દીક્ષા કે સન્યાસ લેવો એટલે સંસારથી મુક્ત થઈને સંપૂર્ણપણે ભગવાનની ભક્તિ કરવી. એ વાત યોગ્ય છે, પરંતુ એ માટે ઉંમરની મર્યાદા હોવી જરૂરી છે. આપણને કોઇ પણ ધર્મની વિરુદ્ધ બોલવાનો કોઈ હકક નથી, પરંતુ હમણાં હમણાં વર્તમાનપત્રોમાં પ્રકાશિત થતા સમાચારો અને રસ્તા પર જ્યાંથી પસાર થાઉં છું ત્યાં દીક્ષા લેનારનો વરઘોડો પસાર થતો જોવા મળે છે. સાંભળીને અને જોઈને દુઃખ એક જ વાતનું થાય છે કે ૮,૧૦,૧૨,૧૪ વર્ષનાં બાળકો દીક્ષા લઇ રહ્યાં છે કે જેમણે હજુ સુધી સંસારનું સુખ પ્રાપ્ત કર્યું નથી કે જોયું નથી. આવાં બાળકોને સંસારથી વિમુખ થઇને ફ્કત ભગવાનની ભક્તિ કરવાનું જ્ઞાન આપવામાં આવે એ કેટલે અંશે યોગ્ય કહેવાય? વળી વરઘોડામાં રસ્તા પર પૈસા ઉછાળવામાં આવે. પૈસાનો આવો વ્યર્થ દેખાડો કેટલે અંશે વ્યાજબી? જે વ્યક્તિ દીક્ષા લેવાની હોય તેને લગ્નની જેમ તૈયાર કરવામાં આવે અને બધી ધાર્મિક વિધિ પૂરી કરવામાં આવે. વ્યક્તિના શરીરમાં ૧૪ વર્ષ બાદ કુદરતી ફેરફારો થતા હોય છે અને તે દરમ્યાનના આવેગને બિનજરૂરી રોકવા એ પણ કેટલું યોગ્ય કહેવાય?
આવાં બાળકોને સંસારમાં પાછાં આવવાની ઇચ્છા થતી ન હોય? જે બાળક દીક્ષા લઇ રહ્યું છે તેનાં માતા પિતા કે ભાઈ-બહેન સુખ સંપત્તિથી પોતાના ઘરમાં કેવી રીતે રહી શકે? આ બધું સમજ બહારની વાત છે. ભગવાનની ભક્તિ ફ્કત દીક્ષા કે સન્યાસ લેવાથી જ કરી શકાય એવું નથી. ભગવાનની સાચી ભક્તિ તો ક્યારેય મનમાં કોઇ કપટવૃત્તિ રાખીએ નહીં કે કોઇના માટે ખરાબ બોલીએ નહીં અને દરેકને મદદ કરવાની વૃત્તિ રાખવી એ છે. તેને માટે દીક્ષા કે સન્યાસ લેવાની જરૂર નથી હોતી અને તેમ છતાં લેવી જ હોય તો ઉંમરનો બાધ હોવો જરૂરી છે. કુમળી વયનાં બાળકોને દેખાદેખી દીક્ષા આપવાનો કોઇ અર્થ નથી.
– તૃપ્તિ કલ્પેશ ગાંધી.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બળતણ તરીકે લાકડું વાપરવું બંધ કરો
આધારભૂત સૂત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર બોયલરમાં બળતણ તરીકે વપરાતાં લિગ્નાઈટની માંગને પૂરી કરવા દર વર્ષે 10 લાખ ટનથી વધુ કોલસાનું ઉત્પાદન કરવામાં આવશે. પરંતુ હાલમાં આયાતી કોલસા સામે લિગ્નાઈટના ભાવો ઘણાં જ ઊંચા છે તે તરત જ ઘટાડવા રહ્યા તેમ જ વપરાશકર્તાને ઉચ્ચ ગુણવત્તાનો લિગ્નાઈટ મળી રહે, તેવી વ્યવસ્થા કરવી. સાથે બળતણ તરીકે લાકડાંનો વપરાશ થાય છે તે તરત જ બંધ કરાવવો. ભવિષ્યમાં કોલસાની આયાતો બંધ થશે અને ભારતમાં નીકળતા કોલસા-લિગ્નાઈટનો વપરાશ કરવા માટે ભાર મૂકવામાં આવશે.
સુરત – જવાહર પટેલ.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.