત્યારે આ મસાલાઓમાં ભેળસેળ થાય છે કે કેમ તે અંગેની તપાસ પાલિકાના આરોગ્ય તંત્રએ હાથ ધરી છે.
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આજે રાંદેર ઝોનમાં મસાલાના સ્ટોલ્સ પર દરોડા કાર્યવાહી કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ મરી-મસાલાનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા. અડાજણ આનંદ મહલ રોડ પર ઉભા કરાયેલા વિવિધ મસાલાના સ્ટોલ પરથી સેમ્પલ લેવાયા હતા.
પાલિકાના અધિકારીઓએ હળદર, લાલ મરચું, ધાણા જીરું સહિતના મસાલાના સેમ્પલ લીધા છે. આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો ભેળસેળ બહાર આવશે તો મસાલાના સ્ટોલ ધારકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અનાજ કઠોળના 126 વેપારીની દુકાનો પર દરોડા પાડ્યા હતા
આ અગાઉ તા.13 એપ્રિલથી 16 એપ્રિલ 2024 દરમિયાન સુરત શહેર વિસ્તારમાં આવેલા જથ્થાબંધ અનાજ-કઠોળનો વેપાર કરતી કુલ 126 સંસ્થાઓની ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ચેકિંગ હાથ ધરી આ સંસ્થામાં સ્વચ્છતાનું ધોરણ જળવાયેલું રહે અને રોડન્ટ કંટ્રોલ અને પેસ્ટ કંટ્રોલની કામગીરી સમયાંતરે થઇ શકે તે અંગેની નોટીસ આપવામાં આવી છે. કુલ 15 સંસ્થાઓમાંથી અનાજ-કઠોળનાં કુલ 17 નમૂનાઓ લઇ પબ્લિક હેલ્થ લેબોરેટરી, સુરત મહાનગર પાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.