મહેન્દ્રગઢ(Mahendragadh): હરિયાણાના (Hariyana) મહેન્દ્રગઢ જિલ્લાના કનિના શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો છે. આજે તા. 11 એપ્રિલને ગુરુવારે સવારે એક ખાનગી શાળાની બસ (School Bus) કાબૂ બહાર ગઈ હતી અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં છ બાળકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
આ અકસ્માત કનીબા નગર પાસે કનિના-દાદરી રોડ પર થયો હતો. મળતી માહિતી મુજબ ઉન્હાની ગામ પાસે બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ બસ ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની હતી, જેમાં લગભગ 35 થી 40 બાળકો મુસાફરી કરી રહ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે આજે સરકારી રજાના દિવસે પણ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને લેવા માટે શાળામાંથી બસ મોકલવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ત્યાં બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પાંચ બાળકોના મોત નિપજ્યા હતા, જ્યારે એકની હાલત નાજુક હતી, જે હોસ્પિટલ પહોંચ્યા બાદ વેન્ટિલેટર પર હતો. બાદમાં આ બાળકનું પણ મૃત્યુ થયું અને મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા વધીને 6 થઈ ગઈ.
સ્થાનિક લોકોનો દાવો છે કે બસ ડ્રાઈવર નશાની હાલતમાં હતો. થોડા સમય બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા બાદ ઘાયલ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના આક્ષેપો બાદ પોલીસ બસ ડ્રાઈવર દારૂના નશામાં હતો કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.