કન્યા શાળા અને આંગણવાડીમાં આવતા ભૂલકાના આરોગ્ય સામે ખતરો
(પ્રતિનિધિ) મહુધા તા.9
મહુધાની પે સેન્ટર શાળાની પાછળ આવેલી પ્રાથમિક કન્યા શાળા નજીક ગટરના ગંદા પાણી ઉભરાવવાના કારણે અહીં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. એટલું જ નહીં અહીં આંગણવાડી હોવાના કારણે ભૂલકાઓ પણ મોટી સંખ્યામાં આવે છે. જેમના પર રોગચાળાનો ભય ઉભો થયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ અંગે આચાર્યએ રજુઆત કરી આમ છતાં કોઇ પગલાં ભરવામાં આવી રહ્યાં નથી.
મહુધા તાલુકા મથક ખાતે આવેલી પે સેન્ટટ શાળાની પાછળ પ્રાથમિક કન્યા શાળા આવેલી છે. જેમાં અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. આસપાસમાં પાંચ જેટલી આંગણવાડી આવેલી છે. જેમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ માટે આવી રહ્યા છે. મહુધા કન્યા શાળામાં અને આંગણવાડીના ભૂલકાઓ મીડ ડે મીલ સાથે પૌષ્ટિક આહાર મેળવી રહ્યા છે. આ બાળકોના આરોગ્યનો ભયંકર પ્રશ્ન ઉભો થયો છે.
મહુધા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કન્યા શાળા નજીક પાઇપો નાંખવામાં આવી હતી. પરંતુ તેમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ પડ્યું છે. જેના કારણે ગંદા પાણી સમગ્ર જાહેર રસ્તા પર ફરી વળ્યાં છે. આ અંગે આચાર્ય ધર્મિષ્ઠાબહેન પટેલ દ્વારા નગરપાલિકાને લેખિતમાં જાણ કરી હોવા છતાં પાલિકા તંત્રનું પેટનું પાણી હાલતું નથી.