નવી દિલ્હી: (New Delhi) ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વોટ અને વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપની 100% ક્રોસ ચેકિંગની માંગણીને લઈ ગુરુવારે 18 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે એડીઆર અને અન્ય વકીલો અને ચૂંટણી પંચની દલીલો 5 કલાક સુધી સાંભળી હતી. અદાલતે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે અપનાવવામાં આવેલા પગલાં અંગે ચૂંટણી પંચના વકીલ પાસેથી EVM અને VVPATની સમગ્ર પ્રક્રિયાને સમજી હતી. ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું. એમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે આવું થવું જોઈતું હતું અને થયું નથી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
લોકસભા ચૂંટણી પહેલા વોટિંગ મશીન સાથે છેડછાડનો મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો છે. આ મામલો કેરળ સાથે જોડાયેલો છે. અહીં ઈવીએમ મોક ડ્રીલમાં વોટિંગ દરમિયાન ભાજપને વધુ વોટ મળ્યા હોવાનું કહેવાય છે. સુપ્રીમ કોર્ટે કેરળમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ગેરરીતિ અને અન્ય લોકોના વોટ બીજેપીને ટ્રાન્સફર કરવાના આરોપો પર ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. આ કેસમાં એડીઆર વતી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી. કોર્ટે ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહને પૂછ્યું કે આ કેટલું સાચું છે. સિંહે કહ્યું કે આ અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે.
લોકસભાની ચૂંટણીથી લઈને વિધાનસભાની ચૂંટણી સુધી વોટિંગ મશીન સાથે છેડછાડનો મુદ્દો વારંવાર ઉઠતો રહ્યો છે. વિપક્ષ વોટિંગ મશીનો સાથે ચેડાનો આરોપ લગાવી રહ્યો છે. જોકે સરકાર તેમજ ચૂંટણી પંચ વોટિંગ મશીનો સાથે ચેડા થવાની સંભાવનાને સ્પષ્ટપણે નકારી રહ્યું છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કેરળમાં ઈવીએમની મોક ડ્રીલ દરમિયાન ભાજપને વધારાના મત મળ્યા હોવાના આરોપની તપાસ કરવા જણાવ્યું છે. EVM અને VVPAT સ્લિપના મેચિંગ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચે મૌખિક આદેશમાં ચૂંટણી પંચને આ મામલે મળેલા રિપોર્ટની તપાસ કરવા જણાવ્યું હતું.
સુનાવણી દરમિયાન અરજદાર એડીઆર તરફથી હાજર રહેલા પ્રશાંત ભૂષણે કહ્યું કે એક મીડિયા હાઉસે ઓનલાઈન અહેવાલ આપ્યો છે કે ઈવીએમની મોક ડ્રીલ દરમિયાન ફરિયાદો નોંધવામાં આવી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેરળના કાસરગોડ વિસ્તારમાં EVMની મોડ ડ્રિલ દરમિયાન ચાર EVMમાં BJPના વધારાના વોટ પડ્યા હતા. આ અંગે યુડીએફ (યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) અને એલડીએફ (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ)એ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે કે ચાર ઈવીએમમાં મોકડ્રીલ દરમિયાન વધારાના વોટ ભાજપને ગયા છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહને આ કેસમાં લાગેલા આરોપોની તપાસ કરવા કહ્યું છે. EVM અને VVPAT સ્લિપના 100% મેચિંગ અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને તે દરમિયાન અરજદાર ADR વતી હાજર રહેલા પ્રશાંત ભૂષણે આ મુદ્દો ઉઠાવ્યો હતો જેના પર સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત મૌખિક આદેશ આપ્યો છે. આ પછી ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે અને ઈવીએમમાં ગેરરીતિ સંબંધિત સમાચારોને ખોટા ગણાવ્યા છે. ચૂંટણી પંચના અધિકારીએ કોર્ટને જણાવ્યું કે કાસરગોડમાં ઈવીએમમાં ગેરરીતિના અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે.