આઈપીએલની ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યાં હતાં
(પ્રતિનિધિ) આણંદ તા.5
વિદ્યાનગર પોલીસે મોટા બજારના સહજાનંદ પાન પેલેસની સામે આવેલા પટેલ સ્ટુડીયોના ઓટલા પર ઓનલાઇન જુગાર રમતા ત્રણ શખ્સને સ્થાનિક પોલીસે રંગેહાથ પકડી લીધાં હતાં. આ શખ્સો આઈપીએલની ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યાં હતાં. જેમની પાસેથી પોલીસે 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
વિદ્યાનગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.આર. ગોહિલને બાતમી મળી હતી કે, વિદ્યાનગર મોટા બાજરમાં રીયાઝ ઉર્ફે જોનસન ગુલામનબી વ્હોરા (રહે. પાકીજા સોસાયટી, આણંદ), તૌસીફ અબ્દુલરહીમ વ્હોરા (રહે. કોહીનુર સોસાયટી, આણંદ) હાલ આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચ પર મોબાઇલથી ઓનલાઇન હારજીતનો ક્રિકેટ સટ્ટો રમી રહ્યા છે. આ બાતમી આધારે પોલીસે ગુરૂવારની રાત્રે સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પરથી રીયાઝ અને તૌસીફ બન્ને પકડાઇ ગયાં હતાં. જેમના મોબાઇલ જપ્ત કરી તલાસી લેતા અલગ અલગ ક્રિકેટ મેચનો સટ્ટો હારજીતનો જુગાર રમી રહ્યાં હતાં. આ અંગે યુઝર નેમ અને પાસવર્ડ બાબતે પુછતાં ઇમરાન કાલીનું નામ બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે રીયાઝ ઉર્ફે જોનસન વ્હોરા, તોસીફ વ્હોરા અને ઇમરાન કાલી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.