Business

શેરબજાર ઓલટાઈમ હાઈ, પહેલી વાર માર્કેટ કેપ 4 લાખ કરોડને પાર પહોંચ્યું

મુંબઈ: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ (Trading) દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું છે. આજે તા. 8 એપ્રિલને સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં (Sensex) 300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ (Nifty) પણ 25600ની સપાટી ક્રોસ કરી છે.

સોમવારે શેરબજાર નવા રેકોર્ડ ઊંચા સ્તરે ખુલ્યું હતું. સેન્સેક્સ પ્રથમ વખનત 74,599 પર પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી 22,609ના સ્તરે પહોંચી ગયો છે. બજારમાં સૌથી વધુ ખરીદી મેટલ અને રિયલ્ટી સેક્ટરના શેરમાં જોવા મળી હતી. તે જ સમયે, ફાર્મા સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી શેરોમાં ટાટા સ્ટીલનો (Tata Steel) શેર ટોપ ગેઇનર તરીકે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 20 પોઈન્ટના વધારા સાથે 74,248 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારના મિશ્ર વલણો વચ્ચે સ્થાનિક બજાર તેજ દેખાઈ રહ્યું છે. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. બંનેએ નવી ઊંચાઈઓને સ્પર્શી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

એકંદરે નિફ્ટીના તમામ ક્ષેત્રોના સૂચકાંકો લીલા છે. શ્રેષ્ઠ ટેકો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાંથી મળી રહ્યો છે. તેના કારણે આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.47 લાખ કરોડનો વધારો થયો છે. એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.47 લાખ કરોડનો વધારો થયો છે. પ્રથમ વખત માર્કેટ કેપ રૂ. 4 લાખ કરોડને પાર કરી ગયું છે.

હવે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો, BSE સેન્સેક્સ હાલમાં 260.30 પોઇન્ટ અથવા 0.35 ટકાના વધારા સાથે 74508.52 પર છે અને નિફ્ટી 50 69.30 પોઇન્ટ અથવા 0.31 ટકાના વધારા સાથે 22583.00 પર છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા સેન્સેક્સ 74248.22 પર અને નિફ્ટી 22513.70 પર બંધ થયો હતો.

એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે 5 એપ્રિલ, 2024ના રોજ, BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 3,99,31,908.44 કરોડ હતી. આજે એટલે કે 8 એપ્રિલ, 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે 4,00,79,201.83 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 1,47,293.39 કરોડનો વધારો થયો છે.

સેન્સેક્સ પર 30 શેર લિસ્ટેડ છે તે પૈકી 24 શેર્સ ગ્રીન ઝોનમાં છે. સૌથી વધુ ઉછાળો એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ અને ટાઈટનના શેર્સમાં જોવા મળ્યો છે. બીજી તરફ વિપ્રો, એચડીએફસી બેન્ક અને નેસ્લેમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.

Most Popular

To Top