૧૨ વર્ષનો જોય અમેરિકાથી પહેલી વાર દાદા દાદીને મળવા ગામમાં આવ્યો હતો.જોયને ગામડાના જીવન વિષે જાણવું હતું.તેની પાસે ઘણા સવાલો હતા, જે જોતો તેના માટે દાદા અને દાદીને સવાલો પૂછતો. એક દિવસ જોય દાદા સાથે વહેલી સવારે ગામ ફરવા નીકળ્યો હતો.તેઓ કૂવા પાસેથી પસાર થયા, જોયું તો કૂવા પર ઘણી બધી સ્ત્રીઓ ભેગી થઈને મસ્તીમજાક અને વાતો કરતાં કરતાં પાણી ભરી રહી હતી અને ફટાફટ પાણી ભરીને એક ઉપર એક બેડાં ગોઠવીને માથા ઉપર ત્રણ કે ચાર બેડાં અને કાંખમાં બીજું એક બેડું ઊંચકીને આરામથી વાતો કરતી ઘર તરફ જતી હતી.
જોય આ જોઈ રહ્યો…અને દાદાને પૂછવા લાગ્યો, ‘દાદા શું આ કોઈ ગેમ છે? બધા માથા પર આટલા ‘પોટ’ લઈને શું કરે છે?’ દાદાએ તેને સમજ આપી કે આ બધી સ્ત્રીઓ પોતાના ઘર માટે પાણી ભરીને લઇ જાય છે.તેમને પનિહારીઓ કહેવાય.જોય બોલ્યો, ‘દાદા, માથા પર કોઈકે ત્રણ તો કોઈકે ચાર ચાર બેડાં મૂક્યાં છે. શું તેમને વજન નથી લાગતું અને આ બેલેન્સ કેવી રીતે થાય? તેમને તો પકડ્યા પણ નથી.કોઈકની સાથે નાની છોકરીઓ છે તેમણે પણ નાનાં નાનાં બેડાં ઉચક્યા છે.’
દાદા બોલ્યા. ‘મારા દીકરા, ચલ તને સરસ વાત સમજાવું.આ બધી ગામડાની સ્ત્રીઓ નાનપણથી જ પોતાની માતાને જોઈ જોઈને શીખે છે અને જાણે કુદરતે જ દરેક સ્ત્રીમાં જન્મજાત આવડત આપી હોય છે….ભાર ઊંચકવાની અને બેલેન્સ જાળવવાની અને દરેક સ્ત્રી આ કામ આ મહેનત રોજ કરે છે. તેઓ પોતાની શક્તિ અને જરૂરિયાત પ્રમાણે બે કે ત્રણ કે ચાર બેડાં ઊંચકીને આસાનીથી પકડ્યા વિના ચાલી શકે છે.તેઓ ભલે વાતો કરે કે મજાક તેમનું ધ્યાન માથા પરના બેડાં પર જ હોય છે અને માથું હંમેશા સ્થિર જ રાખે છે.’ જોય બહુ ધ્યાનથી દાદાની વાત સાંભળતો હતો અને પાણી ભરીને માથે ત્રણ-ત્રણ કે ચાર-ચાર બેડાં ઊંચકીને તેને પકડ્યા વિના ચાલી જતી ગામડાની સ્ત્રીઓને અહોભાવથી જોઈ રહ્યો હતો.
દાદા બોલ્યા, ‘ જોય બેટા,આ વાત પરથી જો હું તને જીવનની ત્રણ ચાર મહત્ત્વની વાત સમજાવું કે તારે જીવનમાં આગળ આવવું હશે તો શું શું જરૂરી છે.સૌથી પહેલાં જરૂરી છે આવડત કે શક્તિ ..જે નક્કી કરે છે કે તું શું કરી શકીશ…બીજું જરૂરી છે પ્રેરણા અને જરૂરિયાત, જે નક્કી કરે છે કે તું કેટલો આગળ વધીશ…કઈ દિશામાં આગળ વધીશ અને તારો વ્યવહાર – વર્તન અને એકધારી મહેનત , દૃઢતા અને સ્થિરતા જ નક્કી કરશે કે તું કોઇ પણ કાર્ય કેટલું સારી રીતે કરી શકીશ અને કેટલો આગળ વધી શકીશ.’ દાદાએ વાતો વાતોમાં પુત્રને સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.