ભરૂચ(Bharuch): રાજપૂત સમાજની મહિલાઓ માટે અપમાનજનક નિવેદન કરનાર ભાજપના રાજકોટ (Rajkot) લોકસભા (Loksabha) બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ગામે ગામ વિરોધ શરૂ થયો છે. પરસોત્તમ રુપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ભાજપના કોઈ નેતાને પ્રવેશ નહીં આપવામાં આવે તેવા પોસ્ટર રાજ્યના અનેક ગામોમાં લગાવાયા છે.
- રૂપાલાની ટીકીટ રદ્દ ન થાય ત્યાં સુધી ગોપાલપુરા ગામમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી
- રૂપાલાને બદલવામાં નહીં આવે તો ગામે ગામે વિરોધ પ્રચાર કરાશે
નર્મદા (Narmada) જિલ્લામાં ગોપાલપુરા (Gopalpura) ગામે રાજપૂત (Rajput) સમાજે પરસોત્તમ રૂપાલાને (Parshottam Rupala) ટીકીટ રદ્દ નહિ કરે તો ભાજપના (BJP) આગેવાનો કે કાર્યકરો માટે પ્રવેશબંધીના (No Entry) બેનરો લગાડી દેતા ભારે ઉકળતો ચરુ જોવા મળ્યો છે. નર્મદા (Narmada) જિલ્લામાં દરબારોના ગામડાંઓમાં રૂપાલાની વાણી વિલાસ સામે ભારે વિરોધ પ્રગટ થયો છે.
નર્મદા જિલ્લામાં ગોપાલપુરા ગામે રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં BJP આગેવાન કાર્યકરોએ પ્રવેશબંધી ફરમાવી દેતું પોસ્ટર લાગ્યું છે. રાજપૂત સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે. જો આમ ન થાય તો ગોપાલપુરા ગામમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ખભા પર ખેસ પહેરીને આવનાર સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.
ગોપાલપુરાના રાજપૂત સમાજના અગ્રણીઓ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે રૂપાલાએ સમાજને લાંછનરૂપ શબ્દો વાપરતા એ માફીને પાત્ર નથી. જો રૂપાલાને બદલે નહિ તો અમે ગામે ગામ જઈને વિરોધમાં પ્રચાર કરીશું એવો રણટંકાર કર્યો છે.
સુરેન્દ્રનગરના પાંચ ગામમાં પણ પ્રવેશબંધી
નર્મદાના ગોપાલપુરા ગામની જેમ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના પાંચ ગામમાં પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા છે. પેઠડા, ઢાંકી, કેશરીયા, મોઢવાણા અને લખતરના તલસાણા ગામમાં પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા છે. તમામ ગામના રાજપુત સમાજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી છે.
શું છે વિવાદ?
ગઈ તા. 23મી માર્ચના રોજ વાલ્મિકી સમાજના એક જાહેર કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે નિવેદન કર્યું હતું. રુપાલાએ કહ્યું હતું કે, ભારતમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારતા હતા. ત્યારે મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો અંગ્રેજો સાથે કર્યા હતા. પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા. ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા. અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે, જેનું મને ગૌરવ છે. આ નિવેદનને પગલે ક્ષત્રિય સમાજ નારાજ થયો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન કરાયું હોવાનો મુદ્દો બન્યો છે.