તા.27-3-24 ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં શ્રી નરેન્દ્ર જોશીની કોલમ ‘સમુદ્ર એક કિનારા અનેક’માં ‘ગુજરાતમા આ રોગચાળો ફેલાય તો’ શીર્ષક હેઠળનો એમનો લેખ વાંચી લખવા પ્રેરાયો. એમણે ઓટો બ્રુઅરી સિન્ડ્રોમ નામની બિમારી વિષે વાત કરી છે. એ બિમારી ગટ ફર્મેન્ટેશન અઅને એનોજેનેસ ઇથેનોલ ફર્મેન્ટેશન તરીકે પણ ઓળખાય છે. જેમાં દારૂનું એક પણ ટીપું પીધું ન હોય તો પણ વ્યક્તિએ દારી પીધો હોય તેવું સાબિત થાય છે. એ વ્યક્તિમાં દારૂડિયાના જેવા લક્ષણો હોય તેવા લક્ષણો જોવા મળે છે.
જો ગુજરાતમાં આ રોગચાળો ફેલાય તો સર્વત્ર દરેક વ્યક્તિ સ્ત્રીપુરુષ સૌ રાજાપાઠમાં જ આવી જાય. વાહન ચલાવનારા પણ એકબીજા સાથે વાહનો અથડાવે કેટલાયના હાથપગ ભાંગે, કેટલાયના પ્રાણ પણ જાય, એ રોગના ધારકોને નિર્દોષ છોડવા પડે. સર્વત્ર અરાજકતા ફેલાય. એ વ્યક્તિ પેલું ફિલ્મી ગીત ગાય શકે, ‘દારૂકી બોટલ મેં સાહબ પાની ભરતા હૈ, ફીર ના કેહના માયકલ દારૂ પીકે દંગા કરતા હૈ’. લેખકે લખેલ લેખ ખરેખર વાંચવા જેવો છે. એ રોગ સર્વત્ર ન ફેલાય એ માટે કોરોના રોગને માટે જે ઇન્જેક્શન, દવા શોધાય તેવી દવા તાત્કાલિક શોધવી જોઈએ. દારૂબંધીવાળા ગુજરાતમાં આ રોગ ફાટી નીકળે તો ગુજરાતમાં અંધાધુંધી ફેલાય, જેને એ રોગ થયો હોય તેણે ડોક્ટરનું પ્રમાણપત્ર પોતાની પાસે જ રાખવુ પડે.
નવસારી – મહેશ નાયક.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લોકસભાના ઇલેકશનમાં થતો અધધ ખર્ચ
ભારતનું 18મું લોકસભાનું ઇલેકશન 19 એપ્રિલ 24 થી શરૂ થઇ 1 જૂન 2024ના રોજ 7 ફેઇઝમાં પૂરું થશે. ગુજરાતમાં 7મી મેના રોજ ઇલેકશન થનાર છે. ચીફ ઇલેકશન કમિશ્નર રાજીવકુમારે ઇલેકશન માટેની બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભાના આ ઇલેકશન પાછળ 1.20 લાખ કરોડનો ખર્ચ થશે. ચૂંટણીના કુલ ખર્ચ પૈકી 20 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર કરશે અને 80 ટકા ખર્ચ રાજકીય પક્ષો તેમણે મેળવેલા ફંડમાંથી કરશે. નિયમ મુજબ લોકસભાની ચૂંટણીનો ખર્ચ કેન્દ્ર સરકાર અને વિધાનસભાની ચૂંટણીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.
1.20 લાખ કરોડ એટલે વિશ્વનું કદાચ આ મોંઘામાં મોંઘું ઇલેકશન હશે કે(ભલે લોક ભૂખે મરતાં હોય.) 1.20 લાખ કરોડ જેટલી રકમમાંથી તો 80 કરોડ ગરીબોને આઠ મહિના સુધી મફત અનાજ આપી શકાય. ચૂંટણી પંચના આંકડા મુજબ દેશની પ્રથમ લોકસભાની ચૂંટણી વખતે તેનો ખર્ચ માત્ર 10.45 કરોડ રૂપિયા થયો હતો. દર પાંચ વર્ષે આ ચૂંટણી ખર્ચ બમણો થતો જાય છે. આપણા દેશની 7 ટકા વસતિ નેશનલ પોવરટી લાઈનની નીચે જીવે છે. પણ 63 ટકા લોકો તો અત્યંત ગરીબ સ્થિતિમાં જીવી રહ્યાં છે. દેશની 1 ટકા વસતિ પાસે દેશની 40 ટકા સંપત્તિ છે. આ આર્થિક અસમાનતા ચૂંટણીના આવા જંગી ખર્ચને કારણે વધતી જશે. ચૂંટણી ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય એ તો સરકારે અને બધા પક્ષના નેતાઓ ભેગા મળીને વિચારવિમર્શ કરી શકે. ચૂંટણીની પાછળ ખર્ચાતી આટલી મોટી રકમમાંથી તો દેશના કંઇ કેટકેટલા નવા પ્રોજેકટો અમલમાં મૂકીને પ્રજાની આર્થિક ભીંસ દૂર કરી શકાય.
સુરત – કિરીટ એન. ડુમસિયા .આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.